લિંબાયતમાં મિત્રોએ જ મિત્રને ચપ્પુના ઘા ઝીંકી પતાવી દીધો:સુરતમાં વતનના ઝઘડાનો ખાર રાખી વેલ્ડિંગ કામ કરતા યુવાનની કરપીણ હત્યા, ચારેય ફરાર આરોપીની CCTVના આધારે શોધખોળ
સુરતના લિંબાયત વિસ્તારમાં ગુનાખોરીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં 25 વર્ષીય આશિક ઈશ્ત ખાન પઠાણ નામના યુવાનની કરપીણ હત્યા કરવામાં આવી છે. નીલગીરી સર્કલ જેવા ધમધમતા વિસ્તારમાં બનેલી આ ઘટનાને કારણે સ્થાનિકોમાં ભારે ફફડાટ અને ચકચાર મચી ગઈ છે. શહેરમાં સતત વધતા જતા ગુનાખોરીના ગ્રાફ વચ્ચે આ લોહીયાળ જંગે કાયદો અને વ્યવસ્થા સામે પ્રશ્નો ઉભા કર્યા છે. મિત્રોએ જ છરીના ઘા માર્યાં
મૃતક આશિક પઠાણ વ્યવસાયે વેલ્ડિંગ કામ સાથે સંકળાયેલો હતો અને મૂળ ઉત્તર પ્રદેશનો વતની હતો. ગત સાંજે જ્યારે તે નીલગીરી સર્કલ પાસેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે તેના જ વતનના ચાર મિત્રોએ તેને રસ્તામાં આંતરી લીધો હતો. સામાન્ય બોલાચાલીથી શરૂ થયેલો વિવાદ જોતજોતામાં હિંસક સ્વરૂપ ધારણ કરી ગયો હતો અને ચારેય શખ્સોએ ચપ્પુના અસંખ્ય ઘા ઝીંકી આશિકને જાહેરમાં લોહીલુહાણ કરી નાખ્યો હતો. જૂની અદાવત બની હત્યાનું મુખ્ય કારણ
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ હત્યા પાછળ અંગત અદાવત જવાબદાર છે. મૃતક અને હુમલાખોરો વચ્ચે તેમના વતનમાં કોઈ જૂની બાબતે વિવાદ ચાલી રહ્યો હતો. આ જૂના ઝઘડાનો ખાર રાખીને આરોપીઓએ આયોજનબદ્ધ રીતે આશિક પર હુમલો કર્યો હતો. મિત્રતાના દાવે સાથે રહેતા શખ્સોએ જ વતનની દુશ્મનાવટનો બદલો લેવા માટે આટલું ઘાતકી ડગલું ભર્યું હતું. સારવાર દરમિયાન કરુણ મોત
હુમલા બાદ ગંભીર રીતે ઘાયલ થયેલા આશિકને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, ચપ્પુના ઘા એટલા ઊંડા અને જીવલેણ હતા કે તબીબોના અથાગ પ્રયત્નો છતાં તેને બચાવી શકાયો નહોતો. ટૂંકી સારવાર બાદ હોસ્પિટલમાં તેણે દમ તોડ્યો હતો. આ ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો હોસ્પિટલ અને ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસ કાર્યવાહી અને આરોપીઓની શોધખોળ
લિંબાયત પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હુમલો કર્યા બાદ ચારેય આરોપીઓ ફરાર થઈ ગયા હોવાથી, તેમને પકડવા માટે પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે. પોલીસ સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપીઓના સગડ મેળવી રહી છે અને ટૂંક સમયમાં જ તેમની ધરપકડ કરવામાં આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
Read Original Article →