કાળઝાળ ગરમીએ બેનો જીવ લીધો:સુરતમાં સિઝનનો સૌથી ગરમ દિવસ યુવક સહન ના કરી શક્યો ને ભાઈ સામે જ ઢળી પડ્યો; વડોદરામાં ગભરામણ બાદ વૃદ્ધાનું મોત

Gujarat5/12/2026, 8:51:52 AM
કાળઝાળ ગરમીએ બેનો જીવ લીધો:સુરતમાં સિઝનનો સૌથી ગરમ દિવસ યુવક સહન ના કરી શક્યો ને ભાઈ સામે જ ઢળી પડ્યો; વડોદરામાં ગભરામણ બાદ વૃદ્ધાનું મોત
દક્ષિણ ગુજરાત સહિત સુરતમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનો પારો સતત વધી રહ્યો છે. ત્યારે ગઇકાલે (11 મે) સચિન જીઆઈડીસીના પાલીગામમાં કામ કરી રહેલા એક 28 વર્ષીય આશાસ્પદ યુવકનું કાળઝાળ ગરમી અને હીટસ્ટ્રોકને કારણે મોત નીપજ્યું છે. બપોરના સમયે જ્યારે સૂર્ય દેવતા કોપાયમાન હતા, ત્યારે કામ દરમિયાન પોતાના ભાઈની સામે જ અનુજકુમારને અચાનક ચક્કર આવ્યા હતા અને તે જમીન પર ઢળી પડ્યો હતો. બાદમાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં આજે તેનું મોત થયું હતું. ઉલ્લેખનીય છે કે 11 મે સુરતમાં મે મહિનાનો સૌથી ગરમ દિવસ નોંધાયો હતો. શહેરનું મહત્તમ તાપમાન 42.2 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું હતું. જે સામાન્ય તાપમાન કરતા 6.8 ડિગ્રી વધુ નોંધાયું હતું. આ ગરમી મૃતક યુવક સહન ના કરી શક્યો અને મોતને ભેટ્યો છે. વડોદરામાં 74 વર્ષીય કમુબેન પરમાર નામના વૃદ્ધાને ઘરે ગરમીને કારણે ગભરામણ થતા અચાનક ઢળી પડ્યા હતાં. જેઓને 108 મારફતે હોસ્પિટલ ખસેડાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતાં. આખા રાજ્યમાં ગરમીના કારણે છેલ્લા ચાર દિવસમાં હીટ ઈલનેસના 32 કેસ આવ્યા છે. જેમાં સૌથી વધારે ગઈકાલે 11 મેના રોજ 13 કેસ નોંધાયા હતા. સૌથી વધારે સુરત અને ખેડામાં 3-3 અને અમદાવાદ, આણંદ, અરવલ્લી, ભરૂચ, દેવભૂમિ દ્વારકા, મહેસાણા, પંચમહાલ શહેરમાં એક-એક કેસ નોંધાયો હતો. 10 મેના રોજ પણ 9 કેસ નોંધાયા હતા. જેમાં પંચમહાલમાં બે કેસ નોંધાયા હતા જ્યારે રાજકોટ, વડોદરા, જૂનાગઢ, કચ્છ અને આણંદમાં પણ હીટ ઇલનેસના કેસ નોંધાયા હતા. સુરતમાં સામાન્ય તાપમાન કરતા 6.8 ડિગ્રી વધુ તાપમાન, બે દિવસ 'યલો એલર્ટ'; સીઝનનો સૌથી ગરમ દિવસ કામ દરમિયાન અચાનક ચક્કર આવ્યા ને ઢળી પડ્યો સચિન જીઆઇડીસી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, મૃતક યુવકનું નામ અનુજકુમાર છે, જેની ઉંમર અંદાજે 27થી 28 વર્ષની હતી. અનુજકુમાર મૂળ બિહારના ગોપાલનગરનો વતની હતો અને રોજગારીની શોધમાં સુરત આવ્યો હતો. મંગળવારે બપોરે જ્યારે તે સચિન વિસ્તારમાં પોતાની ફરજ બજાવી રહ્યો હતો, ત્યારે અચાનક તેની તબિયત લથડી હતી. કાળઝાળ ગરમીમાં સતત કામ કરવાને કારણે તેને હીટસ્ટ્રોકની અસર થઈ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે. તેમ છતાં પોલીસે અન્ય કોઈ કારણ છે કે નહિ જાણવા પણ તપાસ શરૂ કરી છે. આસપાસના લોકોએ તાત્કાલિક તેના પરિવારને જાણ કરી હતી અને તેને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું. ભાઈની નજર સામે જ તોડ્યો દમ આ ઘટના અંગે મૃતકના ભાઈ કુંદન કુમારે ભારે હૈયે જણાવ્યું હતું કે, તેનું નામ અનુજકુમાર હતું. અમે કંસાડ રોડ તરફ ગયા હતા, જ્યાં પાછળના ભાગે એક સૂમસામ રોડ છે. ત્યાં અવરજવર ઓછી હોય છે. તે ત્યાં રિપેરિંગ મશીન ચલાવવાનું કામ કરતો હતો. અચાનક અસહ્ય ગરમીને કારણે તે રસ્તા પર જ પડી ગયો હતો. ભાઈની નજર સામે જ યુવકનું મોત થતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. કુંદન કુમારે વધુમાં ઉમેર્યું કે ગરમી એટલી પ્રચંડ હતી કે અનુજ તેને સહન ન કરી શક્યો અને મશીન ચલાવતી વખતે જ બેભાન થઈ ગયો હતો. ડિહાઇડ્રેશનથી હૃદય પર દબાણ વધતા મૃત્યુ થયાની શક્યતા ઘટના બાદ યુવકને તાત્કાલિક હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં લઈ જવામાં આવ્યો હતો. જોકે, તપાસ બાદ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. ડોક્ટરોના જણાવ્યા અનુસાર, યુવકના મોતના લક્ષણો પરથી સ્પષ્ટ જણાય છે કે તેનું મોત હીટસ્ટ્રોક એટલે કે લૂ લાગવાને કારણે હોઈ શકે છે. શરીરનું તાપમાન વધી જવું અને ડિહાઇડ્રેશનને કારણે હૃદય પર દબાણ વધતા તેનું મૃત્યુ થયું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હાલ પોલીસ દ્વારા આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બિહારથી સુરત રોજીરોટી કમાવવા આવ્યો હતો અનુજકુમાર પોતાના પરિવારનો આધારસ્તંભ હતો. તે બિહારના ગોપાલનગરથી સુરતના સચિન વિસ્તારમાં નોકરી કરવા માટે આવ્યો હતો. સુરતમાં રહીને તે રિપેરિંગ મશીન ચલાવીને જે કમાણી કરતો તે ઘરે મોકલતો હતો. એક સામાન્ય શ્રમિક પરિવારનો પુત્ર આ રીતે અકાળે મોતને ભેટે તેનાથી તેના વતનમાં રહેલા માતા-પિતા અને પત્ની-બાળકો પર દુખનો પહાડ તૂટી પડ્યો છે. સુરતમાં કામ કરતા શ્રમિકો માટે આ ગરમી અત્યંત જોખમી સાબિત થઈ રહી છે, કારણ કે તેઓએ ભરબપોરે ખુલ્લામાં કામ કરવું પડતું હોય છે. ‘પીએમ રિપોર્ટ બાદ મોતનું કારણ જાણી શકાશે’ આરોગ્ય અધિકારી પ્રદીપ ઉમરીગરે જણાવ્યું હતું કે, અત્યારે પર્ટીક્યુલર આપણે સ્ટ્રોકની વાત કરીએ તો એના હજુ નોટીફાઈડ કેસીસ આવ્યા નથી. અત્યારે સિવિલ હોસ્પિટલનો કેસ એમાં પણ મોતનું કારણ છે એ તો પીએમ પછી જ જાણી શકાશે. તો પર્ટીક્યુલર સ્ટ્રોકના કેસીસ આપણી પાસે નથી આવી રહ્યા. પણ તમામ ડિસીઝના જે કેસીસ છે તેની અંદર આપણને થોડો વધારો જોવા મળી શકે છે. કેસોની અંદર આપણને 5 ટકા, 10 ટકા વધારો જોવા મળી શકે. પરંતુ એવા કોઈ આંકડા સ્પેસિફિક આપણે કહી શકીએ એમ નથી અત્યારે. સુરત સિવિલમાં 10 બેડનો અલાયદો રૂમ તૈયાર દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સુરત સિવિલ હોસ્પિટલમાં હીટવેવને પહોંચી વળવા માટે ખાસ 10 બેડનો અલાયદો રૂમ તૈયાર રખાયો છે. આ વોર્ડ વેન્ટિલેટર સહિતની ઈમરજન્સી સુવિધાઓથી સજ્જ છે. દર્દીઓની સુવિધા માટે OPD અને ઈમરજન્સી વિભાગમાં 15થી વધુ નવા કુલર લગાડવામાં આવ્યા છે. 3થી વધુ ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ ખડેપગે રહે છે. અમદાવાદમાં ભારે તાવના 75 કેસ નોંધાયા 108 ઇમરજન્સી સેવાના જણાવ્યા મુજબ આખા રાજ્યમાં ગરમીના કારણે હિટ ઈલનેસ, ભારે તાવ, પેટમાં દુખાવો, માથાનો દુખાવો અને ઝાડા તેમજ ઉલટીના કેસો નોંધાતા હોય છે. છેલ્લા ચાર દિવસમાં રાજ્યમાં 402 કેસ નોંધાયા છે જેમાં સૌથી વધારે ભારે તાવ, હિટ ઈલનેસ અને ઝાડા-ઉલટીના કેસો નોંધાયા છે. ગરમીના કારણે સૌથી વધારે અમદાવાદમાં ભારે તાવના 75 કેસ નોંધાયા છે. વડોદરામાં ઘરે ગભરામણ થયા બાદ મહિલાનું મોત વડોદરા SSG હોસ્પિટલમાંથી મળતી વિગત મુજબ, શહેરના આજવા રોડ ઉપર રહેતા 74 વર્ષીય કમુબેન પરમારને ઘરે જ અચાનક ગભરામણ થઈ હતી, જેથી તેઓને 108 મારફતે હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. જો કે તેઓનું સારવાર મળે તે પહેલાં જ મોત થયું હતું. પ્રાથમિક તપાસમાં વૃદ્ધાનું મોત ગરમીને કારણે થયાનું અનુમાન છે. હીટ સ્ટ્રોકનો અલગ વોર્ડ ઉભો કરાયો વડોદરામાં ગરમીના કારણે એસએસજી હોસ્પિટલ ખાતે હીટ સ્ટ્રોક અંગે અલગ વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. જો કે હાલ સુધી આ વોર્ડમાં કોઈ દર્દી દાખલ થયો નથી. છેલ્લા ચાર દિવસથી ગરમીમાં વધારો થયો છે, પરંતુ ઓપીડીમાં કોઈ નોંધપાત્ર વધારો નહીં થયો હોવાનો દાવો હોસ્પિટલ દ્વારા કરવામાં આવ્યો છે. જો કે હોસ્પિટલ તંત્ર તમામ સ્થિતિને પહોંચી વળવા સજ્જ છે. બાળકો અને વૃદ્ધોની હાલત કફોડી અસહ્ય ગરમીના કારણે બાળકો તેમજ વૃદ્ધોની હાલત કફોડી બની છે. ગરમીના કારણે બીમાર વૃદ્ધો માટે પરેશાની વધી છે. સવારે 10 વાગ્યાથી જ ગરમી વધી જાય છે અને મધ્ય રાત્રિ સુધી તેની અનુભૂતિ થાય છે. સાંજે 7 કલાકે પણ ગરમ પવનની લહેરકીઓ જોવા મળે છે ત્યારે બપોરના સમયે તો આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેવો અહેસાસ થાય છે. રાજકોટમાં 20 બેડનો સ્પેશિયલ વોર્ડ ઉભો કરાયો રાજકોટમાં માર્ચ મહિનાની શરૂઆતથી જ તાપમાન 42 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. આકરી ગરમી અને ગરમ લૂ (હીટવેવ) ના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે અને ડિહાઇડ્રેશન તેમજ હીટ સ્ટ્રોકના કેસોમાં ચિંતાજનક વધારો થવાની ભીતિ સેવાઈ રહી છે. આ પરિસ્થિતિને પૂર્વનિર્ધારિત રીતે પહોંચી વળવા માટે રાજકોટની પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ તંત્ર સંપૂર્ણપણે સજ્જ થઈ ગયું છે. હોસ્પિટલ દ્વારા ખાસ કરીને હીટ સ્ટ્રોકના દર્દીઓને માટે 20 બેડનો સ્પેશિયલ વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે, જ્યાં 24 કલાક તબીબી સેવાઓ ઉપલબ્ધ રહેશે. આ માટે ખાસ ટીમો પણ તહેનાત કરાઈ છે. નવસારીમાં હીટ સ્ટ્રોકના દર્દીઓ માટે 30 બેડનો ઈમરજન્સી વોર્ડ વધતી ગરમીને ધ્યાનમાં રાખીને નવસારી સિવિલ હોસ્પિટલ દ્વારા આગોતરી તૈયારીઓ કરવામાં આવી છે. મેડિકલ ઓફિસર વિરેન્દ્રસિંહના જણાવ્યા અનુસાર, હીટ સ્ટ્રોકના દર્દીઓ માટે 30 બેડનો ખાસ ઈમરજન્સી વોર્ડ કાર્યરત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, ઈમરજન્સી વિભાગમાં વધારાના ડોક્ટરો, સિસ્ટર અને ક્લાસ-4 કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. હીટ સ્ટ્રોકની સારવાર માટે જરૂરી તમામ દવાઓ પણ પૂરતા જથ્થામાં ઉપલબ્ધ છે, જેથી કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા હોસ્પિટલ 24 કલાક એલર્ટ મોડ પર છે.
Read Original Article →