NRI જમીન માલિકોના નામે બોગસ એકાઉન્ટ ખોલી રકમ સેરવનાર ઝડપાયો:યસ બેંકમાં મ્યુલ એકાઉન્ટ ખોલી વિશ્વાસઘાત કરનાર અઝમતસાહીદ શેખની સુરત ઈકો સેલે ધરપકડ કરી

Gujarat5/22/2026, 11:36:46 AM
NRI જમીન માલિકોના નામે બોગસ એકાઉન્ટ ખોલી રકમ સેરવનાર ઝડપાયો:યસ બેંકમાં મ્યુલ એકાઉન્ટ ખોલી વિશ્વાસઘાત કરનાર અઝમતસાહીદ શેખની સુરત ઈકો સેલે ધરપકડ કરી
સુરતમાં NRI જમીન માલિકો સાથે છેતરપિંડી પ્રકરણમાં મુખ્ય આરોપી અઝમતસાહીદ ઈમ્તિયાઝ શેખની ઈકો સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી છે, જેણે યસ બેંકના કર્મચારીઓ સાથે સાંઠગાંઠ રચી જમીન માલિકોના નામે બોગસ NRI એકાઉન્ટ ખોલવાનું મોટું કૌભાંડ આચર્યું હતું. આરોપીએ બેંક કર્મચારીઓની મદદથી ખોટા દસ્તાવેજના આધારે ખાતા ખોલાવી કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી હતી, જેમાં બેંકના કર્મચારીઓની શંકાસ્પદ ભૂમિકા સામે આવતા પોલીસે તેમની પણ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રવિકુમાર કોલડીયાએ નાણા ન ચૂકવી છેતરપિંડી આચરી ઘટનાની વિગત મુજબ, કઠોર ગામના બ્લોક નંબર 479, 480 અને 481ની જમીનના માલિકો સલીમભાઈ સીદાત, ફરીદાબેન ઈબ્રાહીમ અને ખતીજા રાશીદ વોરાના નામે યસ બેંકની અંકલેશ્વર શાખામાં મ્યુલ એકાઉન્ટ ખોલવામાં આવ્યા હતા. આ મામલે ફરિયાદીએ જમીન વેચાણના અવેજ પેટે 4,81,51,321 રૂપિયાના ચેક આપ્યા હતા. જો કે, મુખ્ય સૂત્રધાર રવિકુમાર કોલડીયાએ જમીન માલિકોના નામે IDBI બેંકમાં પણ બે બોગસ એકાઉન્ટ ખોલાવી, યસ બેંકમાંથી આ રકમ ટ્રાન્સફર કરી દીધી હતી. આ કૌભાંડમાં રવિકુમાર કોલડીયાએ જમીન માલિકોને નાણાં ચૂકવ્યા વગર અને ફરિયાદીને રકમ પરત કર્યા વગર વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હતી. આ મામલે ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. યસ બેંકના કર્મચારીઓની સંડોવણીનો પર્દાફાશ ઇકો સેલ દ્વારા આ ગુનાની ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવતા ચોંકાવનારી વિગતો બહાર આવી છે. આરોપી રવિકુમાર કોલડીયાએ એકલા હાથે નહીં, પરંતુ યસ બેંક, અંકલેશ્વર શાખાના કેટલાક કર્મચારીઓ સાથે મિલીભગત કરીને આ બોગસ એકાઉન્ટ ખોલાવ્યા હતા. તપાસમાં સ્પષ્ટ થયું હતું કે, અંકલેશ્વર નિવાસી અઝમતસાહીદ ઈમ્તીયાઝ શેખે જ આ સમગ્ર પ્રક્રિયામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તે પોતે આરોપી રવિકુમારને બેંકના કર્મચારીઓ પાસે લઈ ગયો હતો અને બોગસ દસ્તાવેજોના આધારે ખાતા ખોલાવવામાં મદદ કરી હતી. આ હકીકત સામે આવતા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી બેંક કર્મચારીઓ અને અઝમતસાહીદ શેખની ધરપકડ કરી છે. પોલીસની કડક કાર્યવાહી અને આગામી તપાસ આરોપીઓની ધરપકડ બાદ હવે પોલીસ તે દિશામાં તપાસ કરી રહી છે કે આ રેકેટમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ. આ કૌભાંડમાં માત્ર યસ બેંક જ નહીં પરંતુ અન્ય બેંકોના એકાઉન્ટનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે કે કેમ તે બાબતે પોલીસ દ્વારા સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ જણાવ્યું હતું કે, મ્યુલ એકાઉન્ટ ખોલનારાઓ અને તેને મદદ કરનાર બેંક કર્મચારીઓ સામે આ પ્રકારની કાયદેસરની કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે. પોલીસનું માનવું છે કે આ પકડાયેલા આરોપીઓ અને બેંક કર્મચારીઓની પૂછપરછથી છેતરપિંડીના અન્ય અનેક કિસ્સાઓનો ખુલાસો થઈ શકે છે. આરોપી અઝમતસાહીદ શેખ અંકલેશ્વરનો રહેવાસી ક્રાઈમ બ્રાન્ચની ટીમે જેને પકડ્યો છે તે આરોપીનું નામ અઝમતસાહીદ ઈમ્તિયાઝ શેખ છે. તે અંકલેશ્વરના ઘનશ્યામનગર વિસ્તારમાં જેનીથ હાઈસ્કૂલની પાછળ રહે છે. પોલીસે હાલ કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. આ ગુનામાં સંડોવાયેલા અન્ય વ્યક્તિઓ કે જેઓ આ બોગસ એકાઉન્ટ ખોલાવવામાં સહાયક બન્યા હતા, તેમની ઓળખ મેળવીને તેમની ધરપકડ કરવાની દિશામાં પણ ટીમો કામે લાગી છે. સુરત પોલીસની આ કામગીરીથી છેતરપિંડી કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
Read Original Article →