સંતાન-પતિને છોડી પ્રેમી સાથે પાંડેસરામાં રહેતી પરિણીતાનો આપઘાત:સિવિલમાં 6 દિવસની સારવાર બાદ દમ તોડ્યો; પ્રેમલગ્નના માત્ર બે જ વર્ષ થયાં

Gujarat5/24/2026, 6:21:37 AM
સંતાન-પતિને છોડી પ્રેમી સાથે પાંડેસરામાં રહેતી પરિણીતાનો આપઘાત:સિવિલમાં 6 દિવસની સારવાર બાદ દમ તોડ્યો; પ્રેમલગ્નના માત્ર બે જ વર્ષ થયાં
સુરતના પાંડેસરા વિસ્તારમાં એક અત્યંત આઘાતજનક ઘટના સામે આવી છે. અહીં ગણેશ નગરમાં રહેતી 22 વર્ષીય પરિણીતાએ પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. નવી સિવિલ હોસ્પિટલમાં 6 દિવસ સુધી જિંદગી અને મોત વચ્ચે ઝોલાં ખાધા બાદ આખરે સારવાર દરમિયાન તેનું કરૂણ મોત નીપજ્યું છે. પ્રાથમિક તપાસમાં આત્મહત્યા પાછળનું કારણ ગૃહકંકાસ હોવાનું બહાર આવ્યું છે, જેને પગલે પાંડેસરા પોલીસે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. મધ્યપ્રદેશથી ભાગીને સુરતમાં કર્યા હતા લવ મેરેજ મળતી માહિતી અનુસાર, મૃતક પરિણીતાનું નામ મમતાદેવી વિષ્ણુકર્મા (ઉં.વ.22) હતું. મમતાદેવીના અગાઉ મધ્યપ્રદેશમાં લગ્ન થયા હતા, જ્યાં તેમને એક સંતાન પણ છે. જોકે, ત્યારબાદ મમતાદેવીને વિષ્ણુકુમાર નામના યુવક સાથે પ્રેમ થઈ જતાં, તેઓ 2 વર્ષ પૂર્વે પ્રેમલગ્ન કરીને સુરત ભાગી આવ્યા હતા અને અહીં પાંડેસરાના ગણેશ નગર-2, કમલેશ ચોક નજીક રહેતા હતા. ઉલ્લેખનીય છે કે, મૃતક મહિલાને માતા કે ભાઈ નથી, પરિવારમાં માત્ર એક વૃદ્ધ પિતા જ છે. ચોખાના કોથળા વડે ગળેફાંસો ખાધો, પતિ 108માં હોસ્પિટલ લઈ ગયો ગત તારીખ 16 મે, 2026ના રોજ બપોરે આશરે 15:30 વાગ્યાની આસપાસ મમતાદેવીએ પોતાના ઘરમાં કોઈ અગમ્ય કારણોસર ચોખાના ખાલી કોથળા (કટ્ટા) વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ તેમના પતિ વિષ્ણુકર્માએ તાત્કાલિક 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસને ફોન કર્યો હતો. ગંભીર હાલતમાં પરિણીતાને સાંજે 16:16 વાગ્યે નવી સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમની ગંભીર સ્થિતિ જોઈને તાત્કાલિક દાખલ કર્યા હતા. 6 દિવસની લડત બાદ મોત, કારણ ગૃહકંકાસ હોવાની આશંકા હોસ્પિટલ પ્રશાસન દ્વારા આ મામલે પાંડેસરા પોલીસને જાણ કરવામાં આવી હતી, જેથી પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. કમનસીબે, હોસ્પિટલના બિછાને 6 દિવસ સુધી સારવાર લીધા બાદ પરિણીતા જિંદગીની જંગ હારી ગઈ હતી અને તેમણે દમ તોડી દીધો હતો. પરિણીતાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આત્મહત્યાનું કારણ ઘરનો આંતરિક કંકાસ હોવાનું સામે આવ્યું છે, જેના આધારે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
Read Original Article →