સુરતમાં ઇન્સ્ટાગ્રામના પ્રેમે હસતી-રમતી યુવતીનો જીવ લીધો:પ્રેમીના ત્રાસ-બ્લેકમેલિંગથી કંટાળી આપઘાત, પિતાએ શિવાનીનો ફોન ચેક કરતા ખૂલ્યા રાજ
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર શરૂ થયેલો પ્રેમ સંબંધ આખરે એક યુવતી માટે જીવલેણ સાબિત થયો છે. ઇન્સ્ટાગ્રામના માધ્યમથી સંપર્કમાં આવેલા પ્રેમીના અસહ્ય માનસિક ત્રાસ અને સોશિયલ મીડિયા પર બદનામ કરવાની ધમકીઓથી કંટાળીને 26 વર્ષીય યુવતી શિવાની ભદોરિયાએ પોતાના જ ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને આત્મહત્યા કરી લીધી છે. શિવાનીના પિતાએ ફોન ચેક કરતાં વોટ્સએપ ચેટમાંથી સમગ્ર કાવતરું બહાર આવ્યું હતું, જેના આધારે ભેસ્તાન પોલીસે ગુનો નોંધી આરોપી પ્રેમીની ધરપકડ કરી છે. 7 વર્ષ જૂનો પ્રેમ સંબંધ અને વહેમની દીવાલ
પોલીસ અને પારિવારિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મૂળ સુરતની મૃતક શિવાની બલરાજસિંહ ભદોરિયા છેલ્લા સાતેક વર્ષથી ઇન્સ્ટાગ્રામથી દિલીપ ભનુભાઈ બાબરીયાના સંપર્કમાં આવી હતી. સમય જતાં આ પરિચય પ્રેમ સંબંધમાં પરિણમ્યો હતો. જોકે, છેલ્લા કેટલાક સમયથી દિલીપ શિવાની પર અન્ય યુવકો સાથે વાત ન કરવા માટે દબાણ કરતો હતો. શિવાની મુકેશ નામના અન્ય એક યુવક સાથે વાતચીત કરતી હોવાનો વહેમ રાખીને દિલીપ અવારનવાર તેની સાથે ઉગ્ર ઝઘડો કરતો હતો. અંગત ફોટા વાઇરલ કરવાની ધમકી આપી ટોર્ચર કરતો
આરોપી દિલીપ બાબરીયા શિવાની પર સતત માનસિક દબાણ લાવીને ધમકાવતો હતો કે, ‘જો તું મુકેશ સાથે વાતચીત ચાલુ રાખીશ તો મજા નહીં આવે.’ આટલું જ નહીં, દિલીપની હેરાનગતિ એટલી હદે વધી ગઈ હતી કે તે શિવાનીના અંગત ફોટા અને તેમના પ્રેમ સંબંધો વિશે તેના પરિવારને કહી દેવાની તેમજ સમાજમાં તેને સંપૂર્ણપણે બદનામ કરી મૂકવાની ધમકીઓ આપતો હતો. આ અસહ્ય બ્લેકમેલિંગ અને માનસિક ત્રાસને કારણે શિવાની ભારે ડિપ્રેશનમાં સરી પડી હતી. 20 મેની સવારે ઘરમાં જ ગળેફાંસો ખાધો
પ્રેમીના રોજ-રોજના ટોર્ચર અને બદનામીના ડરથી કંટાળીને આખરે શિવાનીએ ગત 20 મે, 2026ના રોજ સવારે, જ્યારે તે ઘરમાં એકલી હતી ત્યારે ગળેફાંસો ખાઈ લીધો હતો. ઘટનાની જાણ થતાં જ ભેસ્તાન પોલીસે શરૂઆતમાં અકસ્માત મોતનો કેસ નોંધીને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. મોબાઈલની વોટ્સએપ ચેટમાંથી થયો ખુલાસો
આત્મહત્યાના આ કેસમાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે પોલીસ તપાસ દરમિયાન મૃતક શિવાનીનો મોબાઈલ ફોન અનલોક કરવામાં આવ્યો. શિવાનીના પિતા બલરાજસિંહ ગુલાબસિંહ ભદોરિયાએ જ્યારે દીકરીનો ફોન ચેક કર્યો, ત્યારે તેમાં દિલીપ બાબરીયા સાથેની વોટ્સએપ ચેટ મળી આવી હતી. આ ચેટમાં દિલીપ દ્વારા શિવાનીને આપેલી ધમકીઓ અને માનસિક ટોર્ચરના સ્પષ્ટ પુરાવા મળી આવ્યા હતા. ભેસ્તાન પોલીસે BNSની કલમ 108 હેઠળ આરોપીને ઝડપ્યો
એસીપી સુનીલ તરડેએ આ મામલે જણાવ્યું કે, મોબાઈલ ચેટના પુરાવા અને પિતાની ફરિયાદના આધારે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં આરોપી દિલીપ ભનુભાઈ બાબરીયા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 108 (આત્મહત્યાની દુષ્પ્રેરણા) મુજબ ગુનો નોંધી તેની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે, આરોપી દિલીપ બાબરીયા (ઉં.વ.28, મૂળ રહેવાસી: પીખોર, તાલુકો: માળિયા હાટીના, જિલ્લો: જૂનાગઢ) હાલ ઉત્તર ગુજરાતના બહુચરાજી ખાતે રહેતો હતો. તેણે આઈટીઆઈનો અભ્યાસ કર્યો હતો અને તે બહુચરાજીમાં મારુતિ સુઝુકી કંપનીના કાર શોરૂમમાં આઈટી પ્રોફેશનમાં નોકરી કરતો હતો. હાલ પોલીસ આ મામલે આગળની કાયદેસરની તપાસ ચલાવી રહી છે.
Read Original Article →