20 વર્ષની સગર્ભા માટે 108ના કર્મચારીઓ બન્યા તારણહાર:મહિલાને અધૂરા માસે અસહ્ય પ્રસવ પીડા ઉપડતાં રસ્તા વચ્ચે જ સફળ પ્રસૂતિ કરાવી
સુરતના ભેસ્તાન વિસ્તારમાં રહેતી 20 વર્ષીય સગર્ભા મહિલાને અધૂરા માસે અસહ્ય પ્રસવ પીડા ઉપડતાં 108 ઇમરજન્સી સેવાએ રસ્તા વચ્ચે જ સફળ પ્રસૂતિ કરાવી માનવતા મહેકાવી છે. હોસ્પિટલ પહોંચવા સુધીનો સમય ન હોવાથી કટોકટીની પળોમાં 108 ટીમે ઓન-લાઇન તબીબી માર્ગદર્શન હેઠળ એમ્બ્યુલન્સમાં જ પ્રસૂતિ કરાવી માતા અને નવજાત શિશુનો જીવ બચાવી લીધો હતો. હાલ માતા અને બાળક બંને સુરક્ષિત હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને આ પ્રેરણાદાયી કામગીરીની સમગ્ર શહેરમાં પ્રશંસા થઈ રહી છે. 8 માસના ગર્ભ સાથે ઉપડી અસહ્ય પ્રસવ પીડા
સુરતના ભેસ્તાન ચાર રસ્તા, બેંક ઓફ બરોડા નજીક રહેતા સપનાબેન ચુલબુલ જોગી ગર્ભવતી હતા. ગર્ભાવસ્થાનો હજુ આઠમો મહિનો જ ચાલતો હોવા છતાં તેમને અચાનક તીવ્ર પ્રસવ પીડા શરૂ થઈ ગઈ હતી. અધૂરા માસે ઉપડેલી પીડાના કારણે પરિવારજનો ભારે ગભરામણ અને ચિંતામાં મુકાઈ ગયા હતા. તેમણે કોઈપણ વિલંબ કર્યા વિના તાત્કાલિક તબીબી સહાય મેળવવા માટે 108 ઇમરજન્સી સેવાનો સંપર્ક કર્યો હતો. એમ્બ્યુલન્સ રવાના થઈ પરંતુ રસ્તામાં જ સ્થિતિ કટોકટીભરી બની
કોલ મળતાની સાથે જ ભેસ્તાન લોકેશન પર તૈનાત 108 એમ્બ્યુલન્સ ગણતરીની મિનિટોમાં સપનાબેનના ઘરે પહોંચી ગઈ હતી. ગાડીમાં ફરજ પર હાજર ઈમરજન્સી મેડિકલ ટેકનિશિયન (EMT) ખુશ્બુ મન્સુરી અને પાયલોટ યતિન વાડુએ પરિસ્થિતિ પારખીને સગર્ભાને એમ્બ્યુલન્સમાં શિફ્ટ કર્યા હતા અને નજીકની સરકારી હોસ્પિટલ તરફ રવાના થયા હતા. જોકે, હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ સપનાબેનની પીડા ચરમસીમાએ પહોંચી ગઈ હતી, જેથી સેકન્ડોનો પણ વિલંબ કરવો માતા-બાળક બંને માટે જોખમી સાબિત થઈ શકે તેમ હતો. ઓન-લાઈન માર્ગદર્શન હેઠળ ડિલિવરી
આવી તણાવપૂર્ણ ક્ષણોમાં EMT ખુશ્બુ મન્સુરીએ અદભુત ધૈર્ય દાખવીને પાયલોટ યતિનને ગાડી રસ્તાની બાજુમાં સુરક્ષિત જગ્યાએ ઊભી રાખવા જણાવ્યું હતું. ત્યારબાદ 108ના કંટ્રોલ રૂમમાં હાજર ફિઝિશિયનની ઓન-લાઈન તબીબી સલાહ અને માર્ગદર્શન મેળવવામાં આવ્યું. EMT ખુશ્બુ મન્સુરીએ પાયલોટ યતિનના સહયોગથી એમ્બ્યુલન્સમાં ઉપલબ્ધ ડિલિવરી કીટનો ઉપયોગ કરીને અત્યંત કુશળતાપૂર્વક પ્રસૂતિ કરાવી. થોડી જ મિનિટોની જહેમત બાદ સપનાબેને એક સુંદર બાળકને જન્મ આપ્યો હતો. નવજાત શિશુની વિશેષ સારવાર અને હોસ્પિટલમાં શિફ્ટિંગ
બાળકનો જન્મ 8 મહિનામાં (અધૂરા માસે) થયો હોવાથી ડિલિવરી બાદ તુરંત જ 108ની ટીમે નવજાત શિશુની નાળને સુરક્ષિત રીતે કાપી, તેને સેનિટાઈઝ કરી ગરમાવો આપવા માટેની જરૂરી મેડિકલ પ્રક્રિયા કરી હતી. તેની સાથે જ માતા સપનાબેનને પણ લોહી વહી જવાનું જોખમ ટાળવા માટે પોસ્ટ-ડિલિવરી ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી. આ પ્રાથમિક સારવાર સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ પાયલોટ યતિન વાડુએ એમ્બ્યુલન્સને ઝડપથી દોડાવીને માતા અને નવજાત બાળક બંનેને સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચાડ્યા હતા. હોસ્પિટલના તબીબોએ તબીબી તપાસ બાદ જાહેર કર્યું હતું કે માતા અને બાળક બંને સંપૂર્ણપણે સ્વસ્થ અને સુરક્ષિત છે.
Read Original Article →