ઘરની બહાર નીકળતાં જ ગંદા પાણીમાં પગ મૂકવા મજબૂર:પાયકવાડમાં 20 વર્ષથી ડ્રેનેજની સમસ્યા, મચ્છરોને રોગચાળાથી ​સ્થાનિકોમાં આક્રોશ; ચૂંટણી બહિષ્કારની ચીમકી

Gujarat4/5/2026, 12:30:00 AM
ઘરની બહાર નીકળતાં જ ગંદા પાણીમાં પગ મૂકવા મજબૂર:પાયકવાડમાં 20 વર્ષથી ડ્રેનેજની સમસ્યા, મચ્છરોને રોગચાળાથી ​સ્થાનિકોમાં આક્રોશ; ચૂંટણી બહિષ્કારની ચીમકી
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 26 એપ્રિલેમાં યોજાવાની છે. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના ઢોલ વાગી રહ્યા છે, ત્યારે રાજકીય પક્ષો મતદારોને રિઝવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. જોકે, બીજી તરફ શહેરના અનેક વિસ્તારોમાં વર્ષો જૂની સમસ્યાઓનો ઉકેલ ન આવતા લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. પાયકવાડ વિસ્તારમાં લોકોને ઘરની બહાર નીકળતી વખતે દર વખતે ગંદા પાણીમાં પગ મૂકવો પડે છે. 'ગટરના ગંદા પાણી ઉંબરા સુધી આવી ગયા' દિવ્ય ભાસ્કરની ટીમે સુરતના કતારગામ-વેડ વોર્ડ નં. 9(રાંદેર-જહાંગીરાબાદ-પાલનપુર) સ્થાનિક લોકો સાથે વાતચીત કરી હતી. પાયકવાડ વિસ્તારના સ્થાનિકો જણાવે છે કે, ગટરના ગંદા પાણી તેમના ઉંબરા સુધી આવી ગયા છે. આ ગંદકીને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે અને રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે. ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોની હાલત કફોડી બની છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, અહીં છેલ્લા 15થી 20 વર્ષથી ડ્રેનેજની ગંભીર સમસ્યા છે. અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્રના બહેરા કાને અથડાઈને ફરિયાદો પાછી ફરે છે. 'ડ્રેનેજ લાઈનનો 15થી 20 વર્ષથી આ પ્રોબ્લેમ છે' સ્થાનિક મોહમ્મદ આસિફે જણાવ્યું હતું કે, ડ્રેનેજ લાઈનનો 15થી 20 વર્ષથી આ પ્રોબ્લેમ છે, આનો કોઈ જાતનો નિકાલ આવતો નથી. આ મેઈન રોડ છે, અહીં બધા સમાજના કાર્યકર્તાઓ પણ જાય છે અને જોવે છે પણ જોતા જતાં કોઈ એક્શન નથી લેતા. 15 વર્ષથી બધા હેરાન અને પરેશાન છે. મોહમ્મદ આસિફે જણાવ્યું કે, અમારા અહીં કોર્પોરેટર રાજનભાઈ છે અને શૈલેષ, કુણાલ સેલર છે એ બધા જોવે છે. આ મંદિર પણ આપણું બહુ જૂનું પુરાણું છે, અહીંથી આવતા-જતાં બધા જોવે છે એવું નથી કે નથી જોતા. બધા કોર્પોરેટર પણ જોવે છે બધા આગેવાનો પણ જોવે છે પણ કોઈ જાતનું એક્શન લેતા નથી. પીવાનું પાણી ગંદુ, લોકો દરરોજ પાણી ખરીદવા મજબૂર સ્થાનિક રુકસાનાબાનુંએ જણાવ્યું હતું કે, આ બધું ગટરનું એકલું નાપાક જ પાણી જાય છે, એમાં નાના નાના બચ્ચા બીમાર પડે છે. અને રોજનું એક બિસલેરી પાણી લાવી અમે પીએ છે. ગરીબ માણસ ક્યાંથી રોજનું પાણી લાવીને પીવાનું? પીવાનું પાણી પણ એટલું ગંદુ આવે છે, એવી પ્રોબ્લેમ છે. આ કેટલા વર્ષોથી પ્રોબ્લેમ છે. ક્યાં સુધી અમે આ સહન કરીએ? કેટલું બધું સહન કરીએ છીએ અમે! અમારા બચ્ચા બિચારા કૂદી કૂદીને જાય છે પછી આવીને તરત નવડાવવા પડે છે. 'પીવાનું પાણી ખરાબ આવે છે, કોઈ તપાસ કરવા નથી આવતા' સ્થાનિક શબ્બીર મહારાજે જણાવ્યું હતું કે, આ સમસ્યા માટે કોર્પોરેશનમાં વારંવાર અમે અરજીઓ કરી છે, પણ કોઈ આવતું નથી અને આવે છે તો જોઈ-જોઈને ચાલ્યા જાય છે. હમણાં છેલ્લા મોદી સાહેબ કરીને કોઈ આવેલા, તે કહે અમે પાંચ-છ દિવસમાં આવીએ છીએ પણ કોઈ આવતું નથી ને કંઈ કરતું નથી. રોજનું પીવાનું પાણી ખરાબ આવે છે. કોઈ તપાસ કરવા પણ નથી આવતા. અને અહીંયા શંકર ભગવાન મંદિર બાજુ જવાવાળા લોકો પણ આ ગટરના પાણીમાંથી જાય છે. એ લોકો પણ જોયા કરે પણ કોઈ બોલતું નથી. 'આ લોકો કામ નથી કરતા, ફક્ત વેરો ઉઘરાવે છે' શબ્બીર મહારાજે કહ્યું, આગામી સમયમાં ચૂંટણી આવે છે એના બાબતમાં એવું છે કે વોટ તો અમે બહિષ્કાર કરવાના જ છે, કેમકે આ લોકો કામ નથી કરતા. વેરો ઉઘરાવે છે, વેરો નહીં હોય તો 18 ટકા વ્યાજે આપણી પાસેથી પૈસા લે છે એ પણ આ લોકો કંઈ કરતા નથી. શબ્બીર મહારાજે વધુમાં જણાવ્યું કે, કોર્પોરેટરો અહીં ભગવાનના મંદિરમાં જાય છે એ લોકો પણ કહી કહીને થાક્યા પણ કોઈ કામ કરતું નથી. એમની નિયત જ નથી કામ કરવાની નથી ખાલી વેરો ઉઘરાવવો છે. તો આની કોઈ સમસ્યાનો ઉકેલ લાવે. નહીં તો પછી અમે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરીશું અને કમિશનર પાસે જઈશું. 'અમે પથ્થર મૂકીને કોઈ દિવસ કામ ચલાવીએ છીએ' સ્થાનિક સમીર મલિકે જણાવ્યું હતું કે, લગભગ 15-20 વર્ષથી આ તકલીફ એટલી ચાલે છે કે અમને રોજની તકલીફ પડે છે. છોકરાઓ માંદા પડે છે. ત્રણ વખત મારા છોકરાને હું હોસ્પિટલ લઈ ગયો છું. મારી પાસે રિપોર્ટ છે, તમે કહેતા હોવ તો રિપોર્ટ બતાવું. આમાં એટલી ગંદકી થાય છે, અહીંથી આવતા-જતા પાણીની તકલીફ પડે છે. સાહેબ પણ આવે છે અને કહે છે કે કરશું કરશું પણ આ કામ થતું નથી. બે દિવસ કોઈ માણસ આવે, કરાવીને જાય, એક દિવસ બંધ થાય અને બીજા દિવસે સાંજથી પાછું પાણી ચાલુ થઈ જાય. ડ્રેનેજની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા સ્થાનિકોની માંગ ​લોકોમાં હવે આક્રોશ ફાટી નીકળ્યો છે. રહીશોએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે, જો ચૂંટણી પહેલા આ ડ્રેનેજની સમસ્યાનું કાયમી નિરાકરણ નહીં આવે, તો અમે ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરીશું. અમે કોઈ પણ રાજકીય પક્ષના ઉમેદવારને અમારા વિસ્તારમાં પ્રવેશવા દઈશું નહીં અને મત પણ આપીશું નહીં. ગંદકીથી સ્થાનિકો ત્રાહીમામ પોકારી ગયા ​સ્થાનિકોનો સવાલ છે કે જો 20 વર્ષમાં એક ડ્રેનેજ લાઈન સરખી ન થઈ શકતી હોય, તો મત આપવાનો શો અર્થ? જ્યારે નેતાઓ મતોની ઝોળી ફેલાવીને આવશે, ત્યારે જનતા તેમને આ ગંદકી અને 20 વર્ષના અન્યાયનો જવાબ માંગશે તે નક્કી છે. વોર્ડ નંબર 9ની આ સ્થિતિ આગામી ચૂંટણીમાં સત્તાધારી પક્ષ માટે મોટી મુસીબત ઊભી કરી શકે તેમ છે.
Read Original Article →