સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર હવે ચૂંટણી જંગમાં:સુરતના વોર્ડ-29માંથી સોના સિંહે AAPમાંથી ઉમેદવારી ફોર્મ ભર્યું, ઘૂંઘટ વાળી ઉમેદવાર બની આકર્ષણનું કેન્દ્ર
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ફોર્મ ભરવાના અંતિમ દિવસે સુરત કલેક્ટર કચેરી ખાતે આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 29 ના ઉમેદવાર અને જાણીતા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સોના સિંહ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ઉત્તર ભારતીય મૂળના અને 20,000 થી વધુ ફોલોઅર્સ ધરાવતા સોના સિંહને ટિકિટ આપીને AAP એ પરપ્રાંતીય મતો મેળવવા અને ડિજિટલ માધ્યમથી પ્રચાર કરવાની નવી રણનીતિ અપનાવી છે. કોણ છે સોના સિંહ?
સુરતનો વોર્ડ નંબર 29 ટેક્સટાઈલ અને ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા પરપ્રાંતીય શ્રમિકોનો ગઢ ગણાય છે, જ્યાં ઉત્તર પ્રદેશ, બિહાર અને ઓડિશાના મતદારો નિર્ણાયક ભૂમિકામાં છે. સોના સિંહ (ગોલ્ડી રાઘવેન્દ્ર પ્રસાદ સિંહ) મૂળ યુપીના અલ્હાબાદના વતની છે, પરંતુ તેમનો ઉછેર અને અભ્યાસ સુરતમાં જ થયો છે. કોઈ રાજકીય પૃષ્ઠભૂમિ ન ધરાવતા હોવા છતાં પક્ષે તેમની જનસંપર્કની આધુનિક આવડત અને યુવાનોમાં રહેલી લોકપ્રિયતા પર ભરોસો મૂક્યો છે. વીડિયોના માધ્યમથી સમસ્યાઓ અને પક્ષની વાતો પહોંચાડી શકાય
પોતાની ઉમેદવારી અંગે સોના સિંહે જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા એવું માધ્યમ છે જે રાતોરાત સામાન્ય વ્યક્તિને લોકો સુધી પહોંચાડી શકે છે. તેઓ માને છે કે જ્યાં શારીરિક રીતે પહોંચવું શક્ય નથી, ત્યાં વીડિયોના માધ્યમથી સમસ્યાઓ અને પક્ષની વાતો પહોંચાડી શકાય છે. એક સામાન્ય ઘરની વહુ અને દીકરી તરીકે ઓળખાતા સોના સિંહ પોતાની આ વર્ચ્યુઅલ તાકાતનો ઉપયોગ ચૂંટણી પ્રચારમાં 'આર્મી' તરીકે કરશે. પાયાની સુવિધાઓમાં ગુણવત્તાનો અભાવ
વિસ્તારની સમસ્યાઓ પર ભાર મૂકતા તેમણે જણાવ્યું હતું કે, રોડ, પાણી અને ગટર જેવી પાયાની સુવિધાઓમાં ગુણવત્તાનો અભાવ છે. વારંવાર રસ્તાઓ તૂટવાથી બાળકો અને સ્થાનિકોને પડતી મુશ્કેલીઓ નિવારવા માટે તેઓ 'એક વાર પણ યોગ્ય કામ' કરવાના મતના છે. આમ આદમી પાર્ટીનો આ પ્રયોગ પરંપરાગત રાજકારણ વચ્ચે પરપ્રાંતીય પ્રભુત્વ ધરાવતા લિંબાયત અને પાંડેસરા જેવા વિસ્તારોમાં નવા સમીકરણો સર્જી શકે છે.
Read Original Article →