દારૂના બે કેસમાં સજા મેળવનારને કોંગ્રેસે મેદાનમાં ઉતાર્યા:સુરત મનપા વોર્ડ-29ના ઉમેદવાર વંદના સાળુંકે પ્રોહિબિશન કેસમાં સજા ભોગવી ચૂક્યા હોવાનો સોગંદનામામાં ઘટસ્ફોટ
સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીમાં વોર્ડ નંબર 29 (અલ્થાન-બમરોલી-વડોદ) ના કોંગ્રેસના ઉમેદવાર વંદના સાળુંકેના સોગંદનામાએ રાજકીય ખળભળાટ મચાવ્યો છે. દારૂબંધીના મુદ્દે સરકારને ઘેરતી કોંગ્રેસે પ્રોહિબિશન એક્ટ હેઠળ વર્ષ 2023 અને 2026માં બે વખત કોર્ટ દ્વારા સજા પામેલા ઉમેદવારને મેદાનમાં ઉતારતા નૈતિકતાના મુદ્દે ગંભીર સવાલો ઉભા થયા છે. સોગંદનામામાં પ્રોહિબિશનના બે ગુના સજા હોવાની કબૂલાત
વોર્ડ નંબર 29ના 49 વર્ષીય ઉમેદવાર વંદના ભીમરાવ સાળુંકેએ પોતાના ચૂંટણી સોગંદનામામાં સ્વીકાર્યું છે કે તેમની સામે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ બે ગુના નોંધાયા હતા. આ કેસોમાં નામદાર કોર્ટે તેમને કલમ 65-એ, એ હેઠળ તકસીરવાર ઠેરવીને વર્ષ 2023 અને 2026માં સજા ફટકારી હતી. કોર્ટે તેમને 'કોર્ટ ઉઠતા સુધીની જેલ' અને કુલ 200 રૂપિયાનો દંડ કર્યો હતો. નોંધનીય છે કે, ઉમેદવારે આ સજા સામે કોઈ ઉચ્ચ અદાલતમાં અપીલ કરી નથી, જે તેમની સામેના ગુનાની પુષ્ટિ કરે છે. વિપક્ષના આકરા પ્રહાર અને જનતામાં ગણગણાટ
આ ઘટસ્ફોટ બાદ ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ પર પ્રહારો તેજ કર્યા છે. ભાજપ નેતા વિનોદ જૈને આક્ષેપ કર્યો છે કે એક તરફ કોંગ્રેસ રાજ્યમાં દારૂબંધીના કડક અમલની માંગ કરે છે અને બીજી તરફ દારૂના કેસમાં દોષિત ઠરેલા વ્યક્તિને જનપ્રતિનિધિ બનાવવા માંગે છે. અલ્થાન અને બમરોલી વિસ્તારના મતદારોમાં પણ કોંગ્રેસની કથની અને કરણી વચ્ચેના તફાવતને લઈ ભારે ચર્ચા જાગી છે. કોંગ્રેસનો બચાવ અને અનભિજ્ઞતા
વિવાદ વધતા કોંગ્રેસના નેતા વિપુલભાઈએ ઉમેદવારનો બચાવ કરતા જણાવ્યું હતું કે, વંદનાબેન એક NGO ચલાવે છે અને જાણીતા સામાજિક કાર્યકર છે. તેમણે ભાજપ પર છબી ખરાબ કરવાનો આરોપ લગાવ્યો હતો, પરંતુ જ્યારે તેમને ઉમેદવારના પ્રોહિબિશન કેસોમાં મળેલી સજા અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે આ બાબતે કોઈ જાણકારી ન હોવાનું જણાવી મૌન સેવ્યું હતું.
Read Original Article →