VNSGUમાં B.Sc.ના 30થી વધુ પ્રોગ્રામ્સમાં પ્રવેશ શરૂ:NEP-2020 હેઠળ સંશોધન અને નવીનતાને મળશે નવી દિશા
સુરત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) દ્વારા GCAS પોર્ટલ મારફતે ચાલી રહેલી પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત વિજ્ઞાન વિદ્યાશાખાના વિવિધ બેચલર ઓફ સાયન્સ (B.Sc.) પ્રોગ્રામ્સની વિગતવાર માહિતી જાહેર કરવામાં આવી છે. નવી શિક્ષણ નીતિ (NEP-2020) હેઠળ, વિદ્યાર્થીઓને 3 અને 4 વર્ષના ઓનર્સ વિથ રિસર્ચ કોર્સ સાથે સંશોધન, ટેકનોલોજી અને ઉદ્યોગલક્ષી શિક્ષણ માટે પ્રોત્સાહિત કરાશે. યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કિશોરસિંહ એન. ચાવડાએ જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાતના કેમિકલ, ફાર્મા અને ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને B.Sc. અભ્યાસક્રમોને પ્રેક્ટિકલ અને સંશોધન આધારિત બનાવવામાં આવ્યા છે. આનાથી વિદ્યાર્થીઓ માત્ર પુસ્તકીય જ્ઞાન પૂરતા મર્યાદિત નહીં રહે, પરંતુ આધુનિક લેબોરેટરી અને લાઈવ પ્રોજેક્ટ્સ દ્વારા વૈજ્ઞાનિક અભ્યાસનો વાસ્તવિક અનુભવ પણ મેળવી શકશે. યુનિવર્સિટી અને તેની સંલગ્ન કોલેજોમાં કેમિસ્ટ્રી, ફિઝિક્સ, મેથેમેટિક્સ અને સ્ટેટિસ્ટિક્સ જેવા પરંપરાગત વિજ્ઞાન વિષયો ઉપલબ્ધ છે. આ ઉપરાંત, માઇક્રોબાયોલોજી, બાયોટેકનોલોજી, ફૂડ ટેકનોલોજી, બોટની, ઝૂલોજી અને એક્વાટિક બાયોલોજી જેવા આધુનિક વિષયોમાં પણ અભ્યાસની તકો પૂરી પાડવામાં આવી છે. કોમ્પ્યુટર સાયન્સ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, નર્સિંગ અને હોમ સાયન્સ જેવા એપ્લાઇડ અને ટેકનિકલ કોર્સ પણ વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ રહેશે. યુનિવર્સિટીના જણાવ્યા મુજબ, માઇક્રોબાયોલોજી અને બાયોટેકનોલોજી જેવા વિષયો ફાર્માસ્યુટિકલ અને હેલ્થકેર ક્ષેત્રમાં કારકિર્દી માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. ફૂડ ટેકનોલોજી અને એક્વાટિક બાયોલોજી જેવા કોર્સ વિદ્યાર્થીઓને ફૂડ ઇન્ડસ્ટ્રી અને જળચર સંશોધન ક્ષેત્રે નવી તકો પૂરી પાડશે. કોમ્પ્યુટર સાયન્સ અને IT કોર્સ દ્વારા વિદ્યાર્થીઓને આધુનિક સોફ્ટવેર અને ડેટા મેનેજમેન્ટ ક્ષેત્રે કુશળ બનાવવામાં આવશે. NEP-2020 અંતર્ગત, 4 વર્ષનો ઓનર્સ વિથ રિસર્ચ કોર્સ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ માસ્ટર્સ કર્યા વગર સીધા Ph.D.માં પ્રવેશ મેળવી શકશે. આ ઉપરાંત, સ્થાનિક ઉદ્યોગોમાં ઓન-ધ-જોબ ટ્રેનિંગ (OJT) અને વૈશ્વિક સ્તરના ક્રેડિટ માળખા દ્વારા વિદેશમાં ઉચ્ચ અભ્યાસની તકો પણ સરળ બનશે. માન્ય બોર્ડમાંથી ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ (A, B કે AB ગ્રુપ) પાસ થયેલા વિદ્યાર્થીઓ B.Sc. પ્રોગ્રામ્સમાં પ્રવેશ માટે પાત્ર ગણાશે. વિદ્યાર્થીઓએ GCAS પોર્ટલ (gcas.gujgov.edu.in) પર નોંધણી કરી યુનિવર્સિટી તરીકે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પસંદ કરવાની રહેશે. વધુ માહિતી માટે VNSGUની સત્તાવાર વેબસાઇટ (vnsgu.ac.in) નિયમિતપણે તપાસવા અનુરોધ કરવામાં આવ્યો છે.
Read Original Article →