ગૌવંશના રક્ષણ માટે હિન્દુ સંગઠનો મેદાને:ઈદ પર ગૌવંશની હત્યા થઈ તો હિન્દુ સમાજ નહીં ચલાવી લે, VHPનું સુરત કલેકટરને આવેદનપત્ર
સમગ્ર દેશમાં ગૌવંશના સંરક્ષણ માટે લાંબા સમયથી વિવિધ સંગઠનો દ્વારા માંગ ઉઠાવવામાં આવી રહી છે, ત્યારે આજે સુરત શહેરમાં પણ આ મુદ્દે ભારે ગરમાવો જોવા મળ્યો હતો. વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળના સ્થાનિક પદાધિકારીઓ તથા સેંકડો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં સુરત કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થયા હતા, જ્યાં તેઓએ ગૌમાતાના સન્માનમાં અને ગૌહત્યાના વિરોધમાં જોરદાર સૂત્રોચ્ચાર કરીને સમગ્ર વહીવટી પરિસર ગજવી મૂક્યું હતું. સંગઠનના અગ્રણીઓ દ્વારા જિલ્લા કલેક્ટરને સંબોધીને એક વિસ્તૃત આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું, જેમાં ભારત સરકાર દ્વારા કાયદો બનાવીને ગૌમાતાને 'રાષ્ટ્રીય માતા'નો દરજ્જો આપવા સહિતની કુલ સાત પ્રમુખ માંગણીઓ રજૂ કરવામાં આવી છે. આ આવેદનપત્રમાં દેશભરમાં ગૌહત્યા સદંતર અને કાયમી ધોરણે બંધ કરવાની તેમજ વર્તમાન ગૌહત્યા વિરોધી કાનૂનનો પ્રશાસન દ્વારા અત્યંત પડકાઈથી અને કડક રીતે અમલ કરવાની જોરદાર અપીલ કરવામાં આવી છે. સાથોસાથ, ભારતમાંથી વિદેશોમાં નિકાસ થતા ગૌમાંસ પર પણ કેન્દ્ર સરકાર દ્વારા તાત્કાલિક અસરથી સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવે તેવી માંગ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. આગામી સમયમાં આવી રહેલા ઈદના તહેવારને ધ્યાનમાં રાખીને સંગઠનો દ્વારા સ્થાનિક પ્રશાસનને ખાસ તકેદારી રાખવા ચેતવણી આપવામાં આવી છે; તહેવાર દરમિયાન હિન્દુઓની ધાર્મિક લાગણી ન દુભાય અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પ્રશાસન દ્વારા અત્યારથી જ યોગ્ય અને ચુસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવે તેમજ કોઈપણ સંજોગોમાં ગૌહત્યા થતી રોકવામાં આવે તેવી સ્પષ્ટ રજૂઆત કરાઈ છે. વિશ્વ હિન્દુ પરિષદના જય પટેલે જણાવ્યું હતું કે, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આવેદનપત્ર દેવામાં આવેલું હતું. વિષય એ છે કે આવનારા સમયમાં જે કુરબાનીનો તહેવાર આવી રહ્યો છે, આ તહેવારમાં ધાર્મિકતા અને કુરબાનીના નામે ગૌવંશની હત્યા ન કરવામાં આવે અને આ બાબતની પોલીસ દ્વારા અને પ્રશાસન દ્વારા સતર્કતા રાખવામાં આવે. એટલા માટે આવેદનપત્ર દેવા માટે આવેલા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જો ગૌવંશની હત્યા થશે, તો આ હિન્દુ સમાજ છે એ એની આ આ ગૌમાતા એ ભારત દેશની ધરોહર છે. હિન્દુ સમાજની ધર્મની ધરોહર છે, તો ગૌમાતાને બચાવતા અમને આવડે છે. તમને કાપતા આવડે છે, તો અમને બચાવતા આ આવડે છે. વિશ્વ હિન્દુ પરિષદના આગેવાન વિક્રમસિંહ ભાટીએ જણાવ્યું હતું કે, તત્વાધાનમાં સંતોના નેતૃત્વમાં રાજ્યપાલને કલેક્ટરના માધ્યમથી એક આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે. જેમાં અમારી માંગ છે કે ગૌમાતાને રાષ્ટ્રીય ધરોહર ઘોષિત કરવામાં આવે. ગૌમાતા જે કતલખાને જઈ રહ્યા છે, એમને જે ટોલ નાકા છે ત્યાં સેન્સર લગાવીને એમને પકડવામાં આવે કે કોઈ એક પણ ગાય માતાની તસ્કરી નહીં થાય. સંપૂર્ણ દેશમાં જે ગૌ હત્યા વિરોધી જે કાનૂન છે એને શક્તિથી લાગુ કરવામાં આવે. જ્યાં કતલખાના છે એ ગૌ અભ્યારણ તરીકે સ્થાપિત કરવામાં આવે અને વિદેશોમાં જે ગૌ માંસ એક્સપોર્ટ થાય છે એને સંપૂર્ણ રીતે પ્રતિબંધ કરવામાં આવે છે, એવી વિવિધ માંગો સાથે વિશ્વ હિન્દુ પરિષદના ગૌ રક્ષા ગૌ સંવર્ધનના આયામના નેતૃત્વમાં પરમ પૂજ્ય સંતોના નેતૃત્વમાં અને ગાય માતાને રાષ્ટ્રીય માતા, રાષ્ટ્રીય ધરોહર ઘોષિત કરવામાં આવે એવી વિવિધ માંગો સાથે અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા છીએ.
Read Original Article →