કાટમાળમાં ફસાયેલા વૃદ્ધાનું રેસ્ક્યૂ, VIDEO:ફાયર જવાને પહેલા માળેથી ખભે ઉચકીને નીચે ઉતાર્યાં, કોટના વરિયાવી બજારમાં વહેલી સવારે જર્જરિત મકાનનો સ્લેબ અને દીવાલ ધરાશાયી
સુરત શહેરના કોટ વિસ્તારમાં વરિયાવી બજારમાં આજે વહેલી સવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. પોલીસ ચોકીની સામે એક વર્ષો જૂના મકાનની દીવાલ અને સ્લેબ અચાનક પત્તાના મહેલની જેમ ધરાશાયી થયું હતું. આ દુર્ઘટનાના કારણે ફસાયેલા 80 વર્ષના વૃદ્ધા માટે ફાયરના જવાનો 'દેવદૂત' બનીને આવ્યા હતા અને તેમનું દિલધડક રેસ્ક્યુ કર્યું હતું. વહેલી સવારે સ્લેબ પડતા અફરાતફરી મચી
મળતી માહિતી પ્રમાણે, વરિયાવી બજારમાં કૃષ્ણ મંદિરની બાજુમાં ઘર નંબર 2191માં આજે વહેલી સવારે 3:50 કલાકે ભારે અવાજ સાથે કડાકો થયો હતો. એક માળના આ મકાનનો સ્લેબ અને દીવાલ ધરાશાયી થતાં આસપાસના લોકો જાગી ગયા હતા. ધૂળની ડમરીઓ વચ્ચે લોકોએ બચાવ-બચાવની બૂમો પાડતા વાતાવરણ ગમગીન બની ગયું હતું. વૃદ્ધા કાટમાળ વચ્ચે જિંદગીની જંગ લડતા હતા
મકાન ધરાશાયી થયું ત્યારે ઘરમાં હાજર 80 વર્ષીય હરિબેન કાટમાળમાં નીચે ફસાઈ ગયા હતા. પથ્થરો અને લાકડાના કારણે તેઓ બહાર નીકળી શકતા નહોતા. ઘટનાની જાણ થતા જ મુગલીસરા ફાયર સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ફાયરના જવાનોએ જોખમી સ્થિતિમાં કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી હતી. ફાયર ઓફિસરે વૃદ્ધાને ઊંચકીને નીચે ઉતાર્યાં
રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન માનવતાના દ્રશ્યો જોવા મળ્યા હતા. ફાયર ઓફિસર બળવંતસિંહે જીવના જોખમે કાટમાળમાંથી હરિબેનને શોધી કાઢ્યા હતા. વૃદ્ધાને પગમાં ગંભીર ઇજા થઈ હોવાથી તેઓ ચાલી શકે તેમ નહોતા, આથી ઓફિસર બળવંતસિંહે કોઈ પણ વિલંબ કર્યા વગર 80 વર્ષના વૃદ્ધાને પોતાના ખભે ઊંચકી લીધા હતા અને પહેલા માળેથી સુરક્ષિત રીતે નીચે લાવ્યા હતા. વૃદ્ધાને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા
ફાયર બ્રિગેડની ટીમે સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યાં બાદ એમ્બ્યુલન્સ મારફતે હરિબેનને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલમાં તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે. સદનસીબે, ફાયર વિભાગની સતર્કતાને કારણે વહેલી સવારે બનેલી આ ઘટનામાં જાનહાનિ ટળી હતી, જોકે જર્જરિત મકાનોના ભયને લઈને સ્થાનિકોમાં ફરી ચિંતા પ્રસરી ગઈ છે.
Read Original Article →