વરાછામાં નવું ડબલ Y જંક્શન તૈયાર, ડ્રોન વીડિયો:5 લાખ લોકોને સીધો ફાયદો છતાં નેતાજીની રાહ! લોકોએ કહ્યું-જાતે જ ચાલુ કરી દેવો જોઈએ
સુરતના સૌથી વ્યસ્ત અને ટ્રાફિકથી ધમધમતા વરાછા વિસ્તારના વાહનચાલકો માટે રાહતના મોટા સમાચાર સામે આવ્યા છે. વરાછા હીરાબાગ જંક્શન પાસે વર્ષો જૂની રોજિંદી ટ્રાફિક સમસ્યાનો કાયમી હલ લાવવા માટે વલ્લભાચાર્ય રોડ તરફથી વરાછા ફ્લાયઓવર પર નવો એન્ટ્રી રેમ્પ (કનેક્ટિંગ બ્રિજ) સંપૂર્ણપણે તૈયાર કરી દેવામાં આવ્યો છે. આ નવા ડબલ Y જંક્શન બ્રિજને કારણે વરાછા ઉપરાંત વેડ, અશ્વિનીકુમાર, ફુલપાડા અને કતારગામના અંદાજે 5 લાખથી વધુ વાહનચાલકોને ટ્રાફિકના ચક્કાજામમાંથી મુક્તિ મળશે. જોકે, પાલિકાના શાસકો કોઈ મોટા નેતાની 'તારીખ' મળે તેની રાહ જોઈ રહ્યા છે, જેના કારણે જનતા પરેશાન થઈ રહી છે. થોડા દિવસોમાં નવા મેયરના હસ્તે આ બ્રિજને ખુલ્લો મૂકવામાં એવી શક્યતા છે. જનતા પરેશાન છતાં નેતાજીની રાહ! બ્રિજ તૈયાર હોવા છતાં ઉદ્ઘાટન અટવાયું
મહાનગરપાલિકાની ટ્રેડમાર્ક સ્ટાઈલ મુજબ, આ બ્રિજ બનીને તૈયાર થયાને 15 દિવસ જેટલો સમય વીતી ગયો છે, પરંતુ હજુ સુધી તેને સત્તાવાર રીતે ખુલ્લો મુકાયો નથી. સ્થાનિકોમાં ચર્ચા છે કે પાલિકાના શાસકો કોઈ મોટા નેતાની 'તારીખ' મળે તેની રાહ જોઈ રહ્યા છે, જેના કારણે જનતા પરેશાન થઈ રહી છે. ગત દિવસોમાં કંટાળેલા સ્થાનિક નાગરિકોએ જાતે જ બેરિકેડ્સ હટાવીને બ્રિજ ખુલ્લો મૂકી દીધો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થતાં તંત્ર દોડતું થયું હતું અને ફરી બ્રિજ બંધ કરી દીધો હતો. 7 વર્ષથી સર્જાતી હતી ટ્રાફિકની ત્રસ્ત કરતી સમસ્યા
વર્ષ 2019માં જ્યારે ઉત્કલનગરથી અશ્વિનીકુમાર રોડને જોડતો રેલવે ઓવરબ્રિજ શરૂ થયો, ત્યારે વેડ અને કતારગામ તરફથી આવતો ટ્રાફિક સીધો વરાછા તરફ ડાયવર્ટ થયો હતો. આ કારણે હીરાબાગ જંક્શન અને કાપોદ્રા-ઉત્રાણ રિવર બ્રિજના વરાછા છેડે વાહનોની લાંબી લાઈનો લાગતી હતી. છેલ્લા 7 વર્ષથી આ વિસ્તારના લોકો, ખાસ કરીને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા રત્નકલાકારો અને વેપારીઓ રોજ સવાર-સાંજ ટ્રાફિકમાં કલાકો સુધી ફસાઈ જતા હતા. આ નવા રેમ્પના કારણે હવે વાહનચાલકો સીધા ફ્લાયઓવર પર ચઢી શકશે, જેથી નીચેના જંક્શન પરનો ટ્રાફિક 70% જેટલો ઘટી જશે. રત્નકલાકારો અને નોકરિયાતોને થશે સીધો મોટો લાભ
હીરાબાગ અને વરાછા વિસ્તાર સુરતનો ધબકતો આર્થિક ઝોન છે. રોજ હજારો રત્નકલાકારો કારખાને જવા માટે આ રૂટનો ઉપયોગ કરે છે. નવો ફ્લાયઓવર રેમ્પ શરૂ થવાથી ઈંધણ અને સમય બંનેની મોટી બચત થશે. સ્થાનિકોની એક જ માંગ છે કે નેતાઓના પ્રોટોકોલ અને તારીખની ચિંતા છોડીને સુરત મહાનગરપાલિકા આ બ્રિજને વહેલી તકે સત્તાવાર રીતે જાહેર જનતા માટે ખુલ્લો મૂકે જેથી રોજિંદી હેરાનગતિનો અંત આવે. રૂ. 16.43 કરોડના ખર્ચે તૈયાર થયો 557 મીટર લાંબો રેમ્પ
આ પ્રોજેક્ટ સુરત મહાનગરપાલિકાના બ્રિજ સેલ દ્વારા અત્યંત આયોજનબદ્ધ રીતે પૂરો કરવામાં આવ્યો છે. પ્રોજેક્ટનો કુલ ખર્ચ રૂ. 16.43 કરોડ, બ્રિજ (રેમ્પ)ની કુલ લંબાઈ556.87 રનિંગ મીટર અને પહોળાઈ (કેરેજ-વે)1.5 લેન (6.5 મીટર પહોળાઈ) છે. અંકલેશ્વરની રચના કન્સ્ટ્રક્શન દ્વારા નિયત 18 મહિનાની સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. પોતાના મેયર પણ હજી બનાવી શક્યા નથી, તો બ્રિજ કઈ રીતે ખુલ્લો કરી શકશે: સ્થાનિક
સ્થાનિક જગદીશભાઈએ જણાવ્યું હતું કે, આમાં એવું છે કે એ ચૂંટણીને એક મહિનો થઈ ગયો, પોતાના મેયર પણ હજી બનાવી શક્યા નથી. તો આ લોકો બ્રિજ કઈ રીતે ખુલ્લો કરી શકશે એ એના માટેનો મોટો સવાલ છે. ‘એ લોકો હજી રાહ જુએ છે કે અહીં થોડાં ચાર-પાંચ અકસ્માત થાય’
'એ લોકો હજી રાહ જુએ છે કે અહીં થોડાં ચાર-પાંચ અકસ્માત થાય, જનતા મરે, ટ્રાફિકમાં પીસાય, એની રાહ જુએ છે અને ફોટો સેશન માટે આ બ્રિજ બાકી રાખ્યો હોય એવું મને લાગે છે. કારણ કે જો આ આવનારા સમયમાં બ્રિજ ચાલુ કરવામાં નહીં આવે, તો જનતા પોતાની રીતે ચાલુ કરી દેશે. ટ્રાફિકનો એટલો બધો ધસારો છે કે એની વાત જ જવા દો.' વાહન ચાલક જય પિત્રોડાએ જણાવ્યું હતું કે, લોકો માટે ખરેખર જો SMC-એ બ્રિજ બનાવવા માટે કર્યો હોય, તો એને જો પરિપૂર્ણ હોય તો એને ખુલ્લો મૂકી દેવો જોઈએ, કોઈ નેતા કે કોઈ અન્ય વ્યક્તિની રાહ જોયા વગર. ખરેખર પબ્લિકે પણ જાગૃત બનીને સમય અંતરે જેમ નિર્ણય પહેલા બ્રિજનો લીધો હતો, આપણે ગૌશાળાવાળો એ રીતે ચાલુ કરી દેવો જોઈએ. ‘ડીઝલના ભાવ બહુ વધારે છે, ટ્રાફિકથી હેરાનગતિ થાય છે’
ટેમ્પો ચાલક મદનલાલ માંગીલાલજી પ્રજાપતિએ જણાવ્યું હતું કે, આ બ્રિજ ચાલુ નથી, જેના હિસાબે વધારે ટ્રાફિક થાય છે. બ્રિજ ચાલુ થઈ જાય તો માણસોને આવક-જાવક સારો થઈ જાય છે, અને કોઈ તકલીફ નહીં પડે. અરે! ડીઝલના ભાવ બહુ વધારે છે. વધી ગયા છે ભાવ, એના હિસાબે ટ્રાફિકના હિસાબે હેરાન થાય છે. એના હિસાબે એકદમ કામ સારું છે, ચાલુ થઈ જાય તો સારું. ‘શા કારણે ચાલુ નથી કરતા એ નથી સમજાતું નથી’
સ્થાનિક રમેશભાઈ ગોયાણીએ જણાવ્યું હતું કે, અહીં સામેની સોસાયટીમાં જ રહું છું. આજે આ પુલ તૈયાર થઈ ગયો છે, તો શા કારણે ચાલુ નથી કરતા એ નથી સમજાતું. અહીંયા સાંજના, બપોરના કે સવારના સમયે ખૂબ જ ટ્રાફિક થાય છે. સાંજે લક્ઝરીઓ વાળાની ટ્રાફિક હોય. કુંડીઓ ગટરની ખુલ્લી પડેલી છે, પૂરૂ રીપેરીંગ નથી થતું. ફરિયાદ કરીએ તો એકવાર આવે રીપેર કરવા, પાછા જતા રહે, બીજે દીવસે આવે. આજે કેટલા દિવસ થયા અહીંયા કામ અધૂરા રખડે છે રોડના. પુલ તૈયાર છે તો એને ચાલુ નથી કરતા, એટલે મુહૂર્તની વાટે છે? કે કોઈ બીજા નેતાઓની વાટે છે? તો જે હોય તે જલ્દી તકે આ પુલ ચાલુ થાય એવી અમે વિનંતી કરીએ છીએ રહીશો તરીકે. કારણ કે હું નજીક જ રહું છું અને પરિસ્થિતિ જોઉં છું અહીંયા રોજની. એટલે અત્યારે સ્કૂલ ચાલુ થઈ ગઈ એની માટે એટલી ભીડ હોય છે. તો જેટલી બને એટલી વહેલી તકે ચાલુ થઈ જાય પુલ એવી વિનંતી. પુલ ચાલુ ન થાય તો બીજો કોઈ રસ્તો જ ન હોય. પાટિયા એકબાજુ કાઢીને ચાલવા મળે પ્રજા, બીજું શું કરે! ‘ભારતીય જનતા પાર્ટીના VIP કલ્ચરને આ ભેટ ચડી ગયો છે’
સ્થાનિક હરીશભાઈ ગુર્જરે જણાવ્યું હતું કે, અશ્વિની કુમાર હીરાબાગનો બ્રિજ બનીને મહિનાથી તૈયાર થઈ ગયો છે, પણ આ ભારતીય જનતા પાર્ટીના VIP કલ્ચરને આ ભેટ ચડી ગયો છે અને જેના કારણે આજે આ વિસ્તારના લોકોને લાખો-કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. કારણ કે આજે હીરા ઉદ્યોગમાં મંદી છે, એમ્બ્રોઇડરી મશીનમાં મંદી છે, દરેક ક્ષેત્રમાં તમે જુઓ છો બેરોજગારીનો માહોલ જોવા મળી રહ્યો છે. જો આ બ્રીજ ખુલ્લો મૂકવામાં આવે, તો કામરેજના અને મોટા વરાછા, નાના વરાછા વિસ્તારમાં જે લોકો રહે છે એને સરળ પડે. જે અડધો કલાકનો જે રસ્તો છે, એ 10 મિનિટમાં આવી શકે એમ છે. વરાછા અને સુરત શહેરની જનતા માટે આ બ્રિજ બહુ અગત્યનો છે. કારણ કે, હવે એવું નથી કે ખાલી આ વરાછા માટે, જે દૂરથી લોકો જે હાઇવે પર જતા હોય કામરેજ, જે કાઠિયાવાડ જતા હોય, બસો જતી હોય છે. રોજની હજારોની સંખ્યામાં બસો જતી હોય છે એને ફાયદો થાય એમ છે. પરંતુ આ ભારતીય જનતા પાર્ટીની મિલીભગતની અંદર આજે લાખો લોકો હેરાન-પરેશાન થઈ રહ્યા છે. એક બાજુ નરેન્દ્ર મોદી એમ કહે છે કે ડીઝલ બચાવો, પેટ્રોલ બચાવો. તો આ કયું કલ્ચર છે? આજે હજારો લીટર ડીઝલ વેસ્ટ જાય છે. તો ભાજપને હું નિવેદન કરીશ કે વહેલીમાં વહેલી તકે આ બ્રીજ ખુલ્લો મૂકે, કારણ કે તમારા આ કારણથી વરાછા વિસ્તારના હજારો લોકો પરેશાન થઈ રહ્યા છે. ‘હું ત્રણ દિવસનું અલ્ટીમેટમ આપું છું’
હું ત્રણ દિવસનું અલ્ટીમેટમ આપું છું, જો ત્રણ દિવસની અંદર બ્રીજ ચાલુ નહીં થશે, તો અમે અમારી જાતે આવીને અમે બ્રીજ ખુલ્લો મૂકી દેશું. એની તમામ જવાબદારી સરકારની રહેશે અને પોલીસ પ્રશાસનની રહેશે.
Read Original Article →