મોડીરાતે ઉત્રાણના ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ:અભિનંદન રેસિડેન્સીના રહીશો જીવ બચાવવા ઘરો બહાર દોડ્યા

Gujarat5/21/2026, 6:18:06 AM
મોડીરાતે ઉત્રાણના ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ:અભિનંદન રેસિડેન્સીના રહીશો જીવ બચાવવા ઘરો બહાર દોડ્યા
સુરત શહેરમાંથી ફરી એકવાર મોડી રાત્રે આગની એક ગંભીર અને ડરામણી ઘટના સામે આવી છે. શહેરના ઉત્રાણ વિસ્તારમાં આવેલા ગરનાળા પાસે એક ભંગારના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગ એટલી ઝડપથી ફેલાઈ કે આસપાસની રહેણાંક સોસાયટીઓમાં વસતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. ખાસ કરીને 'અભિનંદન રેસિડેન્સી' ની બિલકુલ સામે જ આ ગોડાઉન આવેલું હોવાથી, સ્થાનિક રહીશોમાં ભારે દોડધામ અને હોબાળો મચી ગયો હતો. મધ્યરાત્રિએ અંદાજે 02:00 વાગ્યે સર્જાયેલી આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ વ્યાપી ગયો હતો. જોકે, ઘટનાની જાણ થતાં જ મોટા વરાછા ફાયર સ્ટેશનની ટીમ અને ઉત્રાણ પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી ગઈ હતી અને ગણતરીના સમયમાં આગ પર કાબૂ મેળવી લેતાં મોટી જાનહાનિ ટળી હતી. પ્લાસ્ટિક અને કેમિકલના કારણે આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું મળતી માહિતી મુજબ, બુધવાર અને ગુરુવારની મધ્યરાત્રિએ જ્યારે સમગ્ર શહેર ગાઢ નિદ્રામાં હતું, ત્યારે બરાબર રાત્રે 02:00 વાગ્યાની આસપાસ ઉત્રાણ ગરનાળા પાસે આવેલા એક મોટા ભંગારના ગોડાઉનમાંથી અચાનક ધુમાડાના કાળા ગોટેગોટા નીકળવા લાગ્યા હતા. ગોડાઉનમાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક, કેમિકલના ખાલી ડબ્બા, ટાયરો અને અન્ય સ્ક્રેપ મટીરિયલ (ભંગાર) હોવાના કારણે આગે જોતજોતામાં પ્રચંડ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ગોડાઉનમાંથી નીકળતી આગની ગગનચુંબી જ્વાળાઓ અને પ્લાસ્ટિક સળગવાની અસહ્ય દુર્ગંધને કારણે આસપાસની સોસાયટીના લોકો અચાનક જાગી ગયા હતા. મોડી રાત્રે અંધારામાં આગનું આ ભયાનક સ્વરૂપ જોઈને લોકોના હોશ ઊડી ગયા હતા અને પોતાના ઘરોમાંથી બહાર દોડી આવતાં રસ્તાઓ પર ભારે અફરાતફરી મચી ગઈ હતી. અભિનંદન રેસિડેન્સીમાં ભયનો માહોલ આ આગની ઘટના જ્યાં બની તેની બિલકુલ સામે જ 'અભિનંદન રેસિડેન્સી' નામની મોટી રહેણાંક વસાહત આવેલી છે. ગોડાઉન અને સોસાયટી વચ્ચે અંતર ખૂબ જ ઓછું હોવાથી, સ્થાનિક રહીશોને ડર હતો કે આગની લપેટો ગમે ત્યારે તેમના ઘરો સુધી પહોંચી જશે. હવામાં ઉડતા સળગતા તણખલાઓને કારણે આસપાસ પાર્ક કરેલા વાહનો અને ઝાડ-પાન પર પણ મોટું જોખમ ઊભું થયું હતું. પરિસ્થિતિની ગંભીરતા જોઈ સોસાયટીના પ્રમુખ અને અન્ય જાગૃત નાગરિકોએ તાત્કાલિક ઘરો ખાલી કરાવીને લોકોને સુરક્ષિત ખુલ્લા મેદાન તરફ જવા અપીલ કરી હતી. રાત્રિના સમયે માસૂમ બાળકો અને વૃદ્ધોને હાથમાં પકડીને સુરક્ષિત સ્થળે દોડતા પરિવારોના દ્રશ્યો અત્યંત હૃદયદ્રાવક હતા. ફાયર બ્રિગેડના જવાનોએ વ્યુહાત્મક ઓપરેશન હાથ ધરી આગ પર કાબૂ મેળવ્યો ઘટનાની ગંભીરતાને સમજીને સ્થાનિક રહીશો દ્વારા તુરંત જ ફાયર કંટ્રોલ રૂમને આ અંગે જાણ કરવામાં આવી હતી. મેસેજ મળતાની સાથે જ મોટા વરાછા ફાયર સ્ટેશનની ટીમ ફાયર ફાઈટર્સ, વોટર બ્રાઉઝર અને આધુનિક સાધનો સાથે ઘટનાસ્થળે ધસી ગઈ હતી. ફાયર બ્રિગેડના જવાનોએ વ્યુહાત્મક રીતે કામગીરી શરૂ કરી હતી. તેમનું સૌથી પહેલું લક્ષ્ય આગને રહેણાંક સોસાયટી તરફ આગળ વધતી અટકાવવાનું હતું. ફાયરના જવાનોએ ચારેય તરફથી પાણીનો ભારે મારો ચલાવીને આગને આગળ વધતી કોર્ડન કરી લીધી હતી. ભંગારની અંદર પ્લાસ્ટિક અને સોલિડ વેસ્ટ હોવાના કારણે આગ અંદર જ અંદર ધગી રહી હતી, પરંતુ ફાયર ફાયટરોના અથાણ પ્રયાસો અને ચોક્કસ ગણતરીપૂર્વકના ઓપરેશનને કારણે આગને ટૂંક જ સમયમાં સંપૂર્ણપણે કાબૂમાં લઈ લેવામાં આવી હતી અને એક મોટી દુર્ઘટના ટળી હતી.
Read Original Article →