સુરતમાં UCC બિલનો ઉગ્ર વિરોધ:મુસ્લિમ હિત રક્ષક સમિતિએ કલેક્ટરને આવેદન આપ્યું, કાયદો રદ કરવાની માંગ સાથે કાયદાકીય લડતની ચીમકી ઉચ્ચારી

Gujarat4/6/2026, 12:39:23 PM
સુરતમાં UCC બિલનો ઉગ્ર વિરોધ:મુસ્લિમ હિત રક્ષક સમિતિએ કલેક્ટરને આવેદન આપ્યું, કાયદો રદ કરવાની માંગ સાથે કાયદાકીય લડતની ચીમકી ઉચ્ચારી
ગુજરાત વિધાનસભામાં તાજેતરમાં પસાર થયેલા 'ગુજરાત યુનિફોર્મ સિવિલ કોડ 2026' (UCC) બિલના વિરોધમાં ગુજરાત મુસ્લિમ હિત રક્ષક સમિતિ દ્વારા આજે સુરત ખાતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સમિતિએ આ કાયદાને ગેરબંધારણીય, લઘુમતી વિરોધી અને ધાર્મિક સ્વતંત્રતા પર તરાપ સમાન ગણાવી તેને તાત્કાલિક રદ કરવાની માંગ સાથે કાયદાકીય લડતની ચીમકી ઉચ્ચારી છે. બંધારણીય અધિકારોના ઉલ્લંઘનનો દાવો સમિતિના જણાવ્યા અનુસાર, ભારતીય બંધારણના આર્ટિકલ 25 હેઠળ દરેક નાગરિકને પોતાનો ધર્મ પાળવાની સ્વતંત્રતા છે. મુસ્લિમ સમુદાય માટે નિકાહ, તલાક અને મિલકતની વહેંચણી જેવા પારિવારિક વિષયો પવિત્ર કુરાન અને શરીયતના આદેશો મુજબ ચાલે છે. UCC ના અમલીકરણથી આ વર્ષો જૂની ધાર્મિક પરંપરાઓમાં સીધી દખલગીરી થશે, જે મૂળભૂત બંધારણીય અધિકારોનું હનન છે. સમાનતાના સિદ્ધાંત પર પ્રશ્નાર્થ આવેદનપત્રમાં સરકારની 'સમાનતા'ની વ્યાખ્યા સામે સવાલો ઉઠાવવામાં આવ્યા છે. સમિતિનો આક્ષેપ છે કે, આ કાયદામાંથી આર્ટિકલ 342 અને 366 હેઠળ અનુસૂચિત આદિજાતિ (ST) ને બાકાત રાખવામાં આવ્યા છે. જ્યારે એક મોટા વર્ગને મુક્તિ આપવામાં આવે, ત્યારે તે 'યુનિફોર્મ' એટલે કે સમાન નાગરિક સંહિતા રહી શકતી નથી. આ જોગવાઈ આર્ટિકલ 14 (કાયદા સમક્ષ સમાનતા) ના સિદ્ધાંત વિરુદ્ધ છે અને માત્ર એક ચોક્કસ સમુદાયને ટાર્ગેટ કરવા માટે બનાવવામાં આવી હોય તેમ જણાય છે. લિવ-ઈન રિલેશનશિપ સામે સામાજિક આક્રોશ બિલમાં લિવ-ઈન રિલેશનશિપની નોંધણી અને તેને કાનૂની માન્યતા આપવાની જોગવાઈ સામે પણ ભારે રોષ જોવા મળ્યો છે. અસલમ સાયકલવાલા અને અન્ય અગ્રણીઓએ આ જોગવાઈને 'વ્યભિચાર' સમાન ગણાવીને ભારતીય સંસ્કૃતિ તથા લગ્ન જેવી પવિત્ર સંસ્થા માટે ખતરો ગણાવી છે. આ જોગવાઈ સામાજિક માળખું તોડવાનો પ્રયાસ હોવાનો દાવો સમિતિ દ્વારા કરાયો છે. કાનૂની લડત અને ભવિષ્યની રણનીતિ મૌલાના ખાદીમ લાલપુરી અને એડવોકેટ મોહમ્મદ આરિફ અંસારીએ જણાવ્યું હતું કે, આ કાયદો 'અલ્ટ્રા વાયરસ' (સંવિધાન વિરુદ્ધ) છે. દેશના અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ કાયદાઓ હોવાથી રાષ્ટ્રીય સ્તરની એકરૂપતાનો અભાવ દેખાય છે. જો સરકાર આ બિલ પાછું નહીં ખેંચે, તો સમિતિ સત્ય અને અહિંસાના માર્ગે આંદોલન કરવાની સાથે વડી અદાલત અને સર્વોચ્ચ અદાલતમાં કાયદાકીય લડાઈ લડવા પણ મક્કમ છે.
Read Original Article →