માનવતા મહેકાઈ:સુરત: રસ્તામાં હાર્ટ અટેક આવતા બે યુવકો મદદ માટે આવ્યા અને સીપીઆર આપી જીવ બચાવ્યો
સુરતમાં માનવતાની એક જીવંત મિસાલ સામે આવી છે, જ્યાં અજાણ્યા યુવકોએ રસ્તા પર પોતાની બાઈક મૂકી એક અજાણ્યા વ્યક્તિનો જીવ બચાવવા માટે કારમાં જ મોઢાથી સીપીઆર આપવાનું શરૂ કર્યું હતું. ઉમરા બ્રિજ પર બનેલી આ ઘટનામાં હાર્ટ એટેક આવેલા પંકજ પરમારનું લગભગ 20 મિનિટ સુધી હ્રદય ધબકતું બંધ થઈ ગયું હતું, અને દરેક ક્ષણ જીવન અને મૃત્યુ વચ્ચેની જંગ બની ગઈ હતી. એક તરફ મિત્ર અમિત પટેલ ટ્રાફિક વચ્ચે સતત હોર્ન મારતા ઝડપથી કાર હોસ્પિટલ તરફ દોડાવી રહ્યા હતા, તો બીજી તરફ રસ્તામાં મળેલા યુવકો કારમાં જ સતત સીપીઆર આપીને જીવ બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં જોડાયેલા ડોક્ટર અને હોસ્પિટલમાં તૈયાર રહેલી ટીમ આ બધાના સંયુક્ત પ્રયાસોથી અંતે પંકજ પરમારને નવજીવન મળ્યું હતું. અમિત પટેલે જણાવ્યું કે તેઓ એક કાર્યક્રમમાં હતા ત્યારે પંકજ પરમારની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ હતી. તેઓ તરત જ પંકજને પોતાની કારમાં હોસ્પિટલ લઈ જવા નીકળી ગયા અને માર્ગમાં ડો. સંજય શાહને ફોન કરીને મદદ માટે બોલાવ્યા. પરંતુ ઉમરા બ્રિજ પાસે પહોંચતા પંકજ બેહોશ થઈ ગયા અને પરિસ્થિતિ વધુ ગંભીર બની ગઈ. આ સમયે અમિત પટેલ ગભરાયા છતાં હિંમત રાખીને સતત હોર્ન મારતા કાર ઝડપથી દોડાવતા રહ્યા. એ દરમિયાન ઉત્સવ મૈસુરિયા અને તેમના મિત્ર દેવ ટિકિટવાલા કાર પાસે પહોંચ્યા. પરિસ્થિતિ સમજતા જ તેઓ પોતાની બાઈક રસ્તા પર મૂકી કારમાં બેસી ગયા અને તરત જ પંકજને સીપીઆર આપવાનું શરૂ કર્યું. થોડી જ વા રમાં ડો. સંજય શાહ પણ કારમાં જોડાયા અને તેમણે છાતી પરથી સીપીઆર આપવાનું શરૂ કર્યું, જ્યારે ઉત્સવ અને તેમના મિત્ર મોઢાથી સીપીઆર આપી રહ્યા હતા. હોસ્પિટલ પહોંચતા પહેલા જ ડો. ગુંજનને જાણ કરી દેતાં હોસ્પિટલમાં ટીમ તૈયાર હતી.લગભગ 20 મિનિટ સુધી પંકજ પરમારનું હ્રદય બંધ રહ્યું હતું, છતાં રસ્તામાં મળેલા યુવકોની તાત્કાલિક મદદ, ડોક્ટરની સારવાર અને સમયસર હોસ્પિટલ પહોંચવાના કારણે તેમનો જીવ બચાવી શકાયો.આ સમગ્ર ઘટનાએ ફરી સાબિત કર્યું છે કે આજે પણ માનવતા જીવંત છે અને મુશ્કેલીના સમયે અજાણ્યો માણસ પણ સૌથી મોટો સહારો બની શકે છે. કાર સતત હોર્ન મારી રહી હતી તેથી અમે પાસે ગયા
‘હું મારા મિત્ર દેવ ટિકિટવાલા અને નિલેશ જયસ્વાલ સાથે બાઈક પર જઈ રહ્યો હતો. પાલ ઉમરા બ્રિજ પાસે એક કાર ચાલક સતત હોર્ન મારી રહ્યા હતા. મને કંઈક અજીબ લાગ્યું એટલે અમે કાર પાસે જઈને જોયું તો અંદર એક વ્યક્તિ બેહોશ હાલતમાં હતા અને તેમના મિત્રો તેમને ઉઠાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પરિસ્થિતિ ગંભીર હોવાનું સમજતા અમે તરત જ તેમને સીપીઆર આપવાનું શરૂ કર્યું. ત્યારબાદ તેમની તબિયત વધુ ખરાબ લાગતા અમે બાઈક રોડ પર જ મૂકી કારમાં બેસી ગયા અને હોસ્પિટલ પહોંચીએ ત્યાં સુધી તેમને મોઢાથી સીપીઆર આપતા રહ્યા. રસ્તામાં એક ડોક્ટર પણ કારમાં જોડાયા. અમે પંકજભાઈને ઓળખતા પણ નહોતા, પરંતુ તે સમયે એક જ વિચાર આવ્યો કે એક માણસનો જીવ બચાવવો સૌથી મોટું કામ છે. ભગવાને અમને એક માણસને બચાવવાનું કામ આપ્યું એવું મને લાગે છે.’> ઉત્સવ મૈસુરિયા
Read Original Article →