યુવક પરથી ટ્રેન અડધી મિનિટ સુધી ચાલતી રહી, CCTV:સુરત રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાં ચડવા જતાં મુસાફર પાટામાં ઘૂસી ગયો, હાજર લોકોને કંપારી છૂટી ગઈ
સુરત રેલવે સ્ટેશન પર આજે એક ચમત્કારિક ઘટના બની હતી, જેમાં મોતના મુખમાં ગયેલા એક મુસાફરને નવજીવન મળ્યું છે. ચાલુ ટ્રેને ચડવા જતા મુસાફર ટ્રેન નીચે પટકાતા અડધી મિનિટ સુધી ટ્રેન તેની ઉપરથી ચાલતી રહી હતી. આ હૃદયદ્રાવક દૃશ્યો સ્ટેશન પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે. CCTVમાં કેદ થયા રુંવાડા ઉભા કરી દેતા દૃશ્યો
સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે, જ્યારે ટ્રેન નંબર 09628 અજમેર સ્પેશિયલ ફેર એક્સપ્રેસ પ્લેટફોર્મ નંબર 1 પરથી રવાના થઈ રહી હતી, ત્યારે એક મુસાફરે દોડીને ટ્રેન પકડવાનો પ્રયાસ કર્યો હતો. સંતુલન ગુમાવવાને કારણે મુસાફર પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચેના ગેપમાં ખાબક્યો હતો. લગભગ અડધી મિનિટ સુધી ટ્રેન ચાલતી રહી હતી, જેના કારણે ત્યાં હાજર મુસાફરોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. ટ્રેન ઉભી રખાવી મુસાફરને બહાર કાઢ્યો
પ્લેટફોર્મ પર ફરજ બજાવતી સુરત રેલવે પોલીસની સર્વેલન્સ ટીમે આ ઘટના જોતા જ તાત્કાલિક સ્ફૂર્તિ બતાવી હતી. રેલવે જવાનોએ ત્વરિત ટ્રેન ઉભી રખાવી દીધી હતી અને ટ્રેન નીચે ફસાયેલા યુવકને અત્યંત સાવચેતીપૂર્વક બહાર કાઢ્યો હતો. યુવકનો આ ચમત્કારિક બચાવ જોઈને પ્લેટફોર્મ પર હાજર લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. ગભરાઈ ગયેલા યુવકને પોલીસનો માનવીય અભિગમ
ટ્રેન નીચેથી બહાર કાઢવામાં આવ્યા બાદ યુવક અતિશય ગભરાઈ ગયો હતો. પોલીસ ઇન્સ્પેક્ટર જે. બી. મીઠાપરા અને તેમની ટીમે યુવકને સાંત્વના આપી તેને શાંત કર્યો હતો. પ્રાથમિક તપાસ બાદ મુસાફર સુરક્ષિત હોવાનું જણાતા તેને તે જ ટ્રેનમાં બેસાડી આગળ રવાના કરવામાં આવ્યો હતો. રેલવે પોલીસની આ બહાદુરીના કારણે આજે એક પરિવારનો માળો વિખેરાતા બચી ગયો છે. આ પણ વાંચો…ભોપાલ સ્ટેશન પર ચાલુ ટ્રેનમાં ચડતી વખતે અકસ્માત, યુવક 5 સેકન્ડમાં 5 વાર ટ્રેન-પ્લેટફોર્મ વચ્ચે ઢસડાયો
Read Original Article →