વાહનચાલકની બોચી પકડી પોલીસકર્મીએ ગાળો કાઢી, VIDEO:સહારા દરવાજા પાસેનો વીડિયો વાઈરલ, ટ્રાફિક ACPએ તપાસ હાથ ધરી
સુરત શહેરમાં આકરી ગરમી અને બફારા વચ્ચે શહેરના ટ્રાફિક પોલીસ વિભાગની એક શરમજનક ઘટના સામે આવી છે. સહારા દરવાજા બ્રિજ નીચે ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટ પાસે આવેલી ટ્રાફિક પોલીસ ચોકી નજીક એક ટ્રાફિક પોલીસ કર્મચારી દ્વારા વાહનચાલક સાથે ગેરવર્તણૂક કરવામાં આવી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ટ્રાફિક પોલીસના જવાન વાહનચાલક સાથે ઉગ્ર બોલાચાલી કરી રહ્યા છે અને ત્યારબાદ ચાલકનો કોલર પકડીને તેમની સાથે અભદ્ર ભાષામાં ગાળાગાળી કરી રહ્યા છે. આ ઘટનાએ સુરત ટ્રાફિક પોલીસની છબી પર સવાલો ઉભા કર્યા છે. જાહેરમાં કોલર પકડી વાળ ખેંચ્યા અને ધક્કા-મુક્કી
વાયરલ થયેલા આ વીડિયોમાં ટ્રાફિક પોલીસ કર્મચારીનો રૌદ્ર અવતાર જોવા મળી રહ્યો છે. ટ્રાફિક પોલીસ જવાન માત્ર ગાળાગાળી જ નથી કરતા, પરંતુ વાહનચાલકના માથા પર હાથ વડે હળવો ધક્કો મારતા અને તેમના વાળ ખેંચતા પણ નજરે પડે છે. એટલું જ નહીં, ટ્રાફિક પોલીસ કર્મચારીએ બાઈકમાંથી ચાવી કાઢી લીધી હતી અને ચાલકને ધક્કા મારીને પોલીસ ચોકી તરફ લઈ જતા હોવાનું પણ વીડિયોમાં કેદ થયું છે. જાહેરમાં એક નાગરિક સાથે પોલીસ દ્વારા કરવામાં આવેલી આ પ્રકારની હિંસક અને અસભ્ય વર્તણૂકને લઈને સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર આક્રોશ અને પોલીસ વિભાગની પ્રતિક્રિયા
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ લોકોએ પોલીસની કામગીરી સામે આકરા પ્રહારો કર્યા છે. યુઝર્સ એવી માંગ કરી રહ્યા છે કે કાયદાનું રક્ષણ કરનાર જ્યારે પોતે જ કાયદો હાથમાં લે, ત્યારે તેમની સામે કડક પગલાં લેવાવા જોઈએ. આ સમગ્ર મામલો પ્રકાશમાં આવતા જ ઉચ્ચ અધિકારીઓ હરકતમાં આવ્યા છે. ટ્રાફિક એસીપી વિમલ ગામીતે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, "અમને સોશિયલ મીડિયાના માધ્યમથી આ વાયરલ વીડિયો અંગે જાણકારી મળી છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સઘન તપાસ શરૂ કરવામાં આવી છે અને દોષિત કર્મચારી સામે યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે."
Read Original Article →