સુરતમાં કાપડ વેપારી સાથે દસ્તાવેજના નામે છેતરપિંડી:4 બેંકમાં ખાતા ખોલી 5 કરોડના ટ્રાન્જેક્શન, ઇન્કમટેક્સ ઓડિટમાં ભાંડો ફૂટ્યો, ફરિયાદીની સહી બદલી પાનકાર્ડનો બોગસ ઉપયોગ કર્યો
સુરતના કામરેજ વિસ્તારમાં રહેતા અને કીમમાં કાપડનો મોટો વ્યવસાય કરતા વેપારી દિનેશભાઈ વસોયા સાથે એક છેતરપિંડીની ઘટના સામે આવી છે. જમીનના દસ્તાવેજ કરવાના બહાને મેળવેલા અંગત સરકારી દસ્તાવેજોનો દુરુપયોગ કરીને એક રીતસરનું આર્થિક કૌભાંડ આચરવામાં આવ્યું છે. આ મામલામાં મુખ્ય ફરિયાદી દિનેશભાઈ વસોયા (ઉંમર 53 વર્ષ) છે, જેઓ લાંબા સમયથી ટેક્સટાઈલ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. આરોપી વિપુલ ભાદાણીએ ફરિયાદીની સંપૂર્ણ અજાણતામાં, તેમના જ દસ્તાવેજોના આધારે અલગ-અલગ ચાર જાણીતી બેંકોમાં બોગસ ખાતાઓ ખોલાવી દીધા હતા. આ ખાતાઓ મારફતે માત્ર 1 વર્ષના ટૂંકા ગાળામાં અંદાજે 5 કરોડ રૂપિયા જેટલી માતબર રકમના શંકાસ્પદ આર્થિક વ્યવહારો એટલે કે ટ્રાન્જેક્શન્સ કરી નાખવામાં આવ્યા હતા. આ કૌભાંડ સામે આવતા જ વેપારી જગતમાં ખળભળાટ મચી ગયો છે અને સમગ્ર મામલો વરાછા પોલીસ મથકે પહોંચ્યો છે. અવંતિકાપુરી સોસાયટીમાં રહેતા ફરિયાદી દિનેશ વસોયા કીમ ખાતે આવેલ નવાપુરા ઈન્ડસ્ટ્રીયલમાં 'વર્ષા ટેક્ષ' નામે કાપડની પેઢી ચલાવે છે. આરોપી વિપુલ મનસુખ ભાદાણી (ઉંમર 48 વર્ષ, રહે. સંતોકબા સોસાયટી, વરાછા) ઓનલાઈન બિઝનેસ સાથે સંકળાયેલો છે. આ બંને વ્યક્તિઓ છેલ્લા 20 વર્ષથી એકબીજાના પરિચયમાં હતા. અગાઉના સમયમાં ધંધાકીય જરૂરિયાત માટે દિનેશભાઈએ વિપુલ ભાદાણી પાસેથી કેટલીક આર્થિક મદદ લીધી હતી. જો કે, સમયસર આ ઉધારી નાણાંની ચુકવણી ન થઈ શકવાને કારણે, દિનેશભાઈએ પરસ્પર સમજૂતીના ભાગરૂપે રાજકોટ ખાતે આવેલી પોતાની 1 એકર કિંમતી જમીન વિપુલના નામે લખી આપવાનું નક્કી કર્યું હતું. આ જમીનનો વિધિવત દસ્તાવેજ કરવા માટે વર્ષ 2022માં બંને વચ્ચે મુલાકાત થઈ હતી અને અહીંથી જ આ આખા ગુનાહિત કાવતરાની શરૂઆત થઈ હતી. દસ્તાવેજો મેળવી આચરાયું સુનિયોજિત કાવતરું
રાજકોટની જમીનનો સત્તાવાર દસ્તાવેજ કરવાના બહાને આરોપી વિપુલ ભાદાણીએ દિનેશ વસોયા પાસેથી તેમના ઓળખકાર્ડ અને બેંકની વિગતો મેળવી હતી. જેમાં આધાર કાર્ડ, પાન કાર્ડ અને બેંક એકાઉન્ટની ડિટેઈલ્સ જેવા અત્યંત સંવેદનશીલ પુરાવાઓ સામેલ હતા. વિપુલે આ દસ્તાવેજો મૂળ કામ માટે વાપરવાને બદલે એક મોટું આર્થિક કૌભાંડ રચવા માટે વાપર્યા હતા. તેણે દિનેશ વસોયાના પાનકાર્ડમાં રહેલી મૂળ સહીમાં ડિજિટલ રીતે કે અન્ય કોઈ રીતે સુધારો-વધારો કરી દીધો હતો. પાનકાર્ડની આ સુધારેલી બોગસ નકલ અને સહીનો ઉપયોગ કરીને તેણે સુરતના અલગ-અલગ વિસ્તારોમાં આવેલી 4 બેંકોનો સંપર્ક કર્યો હતો અને વેપારીના નામે નકલી સહીઓ કરીને નવા બેંક ખાતાઓ ખોલાવી લીધા હતા. શહેરની ચાર નામાંકિત બેંકોમાં બોગસ ખાતા
તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, આરોપીએ શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલી બેંકોને નિશાન બનાવી હતી. તેણે ઉધના ખાતે આવેલી સ્મોલ ફાયનાન્સ બેંક, અડાજણ સ્થિત એયુ સ્મોલ ફાયનાન્સ બેંક, વરાછાની આઈડીએફસી બેંક અને રીંગરોડ પર આવેલી બંધન બેંકમાં દિનેશ વસોયાના નામના ખાતા ખોલાવ્યા હતા. નવાઈની વાત એ છે કે આ ચારેય ખાતાઓ કાર્યરત થઈ ગયા બાદ, આરોપીએ તેના ઓનલાઈન વેપારના વ્યવહારો આ ખાતાઓમાં ડાયવર્ટ કરવાનું શરૂ કર્યું હતું. 1 વર્ષ દરમિયાન આ ચારેય બેંક ખાતાઓમાં થઈને કુલ 5 કરોડ રૂપિયાનું ટર્નઓવર થઈ ગયું, જેની અસલી ખાતાધારક દિનેશભાઈને કાનોકાન ખબર પણ નહોતી. બેંક કર્મચારીઓની બેદરકારી અને શંકાસ્પદ ભૂમિકા
આ સમગ્ર પ્રકરણમાં માત્ર આરોપી વિપુલ ભાદાણી જ નહીં, પરંતુ બેંકના જવાબદાર કર્મચારીઓ સામે પણ ગંભીર સવાલો ઉભા થયા છે. ફરિયાદી દિનેશ વસોયાએ આક્ષેપ કર્યો છે કે બેંકના નિયમો (KYC)નું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. કોઈપણ વ્યક્તિનું ખાતું ખોલતા પહેલા બેંક દ્વારા ઓરિજિનલ દસ્તાવેજોની ચકાસણી, ફિઝિકલ વેરિફિકેશન અથવા લાઈવ ફોટોગ્રાફ જેવી પ્રક્રિયાઓ ફરજિયાત કરવાની હોય છે. આ કિસ્સામાં અસલી વ્યક્તિ હાજર ન હોવા છતાં અને સહીઓમાં ફેરફાર હોવા છતાં, બેંક કર્મચારીઓએ કોઈપણ યોગ્ય ખરાઈ કર્યા વિના જ ખાતા ખોલી આપ્યા હતા. આથી બેંક સ્ટાફની મિલીભગત કે ઘોર બેદરકારી અંગે પણ પોલીસ તપાસ ચાલી રહી છે. ઇન્કમટેક્સ ઓડિટ દરમિયાન ભાંડો ફૂટ્યો
આ કરોડોની ઠગાઈનો ભાંડો ગત ઓક્ટોબર 2025 માં દિવાળીના તહેવારો દરમિયાન ફૂટ્યો હતો. દિનેશ વસોયાના સીએ જ્યારે તેમની મુખ્ય પેઢી 'વર્ષા ટેક્ષ'નું વાર્ષિક ઇન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરવા માટે ઓડિટ કરી રહ્યા હતા, ત્યારે સરકારી પોર્ટલ પર સ્મોલ ફાઈનાન્સ બેંક, એયુ સ્મોલ ફાયનાન્સ બેંક અને આઈડીએફસી બેંકના કેટલાક અજાણ્યા નાણાકીય વ્યવહારો દેખાયા હતા. સીએ દ્વારા તાત્કાલિક દિનેશભાઈ પાસે આ બેંકોના સ્ટેટમેન્ટ માંગવામાં આવ્યા હતા. દિનેશભાઈએ આશ્ચર્ય સાથે જણાવ્યું કે આ બેંકોમાં તેમનું કોઈ ખાતું જ નથી. પેટમાં ફાળ પડતા જ તેઓ તાત્કાલિક સંબંધિત બેંકોની શાખા પર દોડી ગયા હતા, જ્યાં સ્ટેટમેન્ટ જોતા જ તેમના હોશ ઊડી ગયા હતા કારણ કે તેમના નામે 5 કરોડ રૂપિયા ફરી રહ્યા હતા. આરોપીની કબૂલાત અને ટેક્સ ભરવાની લાલચ
દિનેશભાઈના સીએ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ 5 કરોડના ટ્રાન્જેક્શનના કારણે તેમના પર કરોડો રૂપિયાનું ઇન્કમટેક્સનું ભારે ભારણ (ટેક્સ લાયબિલિટી) અને પેનલ્ટી આવી શકે છે. આ દરમિયાન કૌભાંડ પકડાઈ ગયું હોવાની ગંધ આવી જતાં આરોપી વિપુલ ભાદાણીએ તાત્કાલિક દિનેશ વસોયાનો સંપર્ક કર્યો હતો. તેણે પોતાનો ગુનો કબૂલતા વસોયાને જણાવ્યું હતું કે, "મને ધંધામાં રૂપિયાની સખત જરૂરિયાત હોવાથી મેં તમારી જાણ બહાર તમારા પાનકાર્ડમાં સુધારો કરીને ખાતા ખોલાવ્યા હતા." વિપુલે મામલો થાળે પાડવા માટે એવી લાલચ પણ આપી હતી કે આ ટ્રાન્જેક્શન પર જે પણ ઇન્કમટેક્સ કે દંડ આવશે, તે તમામ રકમ તે પોતે ભરી દેશે. જો કે, કાયદાકીય ગૂંચવણો અને આટલી મોટી છેતરપિંડીથી ગભરાયેલા વેપારીએ તેની વાત ન માની. પોલીસ ફરિયાદ અને કડક કાનૂની કાર્યવાહીની માંગ
અંતે, પોતાની સાથે થયેલા આ વિશ્વાસઘાત અને આર્થિક ગુના અંગે દિનેશ વસોયાએ વરાછા પોલીસ મથકમાં વિપુલ મનસુખ ભાદાણી વિરૂદ્ધ સત્તાવાર નામજોગ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલાને અત્યંત ગંભીરતાથી લઈને આઈપીસી અને આઈટી એક્ટ ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસ હાલમાં એ દિશામાં તપાસ કરી રહી છે કે આ 5 કરોડ રૂપિયા ક્યાંથી આવ્યા હતા અને ક્યાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ સાથે જ કઈ કઈ બેંકના કયા કર્મચારીઓએ આ બોગસ ખાતા ખોલવામાં મદદ કરી હતી, તેની પણ કડક પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં આ આર્થિક રેકેટનો પર્દાફાશ થાય તેવી પૂરેપૂરી શક્યતા છે.
Read Original Article →