સુરતના શેર ટ્રેડરને રિસોર્ટ પ્રોજેક્ટમાં રોકાણ કરવું ભારે પડ્યું:રિસોકા રિસોર્ટ અને જલસા બારમાં ભાગીદારી ઓફર કરી 13 કરોડ પડાવ્યા, પાંચમાંથી ત્રણ આરોપીની ધરપકડ

Gujarat5/22/2026, 2:14:53 PM
સુરતના શેર ટ્રેડરને રિસોર્ટ પ્રોજેક્ટમાં રોકાણ કરવું ભારે પડ્યું:રિસોકા રિસોર્ટ અને જલસા બારમાં ભાગીદારી ઓફર કરી 13 કરોડ પડાવ્યા, પાંચમાંથી ત્રણ આરોપીની ધરપકડ
તાપી જિલ્લાને અડીને આવેલા મહારાષ્ટ્રના નવાપુર તાલુકાના લક્કડકોટ ખાતે ‘રિસોકા હિલ રિસોર્ટ એન્ડ એડવેન્ચર પાર્ક’ તેમજ ‘જલસા બાર એન્ડ રેસ્ટોરેન્ટ’ પ્રોજેક્ટમાં રોકાણકારો પાસેથી કરોડો રૂપિયા પડાવ્યા બાદ રાતોરાત ભાગીદારી પેઢીમાંથી હાંકી કાઢી વિશ્વાસઘાત કરી 13 કરોડની છેતરપિંડી કરવામાં આવી છે. આ મામલે શેર ટ્રેડિંગના વ્યવસાય સાથે સંકળાયેલા સુરતના ચંદ્રેશ જયંતિલાલ લાકડાવાલાની ઇકો સેલ (Eco Cell) ખાતેની અરજી કરી હતી. જેના આધારે સલાબતપુરા પોલીસ મથકે પાંચ આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે, જે અંતર્ગત પોલીસે મુખ્ય આરોપી સહિત પરિવારના ત્રણ સભ્યોની ધરપકડ કરી લીધી છે. આજે આરોપીઓને સુરત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને સાત દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા, પરંતુ કોર્ટે રિમાન્ડ ના મંજૂર કર્યા છે. 2019માં ખુશવંત પટેલ સાથે સંપર્ક થયો મળતી માહિતી અનુસાર, સુરતના અડાજણ ખાતે આવેલા વાડીયા નગરમાં રહેતા અને શેર ટ્રેડિંગનો વ્યવસાય કરતા 55 વર્ષીય ચંદ્રેશ જયંતિલાલ લાકડાવાલાનો સંપર્ક વર્ષ 2019માં રાંદેરના તાડવાડી ખાતે રહેતા ખુશવંત રેવાશંકર પટેલ સાથે થયો હતો. ખુશવંત પટેલે ચંદ્રેશભાઈને રિંગરોડ પર આવેલા વર્લ્ડ ટ્રેડ સેન્ટર ખાતેની પોતાની ઓફિસે બોલાવ્યા હતા. ત્યાં ખુશવંત પટેલ, પુનિતા પટેલ અને સ્મીત ખુશવંત પટેલે ચંદ્રેશભાઈને લક્કડકોટ ખાતે આયોજિત થઈ રહેલા 'રિસોકા હિલ રિસોર્ટ એન્ડ એડવેન્ચર પાર્ક' તથા 'જલસા બાર એન્ડ રેસ્ટોરેન્ટ' પ્રોજેક્ટની માહિતી આપી હતી. પ્રોજેક્ટમાં સારા નફાની લાલચે ભાગીદારી કરી ખુશવંત પટેલે જણાવ્યું હતું કે, આ જગ્યા ખાણી-પીણીના શોખીનો માટે ખૂબ જ મોકાની છે અને લક્કડકોટમાં તેમના નામે સર્વે નં.57/એ, 57/બી તથા બ્લોક નં. 54/1/બીથી નોંધાયેલી જમીન પણ આવેલી છે. પ્રોજેક્ટમાં સારા નફાની લાલચ જાગતાં ચંદ્રેશ લાકડાવાલાએ ભાગીદારીમાં ધંધો કરવા સહમતિ આપી હતી. ત્યારબાદ રાંદેરના ખુશવંત પટેલ, સ્મીત ખુશવંત પટેલ તથા લક્કડકોટના રહેવાસી ભરત બાબુરાવ ગાવિત અને યશવંત બાબુરાવ શિરસાદ સહિતના અન્ય ભાગીદારો વચ્ચે વિધિવત પાર્ટનરશીપ ડીડી કરવામાં આવી હતી. પુત્રના નામે રિસોર્ટ પ્રોજેક્ટમાં 1.24 કરોડનું રોકાણ કર્યું ભાગીદાર કરાર મુજબ, તમામ ભાગીદારોએ પોતપોતાની ટકાવારી પ્રમાણે રોકાણ કરવાનું નક્કી કર્યું હતું. જે અંતર્ગત ચંદ્રેશ લાકડાવાલાએ પોતાના પુત્ર રોનિશના નામે રિસોર્ટ પ્રોજેક્ટમાં રૂપિયા 1.24 કરોડનું રોકાણ કર્યું હતું. જલસા બાર એન્ડ રેસ્ટોરેન્ટ્સમાં રૂપિયા 14 લાખનું રોકાણ કર્યું હતું. આમ તેમની કૂલ રોકાણ રકમ રૂપિયા 1.38 કરોડ સુધી પહોંચી હતી. આ ઉપરાંત આરોપીઓના વિશ્વાસમાં આવી ચંદ્રેશભાઈએ તેમના પરિવારજનો અને પરિચિત સભ્યો પાસેથી પણ અંદાજે રૂપિયા 5.25 કરોડ જેટલી માતબર રકમનું રોકાણ કરાવ્યું હતું. હિસાબ અંગે પૂછતા આરોપીએ અસલી રંગ બતાવ્યો અન્ય એક ભાગીદાર પ્રવિણ પરમાર પાસેથી પણ રૂપિયા 75 લાખનું રોકાણ મેળવવામાં આવ્યું હતું. સમગ્ર પ્રોજેક્ટમાં અંદાજે રૂપિયા 5.50 કરોડથી વધુનું રોકાણ કરવામાં આવ્યું હતું. બંને પ્રોજેક્ટ કાર્યરત થઈ ગયા બાદ પ્રારંભિક તબક્કામાં ભાગીદારોને નિયમિત વળતર ચૂકવવામાં આવ્યું હતું. જેથી રોકાણકારોનો વિશ્વાસ જળવાઈ રહે. પરંતુ થોડા સમય બાદ ભોગ બનનાર ભાગીદારો દ્વારા હિસાબ અંગે પૂછવામાં આવતા આરોપી ટોળકીએ કોઈપણ પ્રકારની જાણકારી આપી ન હતી. છેલ્લા ઘણા સમયથી રોનિશ લાકડાવાલા સહિતના રોકાણકારો દ્વારા પૈસાની ઉઘરાણી શરૂ કરવામાં આવતા જ આોપીઓએ પોતાનો અસલી રંગ બતાવ્યો હતો. પાંચ આરોપીઓ વિરૂદ્ધ ગુનો દાખલ કરાયો રોકાણકારોને વળતર કે મૂળ રકમ પરત આપવાના બદલે આરોપીઓએ વિશ્વાસઘાત કર્યો હતો. ભોગ બનનાર ચંદ્રેશ લાકડાવાલા દ્વારા આ સમગ્ર મામલે ઇકો સેલમાં રોકાણ અને નફા સહિત કૂલ 12.63 કરોડ રૂપિયાના વિશ્વાસઘાતની અરજી કરવામાં આવી હતી. આ અરજીની વિસ્તૃત તપાસના અંતે આખરે સલાબતપુરા પોલીસ મથકમાં પાંચ મુખ્ય આરોપીઓ વિરૂદ્ધ વિશ્વાસઘાત અને ઠગાઈની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગુનામાં સંડોવાલેયા આરોપીઓ ભરત ગાવિત અને યશવંત શિરસાદ પાર્ટનર તરીકે જોડાયા ભોગ બનનાર ચંદ્રેશ લાકડાવાલાએ જણાવ્યું હતું કે, વર્ષ 2029 અને 20માં ખુશવંત રેવાશંકર પટેલ મારી ઓફિસે આવ્યા હતા. તેમણે મને આ પ્રોજેક્ટમાં રોકાણ કરવાની લાલચ આપી હતી. એમાં બહુ સારો નફો મળશે એ રીતે ઇન્વેસ્ટ કરવા કહ્યું હતું અને એમાં પૈસા રોકવા હું એટલા માટે તૈયાર થયો હતો કે, એ રિસોર્ટ સાથે બાર એન્ડ એડવેન્ચર પાર્કને બધુ હતું. બારની પરમિશન લાવીને અમે બધુ કમ્પ્લીટ કર્યું હતું, ત્યાર બાદ ભરત ગાવિત અને યશવંત શિરસાદ આ બંને પણ અમારી સાથે પાર્ટનરમાં જોડાયા હતા. આ લોકોએ 13 કરોડની છેતરપિંડી કરી છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ત્યારબાદ અમે ધંધો સ્ટાર્ટ કર્યો તેનો આજ સુધી આ લોકોએ કોઈ નપો આપ્યો નથી. કોઈ અમને અમારી કેપિટલ આપી નથી અને જે બારનું જલસા બાર નામ હતું તે પણ બદલી કાઢ્યું હતું. એનો જીએસટી નંબર પણ બદલી નાખ્યો અને બીજા નામથી એ લોકોએ ધંધો ચાલુ કરી દીધો હતો. આ લોકોએ સાડા 12થી 13 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે. ભાગીદારો તરફથી વળતર મળવાનું બંધ થઈ ગયું હતું ઇકો સેલના એસીપી જીએ સરવૈયાએ જણાવ્યું હતું કે, ચંદ્રેશ લાકડાવાલાએ આ રોકાણ કર્યા બાદ તેમના અન્ય ભાગીદારો તરફથી કોઈપણ પ્રકારનું વળતર વગેરે મળવાનું બંધ થઈ ગયું હતું. આ અનુસંધાને તેઓએ એમના ભાગીદાર સાથે વાત કરી અને જે કંઈ પોતાનું રોકાણ મુજબનું વળતર હોય, પ્રોફિટ હોય એ આપવા માટે જણાવ્યું હતું. ખુશવંત પટેલ અને તેમના પરિવારના બે સભ્યોની ધરપકડ વધુમાં તેમણે જણાવ્યું હતું કે, તેમના અન્ય ભાગીદારોએ કોઈપણ પ્રકારનો રિસ્પોન્સ આપ્યો નહીં અને કોઈપણ પ્રકારનો નફો કે વળતર આપતા નથી. તેઓએ ઇકો સેલમાં ફરિયાદ કરી હતી. જેને લઈને સલાબતપુરા ખાતે ગુનો નોંધી આરોપી વિરૂધ તપાસ કરતા આરોપીઓ ખુશવંત પટેલ અને અન્ય તેમના પરિવારના બે સભ્યોની અમે ધરપકડ કરી છે. તેના પત્નીની પણ ધરપકડ કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી ચાલુ છે. જલસા બારનો જીએસટી નંબર બદલી નાખવામાં આવ્યો ફરિયાદીના વકીલ કેતન રેશમવાલાએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં રોસિકા એડવેન્ચર પાર્ક અને જલસા બારના ભાગીદારોએ સુરતમાં રહેતા ચંદ્રેશ લાકડાવાલા તથા અન્ય ભોગ બનનારા પાસેથી નફો આપવાનું પ્રલોભન આપી મોટી માતબર રકમ રોકાણ પેટે મેળવી હતી. આ રકમનો આજદિન સુધી કોઈ નફો આપવામાં આવ્યો નથી. આ ઉપરાંત જે રકમનું રોકાણ કર્યું હતું તેને પરત આપવાની પણ કોઈ તૈયારી દર્શાવી નથી. હાલમાં છેલ્લા કેટલાક સમયથી જલસા બારનો જીએસટી નંબર બદલી નાખવામાં આવ્યો છે. કોર્ટે આરોપીઓના રિમાન્ડ ના મંજૂર કર્યા જલસા બારનું બોર્ડ બદલી નાખવામાં આવ્યું છે અને પ્રોપર્ટી પોતે એક્વાયર કરી લીધી હોય એ રીતનું વર્તન કરવામાં આવ્યું છે. આ લોકોને કોઈપણ મૂડી કે નફાની રકમ ન આપી ફરિયાદી સાથે અન્ય ભોગ બનનારાઓ સાથે 13 કરોડ રૂપિયા જેટલી વિશ્વાતઘાત અને છેતરપિંડી કરી છે. કોર્ટે રિમાન્ડ ના મંજૂર કર્યા છે.
Read Original Article →