40 સેકન્ડ સુધી 3 કૂતરાએ બચકાં ભર્યા, 10 ફૂટ ઢસડ્યો:સુરતમાં માસૂમ બાળક પર તૂટી પડ્યા, હચમચાવતા CCTV; ખતરનાક કૂતરાઓને ક્યારે મારશે ઝેરનું ઇન્જેક્શન?

Gujarat5/25/2026, 8:23:31 AM
40 સેકન્ડ સુધી 3 કૂતરાએ બચકાં ભર્યા, 10 ફૂટ ઢસડ્યો:સુરતમાં માસૂમ બાળક પર તૂટી પડ્યા, હચમચાવતા CCTV; ખતરનાક કૂતરાઓને ક્યારે મારશે ઝેરનું ઇન્જેક્શન?
સુપ્રીમ કોર્ટે 19 મેના રોજ કહ્યું કે ખતરનાક અને બીમાર કૂતરાઓને ઇન્જેક્શન આપીને મારી શકાય છે. માનવ જીવનનું રક્ષણ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. કોઈપણ અધિકારી જે નિર્દેશનું ઉલ્લંઘન કરે છે તેના પર અવમાનનોનો કેસ ચલાવવો જોઈએ. સુરત શહેરમાં છેલ્લા ઘણાં સમયથી ખતરનાક કૂતરાઓનો ત્રાસ છે. તેમાં પણ આજે તેનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. 24મેના રોજ રિંગ રોડ વિસ્તારમાં આવેલી બેગમવાડીની પ્રખ્યાત તિરૂપતિ માર્કેટના પાર્કિંગમાં એક માસૂમ બાળક પર રખડતા શ્વાનોના ટોળાએ જીવલેણ હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટના માર્કેટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના ફૂટેજ જોઈને કોઈપણ ધ્રુજી ઊઠે તેમ છે. જેમાં જઈ શકાય છે કે, ત્રણ શ્વાન બાળકને 40 સેકન્ડ સુધી બચકા ભરીને ઢસડી રહ્યાં છે. આજ દિવસે કોટ વિસ્તારના રોહિત મોહલ્લામાં બકરી-ઈદ માટે લાવેલા ત્રણ બકરાનો શ્વાનો શિકાર કરતા લોકોમાં ડરની સાથે રોષ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, સુરત શહેરમાં છેલ્લા એક અઠવાડિયામાં ડોગ બાઈટની 6 ઘટના સામે આવી છે. સુપ્રીલ કોર્ટના વકડ વલણ બાદ પણ સુરત કોર્પોરેશનનું તંત્ર ઊંઘમાં જોવા મળી રહ્યું છે. 40 સેકન્ડ સુધી કૂતરા બચકાં ભરતા રહ્યા, 10 ફૂટ ઢસડ્યો તિરૂપતિ માર્કેટના સીસીટીવી ફૂટેજ અનુસાર, માસૂમ બાળક માર્કેટના પાર્કિંગ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે અચાનક ત્રણ જેટલા હિંસક રખડતા શ્વાનોએ તેના પર તરાપ મારી હતી. શ્વાનોએ બાળકને નીચે પાડી દીધું હતું અને તેને બચકાં ભરવાનું શરૂ કર્યું હતું. આ ક્રૂર હુમલા દરમિયાન શ્વાનો માસૂમને અંદાજે 10 ફૂટ સુધી રસ્તા પર ઢસડી ગયા હતા. અસહાય બાળક પોતાની જાતને બચાવવા તરફડિયાં મારી રહ્યું હતું અને શ્વાનો તેને સતત 40 સેકન્ડ સુધી ફાડી ખાવાનો પ્રયાસ કરતા રહ્યા હતા. લોકો દોડી આવતા બાળકનો જીવ બચ્યો, હોસ્પિટલ ખસેડાયો બાળકની ચીસાચીસ અને શ્વાનનો ભસવાનો અવાજ સાંભળીને આસપાસના વેપારીઓ અને ત્યાં હાજર લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લોકોએ લાકડીઓ અને પથ્થર મારીને હિંસક બનેલા શ્વાનોને ત્યાંથી ભગાડ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં બાળકને શ્વાનોના મોંમાંથી છોડાવ્યું હતું. હુમલામાં બાળકને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે. અગાઉ પણ ફરિયાદો થઈ હતી, છતાં તંત્ર ઘોર નિદ્રામાં સ્થાનિક વેપારીઓ અને લોકોના જણાવ્યા અનુસાર, તિરૂપતિ માર્કેટ અને તેની આસપાસના વિસ્તારોમાં લાંબા સમયથી રખડતા કૂતરાઓનો ભારે ત્રાસ છે. અહીં અવારનવાર કૂતરાઓના ટોળાં આતંક મચાવે છે, જે અંગે સુરત મહાનગરપાલિકાના સંબંધિત વિભાગને અગાઉ પણ અનેકવાર મૌખિક અને લેખિત ફરિયાદો કરવામાં આવી હતી. આમ છતાં તંત્ર દ્વારા કોઈ યોગ્ય કે નક્કર કાર્યવાહી કરવામાં આવી નહોતી, જેના પરિણામે આજે આ માસૂમ બાળક તેનો ભોગ બન્યું છે. બીજી ઘટનાઃ રામપુરામાં પણ કૂતરાએ ત્રણ બકરાનો શિકાર કર્યો કોટ વિસ્તારમાં આવેલા રામપુરા ખાતે આવેલ રોહિત મોહલ્લામાં સુફી મદ્રેસા પાસે મુસ્લિમ પરિવાર બકરી-ઈદને પગલે કુરબાની માટે ત્રણ બકરા લાવ્યા હતા. જો કે, 24મેની મોડીરાતે શ્વાનોનાં ટોળાએ ત્રણેય બકરા પર હુમલો કરી ફાડી ખાધા છે. ઘટના અંગે જાણ થતાં જ આસપાસનાં રહેવાસીઓમાં પણ ભારે ચકચાર મચી જવા પામી છે. સુપ્રિમ કોર્ટની સ્પષ્ટ ગાઈડ લાઈન હોવા છતાં સુરત મહાનગર પાલિકા રખડતાં શ્વાનો પર કાબુ મેળવવામાં ધરાર નિષ્ફળ સાબિત થઈ રહી હોય તેમ ફલિત થઈ રહ્યું છે. ત્યારે આ પ્રકારની ઘટનાને કારણે હવે શહેરમાં માસુમ બાળકોથી માંડીને પશુઓ પણ શ્વાનનાં આતંકનો ભોગ બની રહ્યા હોવાને કારણે લોકોમાં મનપાની કામગીરી સામે પણ ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. શ્વાન કરડવામાં પણ સુરત નંબર વન આવશેઃ અસલમ સાયકલવાલા કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાલાએ તંત્રની કામગીરી સામે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, સુરત શહેરમાં દિન-પ્રતિદિન શ્વાન કરડવાના અસંખ્ય બનાવ બની રહ્યા છે. આજે પણ રિંગ રોડ વિસ્તારના સીસીટીવી વાઇરલ થયા છે, એના પરથી એવુ લાગે છે કે સુરત શહેર, હવે જે સ્વચ્છ સુરત કહેવાતું હતું, એ શ્વાન કરડવામાં પણ નંબર વન આવી શકે છે. મનપા તંત્રે જે પ્રમાણે એમાં કામગીરી કરવી જોઈએ, એમાં સાવ નબળા અને નિષ્ફળ પુરવાર થયા છે. આ પણ વાંચો….ઘોડદોડ-કડોદરામાં બે બાળક પર શ્વાનનો હુમલો; 4 દિ’માં 4 ઘટના ઓનલાઇન ફરિયાદનું પણ પાંચ દિવસ સુધી નિરાકરણ આવતું નથી વધુમાં અસલમ સાયકલવાલાએ ઉમેર્યું કે, મનપા કમિશનર એમ. નાગરાજન ભલે લોકોને અને મીડિયા સમક્ષ કહેતા હોય કે, અમારું તંત્ર આ બાબતને ખૂબ ગંભીરતાથી લઈ રહ્યું છે, પરંતુ શ્વાન કરડવાની બાબતમાં કે રખડતા શ્વાન બાબતની ઓનલાઇન ફરિયાદમાં પણ 24 કલાક અને 28 કલાક તો દૂર, પાંચ-પાંચ દિવસ સુધી એનું કોઈ નિરાકરણ થતું નથી કે જે એનું કાયમી સોલ્યુશન આવવું જોઈએ એ થતું નથી, એ શાસકોની અને વહીવટી તંત્રની નિષ્ફળતા પુરવાર કરે છે.
Read Original Article →