સુરતમાં પેટ્રોલ-ડીઝલના ભાવવધારા અને અછતથી ટ્રાન્સપોર્ટેશન ખોરવાયું:માલસામાનના ભાડામાં 10% વધારાની પૂરતી શક્યતા, દૈનિક ટ્રકોની સંખ્યા 400થી ઘટીને 90 થઈ
વૈશ્વિક સ્તરે ચાલી રહેલી યુદ્ધની સ્થિતિ અને સ્થાનિક બજારમાં ઇંધણના ભાવમાં અચાનક થયેલા ભાવ વધારાના કારણે ટેક્સટાઇલ હબ સુરતના કાપડ ઉદ્યોગના પરિવહન ઉદ્યોગ પર અત્યંત ગંભીર અસર જોવા મળી રહી છે. અનેક પેટ્રોલ પંપો પર ઇંધણની અછત જોવા મળી છે. પૂરતા પ્રમાણમાં ડીઝલ ન મળવાના કારણે સુરતથી દેશના અન્ય રાજ્યોમાં ટેક્સટાઇલ માલસામાન વહન કરતી સેંકડો ટ્રકોના પૈડાં થંભી ગયા છે. જેની સીધી અને નકારાત્મક અસર શહેરના અબજો રૂપિયાના કાપડ ઉદ્યોગ પર પડી રહી છે. સ્થાનિક ગ્રાઉન્ડ રિપોર્ટ અનુસાર, સુરત અને તેની આસપાસના રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર અત્યારે અનેક માલવાહક વાહનો ઇંધણ વિના અટવાયેલા પડ્યા છે. કેટલાક પ્રમુખ પેટ્રોલ પંપો પર 'ડીઝલ નથી' ના બોર્ડ મારી દેવામાં આવ્યા છે, જેના કારણે લાંબા અંતરની સફર પર નીકળેલી ટ્રકો અધવચ્ચે જ ઉભી રાખવાની નોબત આવી છે. ટ્રાન્સપોર્ટ ઓપરેટરો અને ડ્રાઇવરો કલાકો સુધી લાઈનોમાં ઉભા રહેવા છતાં તેમને મર્યાદિત જથ્થામાં જ ડીઝલ આપવામાં આવી રહ્યું છે. આ પરિસ્થિતિને કારણે જે માલસામાન સમયસર નિર્ધારિત સ્થળે પહોંચવો જોઈતો હતો, તે દિવસો સુધી રસ્તા પર જ અટકેલો પડ્યો છે, જેનાથી વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. દૈનિક ટ્રકોની સંખ્યા 400થી ઘટીને 90 થઈ
સુરત ટેક્સટાઈલ ગુડ્સ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના સત્તાવાર આંકડાઓ દેશના આ સૌથી મોટા કાપડ બજારની વર્તમાન પરિસ્થિતિનો ચિંતાજનક ચિતાર રજૂ કરે છે. સામાન્ય દિવસોમાં અથવા એપ્રિલ મહિના સુધી સુરતમાંથી દરરોજ અંદાજે 350થી 400 જેટલી ટ્રકો કાપડનો તૈયાર માલ લઈને ભારતના ખૂણે-ખૂણામાં રવાના થતી હતી. જોકે, ઇંધણની આ વર્તમાન કટોકટી અને અસહ્ય મોંઘવારીના પગલે છેલ્લા બે-ત્રણ દિવસથી આ સંખ્યા ઘટીને માત્ર 80થી 90 ટ્રક સુધી મર્યાદિત થઈ ગઈ છે. ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલા અગ્રણીઓના મતે, બજાર સાવ બેસી ગયો છે અને જો આ જ સ્થિતિ આગામી દિવસોમાં ચાલુ રહેશે તો સમગ્ર વેપાર વ્યવસ્થા પડી ભાંગશે. આંતરરાષ્ટ્રીય યુદ્ધની સ્થિતિ અને બેવડો આર્થિક ફટકો
છેલ્લા દસ દિવસથી ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રની હાલત અત્યંત કફડી અને દયનીય બની ગઈ છે. એક તરફ પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ)માં છેલ્લા અઢી મહિનાથી ચાલી રહેલી યુદ્ધની સ્થિતિના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના સપ્લાયને માઠી અસર થઈ છે, જેના લીધે વૈશ્વિક બજારમાં તેલના ભાવ ભડકે બળી રહ્યા છે. બીજી તરફ, સ્થાનિક સ્તરે સરકારી ઓઇલ કંપનીઓ દ્વારા કરવામાં આવી રહેલા ભાવવધારાએ ટ્રાન્સપોર્ટરોના ખિસ્સા ખાલી કરી દીધા છે. આ વૈશ્વિક અને સ્થાનિક પરિબળોની બેવડી મારને કારણે સુરતના નાના-મોટા તમામ ટ્રાન્સપોર્ટ વેપારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે અને તેમનો રોજિંદો ખર્ચ કાઢવો પણ મુશ્કેલ બન્યો છે. ભાડામાં 10% સુધીના વધારા વિના હવે કોઈ જ વિકલ્પ નથી
ઇંધણના ભાવમાં ઝીંકાયેલા આ અસહ્ય વધારાના કારણે હવે ટ્રાન્સપોર્ટ ઓપરેટરો પાસે માલસામાનના વહન ભાડામાં વધારો કરવા સિવાય અન્ય કોઈ વિકલ્પ બચ્યો નથી. ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા આગામી દિવસોમાં સુરતના સ્થાનિક ટેક્સટાઇલ વેપારીઓ અને વિવિધ કાપડ માર્કેટના સંગઠનો સાથે એક તાકીદની બેઠક યોજવામાં આવશે. આ બેઠકમાં વર્તમાન ઇંધણના દરોની સમીક્ષા કરીને નાછૂટકે પાર્સલોના ડિસ્પેચિંગ પર અંદાજે 10% ટકા જેટલો ભાડા વધારો લાગુ કરવા અંગે નેગોસિએશન (ચર્ચા-વિચારણા) કરવામાં આવશે. ટ્રાન્સપોર્ટરોના મતે, જો આ વધારો વેપારીઓ સ્વીકારશે તો જ ધંધો સરભર થઈ શકશે, અન્યથા આ નુકસાની સાથે વ્યવસાય ચલાવવો અશક્ય છે. 10% જેવા લગભગ રેટ વધારો કરવામાં આવશે
યુવરાજ દેસલે, (પ્રમુખ,સુરત ટેક્સટાઈલ ગુડ્સ ટ્રાન્સપોર્ટ એસોસિએશન)એ જણાવ્યું હતું કે,પ્રધાનમંત્રી સાહેબે નિવેદન આપેલું ત્યાર પછી લગભગ છેલ્લા બે દિવસથી વધારે તકલીફ મતલબમાં જોવામાં આવી છે. અમારી જે કેટલી બધી ટ્રકો છે હાઇવે ઉપર... કોઈ ડીઝલ મળતું નથી હોતું, રોડ ઉપર ઉભી છે. આ સ્થિતિમાં અમારે ભાડું વધારવા સિવાય કોઈ વિકલ્પ નથી. નાછૂટકે વેપારી જોડે નેગોસિએશન કરીને પછી 10% જેવા લગભગ રેટ વધારો કરવામાં આવશે તો જ અહીંયા સરભર થાય. કાપડ બજારમાં ડિલિવરી મોડી થવાની ભીતિ
સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ સંપૂર્ણપણે ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા પર નિર્ભર છે. રોજિંદા કરોડો રૂપિયાનું કાપડ, સાડીઓ અને ડ્રેસ મટિરિયલ સુરતના માર્કેટોમાંથી દેશના અન્ય રાજ્યો જેવા કે ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી, અને મહારાષ્ટ્ર તરફ રવાના થાય છે. પરંતુ પરિવહન સેવાઓ 75 ટકા જેટલી ઠપ થઈ જતાં હવે કાપડ માર્કેટમાં પણ તેની ગંભીર અસરો વર્તાવા લાગી છે. વેપારીઓના ઓર્ડર સમયસર મોકલી શકાતા નથી, જેના કારણે પેમેન્ટ સાયકલ અટકી જવાની અને ઓર્ડર કેન્સલ થવાની ભીતિ સેવાઈ રહી છે.
Read Original Article →