એકનો એક દીકરો ગુમાવતા પરિવારનું હૈયાફાટ રુદન:સુરતમાં તાપીના કોઝવેમાં નહાવા પડેલા 4 મિત્રો પૈકી 17 વર્ષીય કિશોરનું મોત, દોઢ કલાકે મૃતદેહ મળ્યો
સુરત શહેરના રાંદેર-કતારગામને જોડતા તાપી નદી પરના વિયરકમ કોઝ-વે ખાતે વેકેશનની રજા માણવા ગયેલા ચાર મિત્રો માટે પિકનિક માતમમાં ફેરવાઈ ગઈ હતી. કોઝવેના ધસમસતા પ્રવાહમાં નહાવા પડેલા ચાર મિત્રો પૈકી એક 17 વર્ષીય કિશોર ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ફાયર બ્રિગેડની ટીમે દોઢ કલાકની ભારે જહેમત બાદ કિશોરનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. ઘરના એકના એક દીકરાના મોતના સમાચાર સાંભળી પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હતું. બહેન-માતાના હૈયાફાટ રુદનથી માહોલ ગમગીન થઈ ગયો હતો. રિહાન તરતા-તરતા વચ્ચે પહોંચ્યો અને વહેણમાં તણાયો
મળતી વિગતો અનુસાર, શહેરના લીંબાયત વિસ્તારમાં આવેલા મારુતિનગર ચોક પાસે રહેતો 17 વર્ષીય રિહાન શેખ યુનુસ પોતાના ત્રણ મિત્રો જાકીર ખાન (20), ફૈઝાન હુસેન (20) અને જાવેદ શેખ (20) સાથે રાંદેર કોઝવે ખાતે નહાવા માટે ગયો હતો. ચારેય મિત્રો પાણીમાં મોજ-મસ્તી કરી રહ્યા હતા, ત્યારે અચાનક રિહાન તરતા તરતા કોઝવેની મધ્યમાં પહોંચી ગયો હતો. પાણીનું વહેણ તેજ હોવાથી રિહાન અચાનક ડૂબવા લાગ્યો હતો. મિત્રોએ બચાવવા પ્રયાસ કર્યો, પણ નિષ્ફળ રહ્યા
રિહાનને પાણીમાં તરફડિયા મારતો જોઈ કાંઠા પર રહેલા તેના મિત્રો તેને બચાવવા માટે દોડ્યા હતા. જોકે, પાણીનો પ્રવાહ એટલો ઝડપી હતો કે મિત્રો તેને પકડી શક્યા નહીં અને જોતજોતામાં રિહાન ઊંડા પાણીમાં ઓઝલ થઈ ગયો હતો. ગભરાયેલા મિત્રોએ તાત્કાલિક બહાર આવી સ્થાનિક બોટમેન અને લોકોને મદદ માટે બૂમો પાડી હતી. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકોના ટોળેટોળા કોઝવે પર એકત્ર થઈ ગયા હતા. ફાયર બ્રિગેડની દોઢ કલાકની જહેમત બાદ લાશ મળી
ઘટના અંગે ફાયર કંટ્રોલ રૂમને જાણ કરાતા મોરાભાગળ ફાયર સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ફાયર સબ ઓફિસર ગિરિશ સેલરની આગેવાનીમાં માર્શલો અને તરવૈયાઓએ પાણીમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આધુનિક સાધનોની મદદથી અંદાજે દોઢ કલાકની શોધખોળ બાદ રિહાનની લાશ મળી આવી હતી. ગિરિશ સેલર (ફાયર સબ ઓફિસર) એ જણાવ્યું હતું કે અમે ઘટનાસ્થળે પહોંચીને તાત્કાલિક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ઊંડા પાણીમાં અંદાજે દોઢ કલાકની જહેમત બાદ કિશોરનો મૃતદેહ મળી આવ્યો હતો. પરિવારનો એકનો એક ચિરાગ બુઝાયો
રિહાન તેના પરિવારનો એકનો એક પુત્ર હતો. તેના અકાળે અવસાનથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પુત્રની લાશ જોઈ માતા-પિતાએ હૈયાફાટ રુદન કરતા કોઝવે પર હાજર લોકોની આંખો પણ ભીની થઈ ગઈ હતી. સ્થાનિક પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →