સુરત તક્ષશિલા અગ્નિકાંડને 7 વર્ષ, સંતાનો ગુમાવનારા પરિવારોની આંખોમા આંસુ:સ્મારક હોલ ખાતે વાલીઓએ મીણબત્તી પ્રગટાવી માસૂમોને અશ્રુભીની શ્રદ્ધાંજલિ આપી
સુરતના ઇતિહાસની સૌથી કાળી અને હૃદયદ્રાવક ઘટના એવી સરથાણા તક્ષશિલા અગ્નિકાંડને આજે 24 મેના રોજ પૂરા 7 વર્ષ પૂર્ણ થઈ ગયા છે. સમય વહી ગયો છે પરંતુ પોતાના વહાલસોયા સંતાનો ગુમાવનારા પરિવારોના આંસુ હજુ સુકાયા નથી. આ ગોઝારી ઘટનાની વરસી નિમિત્તે આજે સુરતમાં ગમગીનીનો માહોલ જોવા મળ્યો હતો અને લોકોએ તે માસૂમ આત્માઓને યાદ કર્યા હતા. સ્મારક હોલ ખાતે ભાવુક દ્રશ્યો
આ દુઃખદ અવસરે સરથાણા નેચર પાર્ક સામે આવેલા નવનિર્મિત તક્ષશિલા સ્મારક હોલ ખાતે એક વિશેષ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અને શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં મૃતક વિદ્યાર્થીઓના માતા-પિતા અને સગા-સંબંધીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. પોતાના બાળકોની તસવીરો સામે મીણબત્તી પ્રગટાવતી વખતે વાલીઓની આંખોમાંથી આંસુ સરી પડ્યા હતા અને વાતાવરણ અત્યંત ભાવુક બની ગયું હતું. 24 મે, 2019ની એ કાળી સાંજ ને 22નાં મોત
ઉલ્લેખનીય છે કે 24 મે, 2019ના રોજ સરથાણા જકાતનાકા પાસે આવેલા તક્ષશિલા આર્કેડના ચોથા માળે ભયાનક આગ ફાટી નીકળી હતી. આ બિલ્ડિંગના ચોથા માળે ગેરકાયદેસર રીતે ફાઇબર અને પ્લાસ્ટિકના ડોમ સ્ટ્રક્ચર ઊભા કરીને આર્કિટેક્ચર અને ઇન્ટિરિયર ડિઝાઇનિંગના ટ્યુશન ક્લાસીસ ચલાવવામાં આવી રહ્યા હતા. બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા AC યુનિટમાં શોર્ટ સર્કિટ થતાં લાગેલી આગ ફ્લેક્સ બેનરોના સહારે ગણતરીની મિનિટોમાં ચોથા માળ સુધી પહોંચી ગઈ હતી. સાંકડી સીડી બની કાળમુખી, ચોથા માળેથી મોતની છલાંગ
આ દુર્ઘટનામાં 22 માસૂમ વિદ્યાર્થીઓના કરૂણ મોત નીપજ્યા હતા. બિલ્ડિંગમાં ઉપર જવા-આવવા માટે માત્ર એક જ સાંકડી લાકડાની સીડી હતી, જે આગની ઝપેટમાં સૌથી પહેલા સળગી ગઈ હતી. બચવાનો કોઈ રસ્તો ન રહેતા ગૂંગળામણ અને દાઝી જવાને કારણે બાળકોના મોત થયા હતા, જ્યારે કેટલાક માસૂમોએ જીવ બચાવવા ચોથા માળેથી નીચે મોતની છલાંગ લગાવી દીધી હતી, જેના દ્રશ્યો જોઈ આખું દેશ ધ્રુજી ઉઠ્યું હતું. તમામ આરોપીઓ જામીન પર બહાર
આ અગ્નિકાંડ બાદ ક્રાઇમ બ્રાન્ચે બિલ્ડર્સ દિનેશ વેકરીયા, જિજ્ઞેશ પાઘડાળ, ક્લાસ સંચાલક ભાર્ગવ બુટાણી સહિત સુરત મહાનગરપાલિકા અને ફાયર વિભાગના ભ્રષ્ટ અધિકારીઓ મળી કુલ 14 લોકો સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધી જેલભેગા કર્યા હતા. પરંતુ કમનસીબી એ છે કે આજે 7 વર્ષ પછી આ કેસના તમામ 14 આરોપીઓ જામીન પર મુક્ત થઈને ખુલ્લી હવામાં ફરી રહ્યા છે, જે પીડિતોના જખમ પર મીઠું ભભરાવવા સમાન છે. સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા, ફાસ્ટ ટ્રેકની માગ
વર્ષ 2021માં આરોપીઓ સામે કોર્ટમાં તહોમતનામું તો રજૂ થયું, પરંતુ ન્યાયિક પ્રક્રિયા અત્યંત ધીમી ગતિએ ચાલી રહી છે. કાનૂની વિલંબથી કંટાળીને એક પીડિત પિતા દિનેશભાઈ કેવડીયાએ આખરે સુપ્રીમ કોર્ટમાં જનહિત અરજી (PIL) દાખલ કરી છે. પરિવારોની એક જ માંગ છે કે આ કેસને તાત્કાલિક 'ફાસ્ટ ટ્રેક કોર્ટ'માં ચલાવી ગુનેગારોને ફાંસી અથવા આજીવન કેદની સજા ફટકારવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ પણ બિલ્ડર કે અધિકારી માસૂમોના જીવ સાથે રમત રમતા પહેલા સૌ વાર વિચારે.
Read Original Article →