સ્વામિનારાયણ મંદિરના સ્વામીનો આપઘાત:આ આત્મહત્યા શંકાસ્પદ છે, યોગ્ય તપાસ કરો: હિતરક્ષક સમિતિ; સુરતમાં થોડા દિવસ પહેલા ઊંઘની ગોળી ખાધી હતી

Gujarat5/16/2026, 6:45:36 AM
સ્વામિનારાયણ મંદિરના સ્વામીનો આપઘાત:આ આત્મહત્યા શંકાસ્પદ છે, યોગ્ય તપાસ કરો: હિતરક્ષક સમિતિ; સુરતમાં થોડા દિવસ પહેલા ઊંઘની ગોળી ખાધી હતી
સુરત શહેરના લસકાણા વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મિશન મંદિરમાં 48 વર્ષીય સાધુ પ્રિયદર્શન સ્વામીએ રહસ્યમય સંજોગોમાં આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. ગત 26 એપ્રિલના રોજ મોટા પ્રમાણમાં ઊંઘની ગોળીઓ ગળી ગયા બાદ તેઓ બેભાન થઈ ગયા હતા. લાંબી સારવાર બાદ ગઈકાલે 15 મેના રોજ હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ઘટનાને પગલે લસકાણા પોલીસ મથકમાં અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. 20 દિવસની સારવાર બાદ તોડ્યો દમ મળતી વિગતો અનુસાર, પ્રિયદર્શન સ્વામી (ઉંમર વર્ષ 48, રહે. કલાકુંજ મંદિર, કાપોદ્રા ) ગત 26 એપ્રિલના રોજ રાત્રે સાડા નવ વાગ્યાના સુમારે મંદિરમાં બેભાન હાલતમાં મળી આવ્યા હતા. પ્રાથમિક તબક્કે તેમણે કોઈ ઝેરી અથવા કેમિકલયુક્ત પદાર્થ પી લીધો હોવાનું સામે આવ્યું હતું. તેમના સગા શૈલેષભાઈ અને અન્ય સેવકો તાત્કાલિક તેમને સારવાર માટે વરાછાની ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે 30 એપ્રિલના રોજ અડાજણ સ્થિત બી.એ.પી.એસ. હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં ખસેડાયા હતા, જ્યાં ગઈકાલે ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. ઊંઘની ગોળીઓ વધુ પ્રમાણમાં ખાઈ લીધી હતી સામે આવેલા હરિભક્તના વીડિયો નિવેદન અનુસાર, સ્વામીજીએ કોઈ કારણોસર ઊંઘની ગોળીઓ ખાઈ લીધી હોવાની વાત વહેતી થઈ છે. સ્વામીજીને કોઈ ધંધાનું કે અન્ય કોઈ પ્રકારનું ટેન્શન નહોતું. તેઓ છેલ્લે સુધી માત્ર ઈશારા જ કરતા હતા, પરંતુ તેઓ આ ગોળીઓ ક્યાંથી લાવ્યા અને શા માટે લીધી તે મોટો તપાસનો વિષય છે. પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. આ આત્મહત્યા શંકાસ્પદ છે, યોગ્ય તપાસ કરો: હિતરક્ષક સમિતિ બીજી તરફ, આ ઘટનાને લઈને શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિ દ્વારા લસકાણા પોલીસ સ્ટેશનના પી.આઈ.ને એક લેખિત રજૂઆત કરવામાં આવી છે. સમિતિના પ્રતિનિધિ ઘનશ્યામ નરસિંહભાઈ પટેલે પત્રમાં આક્ષેપ કર્યો છે કે, પ્રિયદર્શન સ્વામીના આત્મહત્યા પાછળ કેટલાક શંકાસ્પદ કારણો જવાબદાર હોઈ શકે છે. ‘ઘટનાસ્થળની સંપૂર્ણ તપાસ કરવામાં આવે’ સમિતિએ માગ કરી છે કે, ઘટનાસ્થળની સંપૂર્ણ તપાસ કરવામાં આવે, સ્વામીજીના મોબાઈલ ડિટેઈલ્સ, મેસેજ અને મંદિરના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવે, મંદિરના તમામ સંતો અને સેવકોના નિવેદનો નોંધવામાં આવે, જો કોઈ વ્યક્તિ દ્વારા તેમને માનસિક ત્રાસ, ધમકી, દબાણ કે બ્લેકમેઈલ કરવામાં આવતા હોય તો તેની સામે કાયદેસરની કાર્યવાહી થાય. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ તેજ કરી BAPS હોસ્પિટલ તરફથી મળેલી વર્ધીના આધારે લસકાણા પોલીસ સ્ટેશને અકસ્માત મોત દાખલ કરીને આગળની તપાસ પોલીસ સબ ઈન્સ્પેક્ટર એ.ડી. સોલંકીને સોંપી છે. સાધુના પાર્થિવ દેહનું પેનલ પોસ્ટમોર્ટમ કરાવીને આત્મહત્યા પાછળનું સાચું કારણ શોધવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. મંદિરમાં આ પ્રકારની ઘટના બનતા હરિભક્તોમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. પ્રાથમિક તારણ આપઘાત અને પેનલ પોસ્ટમોર્ટમ કરાયું લસકાણા પોલીસે સ્ટેશનના પીઆઇ મીનાબા ઝાલાએ જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં પ્રિયદર્શન સ્વામીએ આપઘાત કર્યો હોવાનું અનુમાન છે. જોકે પેનલ પોસ્ટમોર્ટમ કરવામા આવ્યું છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ ચોક્કસ કારણ સામે આવશે. 15 મેએ ડોકટરે સ્વામીને મૃત જાહેર કર્યા હતા: ACP ACP વિપુલ પટેલે જણાવ્યું હતું કે, 26 એપ્રિલના રોજ વાલક પાટીયા પાસે આવેલી મિશન સ્કૂલનું જે પ્રાગંણ છે, એમાં રહેતા પ્રિયદર્શન સ્વામીએ કોઈ અજાણ્યો પદાર્થ ખાઈ લઈ પોતાની જીંદગી ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. જે અનુસંધાને સૌપ્રથમ લસકાણા પોલીસ સ્ટેશન ખાતે જાણવાજોગનો બનાવ દાખલ કરવામાં આવ્યો હતો અને તેઓની સારવાર અલગ-અલગ હોસ્પિટલોમાં ચાલુ હતી. 15 મેના રોજ બી.એ.પી.એસ. હોસ્પિટલ અડાજણ ખાતે ડોકટરે તેઓને મૃત જાહેર કર્યા હતા. જે અનુસંધાને લસકાણા પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોતનો બનાવ રજીસ્ટર કરવામાં આવ્યો છે અને જે બનાવની તપાસ પીએસઆઈ સોલંકી કરી રહ્યા છે. ‘હિતરક્ષક સમિતની અરજી તપાસમાં સામેલ રાખવામાં આવી છે’ આ બનાવ અનુસંધાને સ્વામિનારાયણ હિતરક્ષક સમિતિ તરફથી લસકાણા પીઆઈને એક અરજી મળી છે. અને એ અરજીમાં આ બનાવની તપાસ તટસ્થ અને ન્યાયિક રીતે થાય અને ઊંડાણપૂર્વક થાય જેથી સ્વામીજીને કોઈ ધાકધમકી કે કોઈ બ્લેકમેઈલ કરતું હોય એવા કોઈ કારણોસર જો આત્મહત્યા કરી હોય, તો તેઓની સામે પણ કાર્યવાહી થાય એ બાબતની એક અરજી આપેલી છે. જે અરજી પણ આ બનાવના અનુસંધાને તપાસમાં સામેલ રાખવામાં આવી છે અને તપાસ ઊંડાણપૂર્વક કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે.
Read Original Article →