PM મોદીના સુરત પ્રવાસ પહેલાં 'સ્વચ્છતા હી સેવા':26 કિમી લાંબા રૂટ પર 800 સ્થળે સફાઈ અભિયાન; પાટીલે કહ્યું- 'આઝાદી મળી પણ સ્વચ્છતા મોદી લાવ્યા'

Gujarat6/4/2026, 5:55:35 AM
PM મોદીના સુરત પ્રવાસ પહેલાં 'સ્વચ્છતા હી સેવા':26 કિમી લાંબા રૂટ પર 800 સ્થળે સફાઈ અભિયાન; પાટીલે કહ્યું- 'આઝાદી મળી પણ સ્વચ્છતા મોદી લાવ્યા'
વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે સુરતની મુલાકાતે આવી રહ્યા છે. પીએમ મોદીના આ પ્રવાસને યાદગાર બનાવવા માટે વહીવટી તંત્ર અને ભાજપ સંગઠન દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વડાપ્રધાનના આગમન પૂર્વે સમગ્ર સુરત શહેરમાં 'સ્વચ્છતા ઝુંબેશ' હાથ ધરવામાં આવી છે, જેનું નેતૃત્વ ખુદ નવનિયુક્ત કેન્દ્રીય જળસંચય મંત્રી સી.આર. પાટીલે લીધું છે. આજે સવારે તેઓ સુરતના ભટાર ઉમરાઉ નગર વિસ્તારમાં જાતે સફાઈ અભિયાનમાં જોડાયા હતા અને શ્રમદાન કર્યું હતું. પીએમ મોદી આ પ્રવાસ દરમિયાન સુરતવાસીઓને રૂ. 18,000 કરોડના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરીને મોટી ભેટ આપશે. પીએમની વિઝિટના 1 અઠવાડિયા પહેલાં સફાઈનો આગ્રહ: સી.આર. પાટીલ કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે વર્ષ 2014 માં દેશનો પદભાર સંભાળ્યા પછી, સૌથી પહેલી અગ્રતા (પ્રાયોરિટી) સ્વચ્છતાને આપી હતી. આજે આપણને તેના અદ્ભુત પરિણામો જોવા મળી રહ્યા છે. દેશમાં જે 12 કરોડથી વધુ શૌચાલયો બન્યા છે, તે સ્વચ્છતા માટેની અત્યંત આવશ્યકતા હતી અને તેનાથી ગ્રામીણ વિસ્તારોમાં બહેન-દીકરીઓને મોટો ફાયદો થયો છે. પાટીલે વધુમાં ઉમેર્યું કે, પીએમ મોદી જ્યારે પણ કોઈ શહેરની મુલાકાત લેવાના હોય, તેના એક અઠવાડિયા પહેલાં ત્યાં વ્યાપક સફાઈ ઝુંબેશ થવી જોઈએ એવો તેમનો આગ્રહ હોય છે, જેનાથી શહેરમાં જાગૃતિ અને સ્વચ્છતા બંને વધે છે. સુરતમાં 26 કિમી લાંબા રસ્તાઓ પર 800 સ્થળોએ અભિયાન વડાપ્રધાનના સ્વાગત માટે સુરત મહાનગરપાલિકા અને ભાજપ સંગઠન એક્શન મોડમાં આવ્યું છે. આજે આખા શહેરમાં અંદાજે 26 કિલોમીટર લાંબા રસ્તાઓ પર વિશેષ સફાઈ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. શહેરના અલગ-અલગ 800 જેટલા નિર્ધારિત સ્થળો પર મેગા કલીનલીનેસ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. આ અભિયાનમાં સ્થાનિક કોર્પોરેટરો, ધારાસભ્યો, ભાજપના પદાધિકારીઓ, સફાઈ કર્મચારીઓ અને રીઝનલ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ગ્રાઉન્ડ ઝીરો પર ઉતરીને મોનિટરિંગ કરી રહ્યા છે. સમગ્ર સુરતને દુલ્હનની જેમ સજાવવામાં આવી રહ્યું છે. 'આઝાદી મળી પણ સ્વચ્છતામાં આપણે પાછળ હતા, પીએમ મોદીએ ચિત્ર બદલ્યું' સ્વચ્છતા અભિયાન દરમિયાન સી.આર. પાટીલે ભૂતકાળની સરકારો પર આડકતરો પ્રહાર કરતા કહ્યું કે, આપણને આઝાદી તો વર્ષો પહેલાં મળી ગઈ હતી, પરંતુ દેશમાં સ્વચ્છતાને ક્યારેય પ્રાથમિકતા આપવામાં આવી નહોતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા બાદ જ સમગ્ર દેશમાં સ્વચ્છતા એક જનઆંદોલન બની છે. તેમણે ગર્વભેર જણાવ્યું કે, સુરત મહાનગરપાલિકાએ દેશભરમાં સ્વચ્છતામાં પ્રથમ ક્રમ (નંબર 1) પ્રાપ્ત કર્યો છે, અને આ ગૌરવ સફાઈ કામદારો, અધિકારીઓ અને પ્રજાની સંયુક્ત મહેનતનું પરિણામ છે. હવે સુરતવાસીઓની જવાબદારી છે કે આ નંબર વનનું બિરુદ સતત જાળવી રાખે. ચોમાસા પૂર્વે રોગચાળો અટકાવવા સુરતમાં 900 હેલ્થ કેમ્પ સુરત મહાનગરપાલિકા દ્વારા માત્ર રસ્તાઓની સફાઈ જ નહીં, પરંતુ ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને આરોગ્યલક્ષી પગલાં પણ લેવામાં આવ્યા છે. શહેરમાં ક્યાંય પણ પાણીનો ભરાવો ન થાય અને મચ્છરોનો ઉપદ્રવ ન વધે તે માટે તંત્ર સતત કામ કરી રહ્યું છે. મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા જીવલેણ રોગોથી નાગરિકોને બચાવવા તેમજ જાગૃતિ લાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સમગ્ર સુરતમાં 900 જેટલા વિશેષ હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે ખૂબ બિરદાવ્યું હતું. ઘરથી દેશ સુધી સ્વચ્છતા રાખવા અપીલ: બાળકો પણ બન્યા જાગૃત અંતમાં કેન્દ્રીય મંત્રીએ સુરતના તમામ નાગરિકો, ભાઈઓ અને બહેનોને હૃદયપૂર્વક અપીલ કરી છે કે તેઓ સ્વચ્છતાને માત્ર પોતાના ઘર પૂરતી સીમિત ન રાખે. તેને પોતાના મહોલ્લા, સોસાયટી, શહેર અને સમગ્ર દેશ સુધી વિસ્તારે. તેમણે ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, આજે વડાપ્રધાનના અભિયાનની એટલી ઊંડી અસર થઈ છે કે નાના બાળકો પણ જાગૃત થયા છે. તેઓ ચોકલેટ ખાઈને તેના રેપર (કાગળ) ગમે ત્યાં ફેંકવાને બદલે ડસ્ટબિન શોધે છે. જ્યારે નાના બાળકો આટલી જાગૃતિ દાખવતા હોય, ત્યારે આપણા સૌ વડીલો અને નાગરિકોની પણ વિશેષ ફરજ બને છે કે આપણે આ સ્વચ્છ આદતોનું હંમેશાં અનુકરણ કરીએ.
Read Original Article →