નવું સત્ર શરૂ છતાં ગ્રાન્ટેડ શાળાઓમાં પાઠ્યપુસ્તકોના ઠેકાણા નથી:સુરતમાં શૈક્ષણિક સત્રના પહેલા જ દિવસે તંત્રની પોલ ખુલી, ધો.9થી 12ના વિદ્યાર્થીઓ પુસ્તકો વિના ભણવા મજબૂર

Gujarat6/8/2026, 5:49:52 AM
નવું સત્ર શરૂ છતાં ગ્રાન્ટેડ શાળાઓમાં પાઠ્યપુસ્તકોના ઠેકાણા નથી:સુરતમાં શૈક્ષણિક સત્રના પહેલા જ દિવસે તંત્રની પોલ ખુલી, ધો.9થી 12ના વિદ્યાર્થીઓ પુસ્તકો વિના ભણવા મજબૂર
રાજ્યભરમાં આજથી ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં જ શાળાઓના શૈક્ષણિક સત્ર 2026-27નો ધમધમાટ પ્રારંભ થઈ ચૂક્યો છે. પહેલા જ દિવસે શાળાના ગેટ પર કિલ્લોલ કરતાં વિદ્યાર્થીઓની ભારે ભીડ જોવા મળી હતી. સરકાર દ્વારા શિક્ષણના સ્તરને સુધારવા અને ભણશે ગુજરાતના મોટા-મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે, પરંતુ સત્રના પહેલા જ દિવસે સુરત શહેરની ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષણ વિભાગની પોલ ખુલી ગઈ છે. શાળાઓ તો શરૂ થઈ ગઈ છે અને ઘંટ પણ વાગી ગયો છે, પરંતુ ધોરણ 9થી 12ના હજારો વિદ્યાર્થીઓના હાથમાં હજી સુધી સરકારી પાઠ્યપુસ્તકો આવ્યા નથી. પરિણામે, પહેલા જ દિવસે વિદ્યાર્થીઓ પુસ્તકો વિના જ ખાલી હાથે શાળાએ આવવા મજબૂર બન્યા છે. પુસ્તકો વિના જ શિક્ષકોએ પ્રાથમિક શૈક્ષણિક કાર્ય શરૂ કરવું પડ્યું સુરતના પોશ ગણાતા અડાજણ વિસ્તારમાં આવેલી જાણીતી એલ. એન. ડાળિયા હાઈસ્કૂલમા આજે સવારે કંઈક આવું જ ચિત્ર જોવા મળ્યું હતું. નવા સત્રના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ ઉત્સાહભેર નવા ગણવેશમાં શાળાએ પહોંચ્યા હતા, પરંતુ જ્યારે તેઓ વર્ગખંડમાં બેઠા ત્યારે તેમની બેન્કના પાટીયા ખાલી હતા. ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ પાસે ભણવા માટે એક પણ પાઠ્યપુસ્તક ઉપલબ્ધ નહોતું. પુસ્તકો વિના જ શિક્ષકોએ પ્રાથમિક શૈક્ષણિક કાર્ય શરૂ કરવું પડ્યું હતું. વિદ્યાર્થીઓ અને શાળા સંચાલકો બંને લાચાર દેખાતા હતા. સવાલ એ થાય છે કે જો શૈક્ષણિક સત્રની તારીખ મહિનાઓ પહેલા નક્કી થઈ જતી હોય, તો પછી પુસ્તકો પહોંચાડવામાં આટલી ઢીલી નીતિ કેમ? રીઝલ્ટની સાથે નવા ધોરણના પાઠ્યપુસ્તકો આપી દેવામાં આવતા સામાન્ય રીતે ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ અને સ્થાનિક શિક્ષણ વિભાગનું આયોજન એવું હોય છે કે, દર વર્ષે ફેબ્રુઆરી મહિના સુધીમાં જ તમામ શાળાઓમાં આગામી શૈક્ષણિક વર્ષના પુસ્તકોનો જથ્થો મોકલી દેવામાં આવે છે. આ સુવ્યવસ્થિત આયોજનને કારણે માર્ચ-એપ્રિલમાં જ્યારે શાળાઓના વાર્ષિક પરિણામો જાહેર થતા ત્યારે જ વિદ્યાર્થીઓને રીઝલ્ટની સાથે નવા ધોરણના પાઠ્યપુસ્તકો પણ હાથમાં આપી દેવામાં આવતા હતા. શાળાઓના કપાટ ખૂલી ગયા છતાં પાઠ્યપુસ્તકોના કોઈ ઠેકાણા નથી પુસ્તકો વહેલા મળવાનો સૌથી મોટો ફાયદો એ થતો હતો કે હોશિયાર, મધ્યમવર્ગીય અને જિજ્ઞાસુ વિદ્યાર્થીઓ ઉનાળાના 35થી 40 દિવસના લાંબા વેકેશનનો સદુપયોગ કરતા હતા. તેઓ વેકેશન દરમિયાન જ આગામી ધોરણનો અભ્યાસ, ગણિતના દાખલા અને વિજ્ઞાન જેવા અઘરા વિષયોની તૈયારીઓ ઘરે બેઠા કે ટ્યુશન ક્લાસના માધ્યમથી શરૂ કરી દેતા હતા. જેના કારણે જૂન મહિનામાં જ્યારે શાળા ખુલે ત્યારે તેમનો પાયો મજબૂત થઈ જતો હતો. પરંતુ આ વર્ષે જૂન મહિનો બેસી ગયો, વેકેશન પૂરું થઈ ગયું અને આજથી શાળાઓના કપાટ ખૂલી ગયા હોવા છતાં પાઠ્યપુસ્તકોના કોઈ ઠેકાણા નથી. આ અઠવાડિયામાં જ બાળકો સુધી પાઠ્યપુસ્તકો અચૂક પહોંચી જશે હિતેશ ભટ્ટ, આચાર્ય, શ્રીમતી એલ. એન. ડાળિયા હાઈસ્કૂલે જણાવ્યું હતું કે પાઠ્યપુસ્તકો માટે એવી વાત કરી શકાય કે, 9થી 12ના પાઠ્યપુસ્તકો આજે શાળાનો પહેલો દિવસ છે, શાળામાં પહોંચ્યા નથી. પરંતુ દર વર્ષે અમને આ પાઠ્યપુસ્તકો ફેબ્રુઆરી કે એની આસપાસ, કે તે પહેલાં પણ મળી જતા હોય છે અને અમે જ્યારે ધોરણ બદલાય છે બાળકોનું, એ ટાઈમે બાળકોને આપી દેતા હોઈએ છીએ પણ આ વખતે પાઠ્યપુસ્તકો, ઘણા પાઠ્યપુસ્તકો બદલાયા છે એટલે સ્વાભાવિક પણે એ પુસ્તકો નવા છાપવાના થયા હશે અને એના કારણે થોડું-ઘણું લેટ થયું છે પણ મને ભરોસો છે કે, આ અઠવાડિયામાં જ બાળકો સુધી પાઠ્યપુસ્તકો અચૂક પહોંચી જશે. સરકાર એ પ્રમાણે આયોજન કરતી જ હોય છે. મને જે કારણ લાગે છે તે મુજબ તો કદાચ આ પાઠ્યપુસ્તકો બદલાયા છે એ જ મોટું કારણ છે, બાકી વર્ષોથી ફેબ્રુઆરી સુધીમાં આપણે મળી જતા હોય છે પાઠ્યપુસ્તકો. એના પાંચ-છ મહિના અગાઉ સરકાર ઇન્ડેન્ટ મંગાવી લેતી હોય છે. પાઠ્યપુસ્તક મંડળ અમારું જે છે, દરેક શાળાઓ પાસેથી SVS થ્રુ અને SVS થ્રુ DEO કક્ષાએથી આ ઇન્ડેન્ટ પાઠ્યપુસ્તક મંડળ સુધી પહોંચી જતા હોય છે. એટલે એમને ખ્યાલ જ હોય છે કે ભાઈ આ શાળાઓમાં અથવા તો આ માધ્યમના આ ધોરણના આટલા પુસ્તકો જોઈતા હોય છે.
Read Original Article →