સુરતના ધો.12ના વિદ્યાર્થીઓની મુશ્કેલીમાં વધારો:પરિણામ બાદ ઓરિજિનલ L.C. ન મળતા કોલેજ પ્રવેશ અટવાયો, મુકેશ દલાલે કલેક્ટરને પત્ર લખ્યો

Gujarat5/12/2026, 1:09:09 PM
સુરતના ધો.12ના વિદ્યાર્થીઓની મુશ્કેલીમાં વધારો:પરિણામ બાદ ઓરિજિનલ L.C. ન મળતા કોલેજ પ્રવેશ અટવાયો, મુકેશ દલાલે કલેક્ટરને પત્ર લખ્યો
સુરત સહિત સમગ્ર રાજ્યમાં ધોરણ 12 કોમર્સ અને સાયન્સના ઓનલાઇન પરિણામો જાહેર થઈ ગયા છે. સામાન્ય રીતે પરિણામ બાદ કોલેજ પ્રવેશની પ્રક્રિયા ઝડપથી શરૂ થતી હોય છે, પરંતુ આ વર્ષે સુરતના વિદ્યાર્થીઓ માટે નવી મુશ્કેલી ઉભી થઈ છે. ઓનલાઇન રિઝલ્ટ આવી ગયા હોવા છતાં ટેકનિકલ કારણોસર હજુ સુધી શાળાઓ દ્વારા ઓરિજિનલ માર્કશીટ અને સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ (L.C.) આપવામાં આવ્યા નથી. મુકેશ દલાલે કલેક્ટરને કરી રજૂઆત વિદ્યાર્થીઓની આ સમસ્યાને વાંચા આપતા સુરત લોકસભાના સાંસદ મુકેશ દલાલે જિલ્લા સેવા સદન-2ના કલેક્ટરને પત્ર લખી રજૂઆત કરી છે. મુકેશ દલાલે જણાવ્યું કે, ઓરિજિનલ દસ્તાવેજો સમયસર ન મળવાને કારણે વિદ્યાર્થીઓના કિંમતી દિવસો બગડી રહ્યા છે. એડમિશન પ્રક્રિયામાં કોઈપણ પ્રકારનો વિલંબ ન થાય તે માટે વહીવટી તંત્રએ તાત્કાલિક દખલગીરી કરવાની જરૂર છે. અન્ય પ્રમાણપત્રો મેળવવામાં મોટી સમસ્યા કોલેજમાં એડમિશન લેવા માટે માત્ર માર્કશીટ પૂરતી નથી. વિદ્યાર્થીઓએ જાતિનો દાખલો, નોન-ક્રિમિલિયર સર્ટિફિકેટ અને આવકના દાખલા જેવા પુરાવા રજૂ કરવા પડે છે. આ તમામ સરકારી કાગળો કઢાવવા માટે ઓરિજિનલ L.C. અને માર્કશીટ હોવી ફરજિયાત છે. દસ્તાવેજોના અભાવે વિદ્યાર્થીઓ જનસેવા કેન્દ્રોના ધક્કા ખાઈ રહ્યા છે પણ કામ થઈ રહ્યું નથી. વૈકલ્પિક માર્ગ શોધવા સૂચન મુકેશ દલાલે શિક્ષણ મંત્રી અને કલેક્ટરને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, "જો ઓરિજિનલ માર્કશીટ આવવામાં સમય લાગે તેમ હોય, તો બોનાફાઈડ સર્ટિફિકેટ અથવા અન્ય કોઈ માન્ય દસ્તાવેજના આધારે વિદ્યાર્થીઓને જાતિ અને આવકના દાખલા ઇશ્યૂ કરી દેવા જોઈએ. આનાથી એડમિશનની પ્રક્રિયા વિલંબિત થશે નહીં અને વિદ્યાર્થીઓનું શૈક્ષણિક વર્ષ બગડતા બચી જશે." શાળાઓને સૂચના આપવા માંગ વિદ્યાર્થીઓ અને વાલીઓની ચિંતાને ધ્યાને રાખીને સાંસદે માંગ કરી છે કે કલેક્ટર દ્વારા જિલ્લાની તમામ શાળાઓને વહેલી તકે L.C. તૈયાર કરી વિતરણ કરવા માટે તાકીદ કરવામાં આવે. જો વહીવટી તંત્ર ઝડપી કાર્યવાહી કરે તો જ વિદ્યાર્થીઓને સમયસર પ્રવેશ મળી શકશે. હાલમાં વહીવટી તંત્ર આ મામલે શું નિર્ણય લે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે.
Read Original Article →