સુરતના અલથાણમાં રખડતા શ્વાનનો આતંક, CCTV:7 વર્ષના માસૂમ પર હુમલો કરી સાથળ પર બચકું ભરી લીધું , પાંચ ટાંકા આવ્યા
સુરતમાં રખડતા શ્વાનનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે, ત્યારે વધુ એક કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી છે. સુરતના વીઆઈપી રોડ પર આવેલા અલથાણ વિસ્તારની ઠાકોરદીપ સોસાયટીમાં રખડતા કૂતરાઓએ આતંક મચાવ્યો છે. સોસાયટીમાં ઘર પાસે રમી રહેલા એક 7 વર્ષના માસૂમ બાળક પર રખડતા શ્વાને જીવલેણ હુમલો કર્યો હતો. શ્વાને બાળકના સાથળના ભાગે એટલી નિર્દયતાથી બચકું ભર્યું હતું કે લોહીલુહાણ હાલતમાં બાળકને સિવિલ હોસ્પિટલ ખસેડવો પડ્યો હતો, જ્યાં તેને પાંચ ટાંકા આવ્યા છે. આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. રમીને ઘરે પાછા ફરતા માસૂમ બાળક પર શ્વાન તૂટી પડ્યું
મળતી વિગતો મુજબ, અલથાણની ઠાકોરદીપ સોસાયટીમાં રહેતો જશપાલ નામનો બાળક સાંજના સમયે સોસાયટીના કમ્પાઉન્ડમાં અન્ય બાળકો સાથે રમી રહ્યો હતો. રમત પૂરી કરીને જ્યારે જશપાલ લંગડાતો-લંગડાતો પોતાના ઘર તરફ પરત ફરી રહ્યો હતો, ત્યારે જ અચાનક એક ખૂંખાર રખડતું શ્વાન તેની પાછળ દોડ્યું હતું. માસૂમ બાળક કંઈ સમજે તે પહેલાં જ શ્વાને તેના સાથળના ભાગે જોરદાર બચકું ભરી લીધું હતું. મહિલા દેવદૂત બનીને આવી, નહિતર મોટી હોનારત થાત
શ્વાને બચકું ભરતા જ 7 વર્ષનો જશપાલ પીડાથી ચીસ પાડી ઉઠ્યો હતો અને સોસાયટીમાં બૂમાબૂમ કરી મૂકી હતી. માસૂમનો અવાજ સાંભળીને નજીકના ઘરમાંથી એક મહિલા તાત્કાલિક બહાર દોડી આવી હતી. મહિલાએ હિંમત દાખવીને શ્વાનને ભગાડ્યું હતું અને બાળકને તેના ચુંગાલમાંથી મુક્ત કરાવ્યો હતો. જો મહિલા સમયસર ન આવી હોત તો શ્વાન બાળકને વધુ ગંભીર ઈજા પહોંચાડી શકત. લંગડાતો લંગડાતો માસૂમ ઘરે પહોંચ્યો, સિવિલમાં 5 ટાંકા આવ્યા
શ્વાનના હુમલા બાદ ગભરાયેલો અને ગંભીર રીતે ઘવાયેલો જશપાલ સાથળમાંથી લોહી નીતરતી હાલતમાં લંગડાતો લંગડાતો માંડ-માંડ પોતાના ઘરે પહોંચ્યો હતો. બાળકની આવી હાલત જોઈ પરિવારના હોશ ઉડી ગયા હતા. પરિવારે તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં માસૂમને સુરત સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ બાળકની ગંભીરતા જોઈ તાત્કાલિક સારવાર શરૂ કરી હતી અને સાથળના ભાગે ઊંડો ઘા હોવાથી 5 જેટલા ટાંકા લેવાની ફરજ પડી હતી. સોસાયટીમાં 5થી 10 લોકોને શ્વાન કરડી ચૂક્યા છે, રહીશો ફફડાટમાં
ઠાકોરદીપ સોસાયટીના રહીશોના જણાવ્યા અનુસાર, આ કોઈ પહેલી ઘટના નથી. સોસાયટીમાં રખડતા કૂતરાઓનો ત્રાસ એટલો વધી ગયો છે કે અત્યાર સુધીમાં નાના બાળકો અને વૃદ્ધો સહિત અંદાજે 5થી 10 લોકોને આ કૂતરાઓ કરડી ચૂક્યા છે. સોસાયટીમાં હવે બાળકોને એકલા બહાર રમવા મોકલવામાં પણ વાલીઓ ફફડી રહ્યા છે. મોડી રાત્રે કે વહેલી સવારે નોકરી-ધંધે જતા લોકો પર પણ આ શ્વાનો પાછળ દોડે છે, જેથી સમગ્ર વિસ્તારમાં ભારે ભયનો માહોલ વ્યાપી ગયો છે. 'કોઈનો જીવ જશે ત્યારે જાગશે પાલિકા?' સ્થાનિકોનો સળગતો સવાલ
સ્થાનિક રહીશોએ પાલિકા પ્રશાસન સામે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે, રખડતા શ્વાનની સમસ્યા અંગે સુરત મહાનગરપાલિકા ને અગાઉ પણ વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. આમ છતાં, પાલિકાના તંત્ર દ્વારા માત્ર આંખ આડા કાન કરવામાં આવે છે અને કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. સ્થાનિકોની ઉગ્ર માંગ છે કે કોઈ મોટી દુર્ઘટના બને અથવા કોઈ માસૂમનો જીવ જાય તે પહેલાં પાલિકા ઊંઘમાંથી જાગે, તાત્કાલિક ગંભીર પગલાં લે અને આ રખડતા કૂતરાઓના ત્રાસમાંથી કાયમી ઉકેલ લાવે.
Read Original Article →