રિલ્સના ક્રેઝમાં નબીરો 'ફાટીને ધૂપે' થયો:સુરતના મોટા વરાછા રિંગ રોડ પર સ્પોર્ટ્સ બાઈકને આગળથી ઊંચી કરી જોખમી સ્ટંટ કરનારને પોલીસે 'ભાન' કરાવ્યું, નબીરા પાસે કાન પકડાવી ઉઠક-બેઠક કરાવી
સુરત શહેરમાં રિલ્સના રવાડે ચડેલી યુવા પેઢી હવે જાહેર રસ્તા પર લોકોના જીવ જોખમમાં મૂકતા અચકાતી નથી. મોટા વરાછા વિસ્તારમાં સ્પોર્ટ્સ બાઈક પર સ્ટંટ કરતા એક નબીરાનો વીડિયો વાયરલ થતા ઉત્રાણ પોલીસે ગણતરીના કલાકોમાં તેની ધરપકડ કરી છે. પોલીસે નબીરાને કાયદાનું ભાન કરાવતા તેણે કાન પકડી માફી માંગી હતી. જાહેર રોડને સ્ટંટ ગ્રાઉન્ડ બનાવ્યું
મળતી માહિતી પ્રમાણે, મોટા વરાછા રીંગ રોડ પરથી પસાર થતા વાહનચાલકો તે સમયે ફફડી ગયા જ્યારે એક યુવક પોતાની સ્પોર્ટ્સ બાઈકને ફૂલ સ્પીડમાં હંકારી આગળનું ટાયર ઊંચું કરીને કરતબ કરવા લાગ્યો હતો. રિલ્સ બનાવવાની લાયમાં આ નબીરો એ ભૂલી ગયો હતો કે તેનો આ સ્ટંટ કોઈ નિર્દોષનો જીવ લઈ શકે છે. આ દરમિયાન ત્યાંથી પસાર થતા એક જાગૃત નાગરિકે આ દ્રશ્યો કેમેરામાં કેદ કરી લીધા હતા. વીડિયો વાયરલ થયો અને પોલીસ એક્શનમાં આવી
સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થતાની સાથે જ સુરત પોલીસ કમિશનરની સૂચના મુજબ ઉત્રાણ પોલીસ હરકતમાં આવી હતી. વીડિયોમાં સ્પષ્ટ દેખાતા બાઈકના નંબર પ્લેટના આધારે પોલીસે તપાસ તેજ કરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પોલીસે સ્ટંટ કરનાર યુવક અરુણ ચૌહાણને શોધી કાઢ્યો હતો અને તેની બાઈક જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ઝડપેલા નબીરા અરુણ ચૌહાણનો જે રુઆબ રસ્તા પર હતો, તે પોલીસ મથકમાં ઉતરી ગયો હતો. પોલીસે તેને કાયદાનો પાઠ ભણાવતા અરુણે બંને હાથે કાન પકડ્યા હતા અને ઉઠક-બેઠક કરી હતી. તેણે કબૂલાત કરી હતી કે, 'હવે પછી ક્યારેય રસ્તા પર આવા જોખમી સ્ટંટ નહીં કરું.' પોલીસે તેને જેલના સળિયા ગણાવતા અન્ય સ્ટંટબાજોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.
Read Original Article →