સુરતમાં SOGએ 76 લાખનું શંકાસ્પદ પનીર-ઘી ઝડપ્યું:પનીર 3,800 કિલો અને 9,000 કિલો ઘીનો જથ્થો જપ્ત, હવે હોટેલોમાં 'અસલી કે નકલી' પનીરનું બોર્ડ મારવું પડશે

Gujarat4/5/2026, 12:51:54 PM
સુરતમાં SOGએ 76 લાખનું શંકાસ્પદ પનીર-ઘી ઝડપ્યું:પનીર 3,800 કિલો અને 9,000 કિલો ઘીનો જથ્થો જપ્ત, હવે હોટેલોમાં 'અસલી કે નકલી' પનીરનું બોર્ડ મારવું પડશે
સુરતના લાખો લોકોના રસોડા સુધી પહોંચતા ભેળસેળિયા તત્વો પર સુરત પોલીસે લાલ આંખ કરી છે. પોલીસ કમિશનરની સૂચનાથી ચલાવવામાં આવેલું ‘અભિયાન શુદ્ધિ’ અત્યંત સફળ રહ્યું છે. જેમાં SOGએ લાખોની કિંમતનું શંકાસ્પદ પનીર અને ઘી જપ્ત કરી મોટી સફળતા મેળવી છે. આ કાર્યવાહી બાદ હવે ફૂડ વિભાગે પણ કડક વલણ અપનાવી હોટેલ-રેસ્ટોરન્ટ માટે નવા નિયમો જાહેર કર્યા છે. લોકોના સ્વાસ્થ્ય માટે ‘અભિયાન શુદ્ધિ’ શહેરમાં ખાદ્યપદાર્થોમાં વ્યાપક ભેળસેળની ફરિયાદો બાદ સુરત પોલીસ કમિશનરે લોકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે ‘અભિયાન શુદ્ધિ’ શરૂ કર્યું હતું. આ મિશનની સંપૂર્ણ જવાબદારી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ને સોંપવામાં આવી હતી. SOG ની ટીમોએ શહેરના વિવિધ ગોડાઉનો અને ડેરીઓ પર દરોડા પાડીને તેલ અને કેમિકલથી બનતા ઘાતક ખાદ્ય પદાર્થોનો પર્દાફાશ કર્યો છે. 3,800 કિલો શંકાસ્પદ પનીર અને 9,000 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત SOG ની તપાસમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. પોલીસે હાથ ધરેલી કાર્યવાહીમાં અંદાજે 3,800 કિલો શંકાસ્પદ પનીર ઝડપાયું છે, જેની કિંમત 9 લાખ રૂપિયા થાય છે. આશરે 9,000 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરાયો છે, જેની બજાર કિંમત 67 લાખ રૂપિયા આંકવામાં આવી છે. કુલ મળીને પોલીસે 76 લાખથી વધુની કિંમતનો હાનિકારક જથ્થો ગ્રાહકો સુધી પહોંચતા અટકાવ્યો છે. હવે રેસ્ટોરન્ટમાં બોર્ડ મારવું ફરજિયાત: એનાલોગ કે ડેરી પનીર? પોલીસની આ મોટી કાર્યવાહી બાદ ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ નવું જાહેરનામું બહાર પાડ્યું છે. હવે કોઈપણ પનીર વિક્રેતા, રેસ્ટોરન્ટ કે દુકાન સંચાલકે ફરજિયાતપણે પોતાની દુકાન પર બોર્ડ મારવું પડશે. આ બોર્ડમાં સ્પષ્ટ લખવું પડશે કે તેઓ વાનગીમાં કયા પનીરનો ઉપયોગ કરે છે. ગ્રાહકોને ખબર પડવી જોઈએ કે તેઓ જે ખાઈ રહ્યા છે તે દૂધમાંથી બનેલું શુદ્ધ પનીર છે કે પછી વનસ્પતિ તેલ અને પાઉડરમાંથી બનેલું 'એનાલોગ પનીર'. છેતરપિંડી કરનાર વેપારીઓ સામે BNS હેઠળ કેસ થશે નવા નિયમ મુજબ, જો કોઈ વેપારી દૂધનું પનીર હોવાનું કહીને ગ્રાહકોને એનાલોગ (નકલી) પનીર પીરસે છે અને ફૂડ તપાસમાં નમૂના નાપાસ થાય છે, તો તે ગંભીર ગુનો ગણાશે. આવા કિસ્સામાં દુકાનદાર સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવશે. આ નિયમથી ગ્રાહકોને છેતરતા અને તેમના સ્વાસ્થ્ય સાથે રમત રમતા વેપારીઓ પર લગામ આવશે.
Read Original Article →