'જો ભવિષ્યમાં પકડાશો તો પ્રોપર સર્વિસ અને ટ્રીટમેન્ટ આપીશું':સુરત SOGના ડીસીપીની ગુનેગારોને ચેતવણી, 'ઓપરેશન રેમ્બો'માં 7 કલાકમાં 72 રીઢા ગુનેગારો 72 ઘાતક હથિયારો સાથે ઝડપાયા
સુરત શહેરમાં છેલ્લા માત્ર 13 દિવસની અંદર અલગ-અલગ વિસ્તારોમાં 9 જેટલા હત્યાના કેસ સામે આવ્યા બાદ સમગ્ર પોલીસ તંત્ર અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઉભા થયા હતા. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુરત પોલીસ કમિશનરની કડક સૂચના બાદ સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) તાત્કાલિક એક્શન મોડમાં આવ્યું છે. ત્યારે 7 કલાકમાં જ વિવિધ વિસ્તારોમાંથી 72 રીઢા ગુનેગારોને ઝડપી પાડવામાં આવ્યા હતા. જ્યારે SOGના DCP રાજદીપસિંહ નકુમે ગુનેગારોને ચેતવણી આપી છે કે, જો ભવિષ્યમાં પકડાશો તો પ્રોપર સર્વિસ અને ટ્રીટમેન્ટ આપવામાં આવશે. અસમાજિક તત્વો, માથાભારે તત્વો અને રીઢા ગુનેગારોમાં પોલીસનો ખોફ પેદા કરવા માટે SOG દ્વારા એક વ્યાપક અને આક્રમક રણનીતિ તૈયાર કરવામાં આવી હતી. એસઓજીનું 'ઓપરેશન રેમ્બો'
શહેરમાં શાંતિ, સલામતી અને સુરક્ષાનું વાતાવરણ પુનઃ સ્થાપિત કરવા માટે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા ખાસ 'ઓપરેશન રેમ્બો' હાથ ધરવામાં આવ્યું હતું. ગઈકાલ સાંજથી શરૂ થયેલું આ ઓપરેશન આજ સવાર સુધી સતત ચાલ્યું હતું. આ ઓપરેશન અંતર્ગત SOGની વિવિધ ટીમો બનાવીને શહેરના તમામ પોલીસ ડિવિઝન વિસ્તારમાં એકસાથે દરોડા પાડવામાં આવ્યા હતા. આ મેગા કોમ્બિંગ ઓપરેશનમાં પોલીસે અત્યંત ગુપ્તતા જાળવી રાખી હતી, જેના કારણે ગુનેગારોને ભાગી જવાનો કે પોતાના ઘાતક હથિયારો છુપાવવાનો સહેજ પણ સમય મળ્યો ન હતો. પોલીસની આ આક્રમક શૈલી અને સચોટ બાતમીના આધારે હાથ ધરાયેલા ઓપરેશને ગુનેગારોની ઊંઘ હરામ કરી દીધી હતી. માત્ર 7 કલાકમાં 72 આરોપીઓ અને 72 ઘાતક હથિયાર જપ્ત
'ઓપરેશન રેમ્બો' અંતર્ગત સુરત એસઓજી પોલીસે માત્ર 7 કલાકમાં અભૂતપૂર્વ કામગીરી કરી બતાવી છે. પોલીસે સઘન ચેકિંગ અને કોમ્બિંગ દરમિયાન 72 શંકાસ્પદ અને રીઢા લોકોને દબોચી લીધા છે. જેઓ જાહેર રસ્તાઓ પર અથવા પોતાના ઘરોમાં ગેરકાયદેસર રીતે ઘાતક તીક્ષ્ણ હથિયારો રાખીને ફરી રહ્યા હતા. આ પકડાયેલા 72 લોકો પાસેથી પોલીસે કુલ 72 તીક્ષ્ણ હથિયારો જપ્ત કર્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, જપ્ત કરાયેલા હથિયારોમાં નાની-મોટી છરીઓ, 7 ઇંચ લાંબા ઘાતક ચપ્પુઓ, ખાસ પ્રકારના રેમ્બો ચપ્પુ અને મોટી તલવારોનો સમાવેશ થાય છે. આ તમામ હથિયારો સામાન્ય નાગરિકોમાં ભય ફેલાવવા અથવા કોઈ ગુનાહિત કૃત્યને અંજામ આપવાના ઈરાદે રાખવામાં આવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ગુનાહિત ઇતિહાસ ધરાવતા રીઢા આરોપીઓની ધરપકડ
રાજદીપસિંહ નકુમએ જણાવ્યું હતું કે, ઓપરેશન રેમ્બો હેઠળ એસઓજીએ જે પ્રાથમિક તબક્કે 32થી વધુ મુખ્ય આરોપીઓ ઝડપી પાડ્યા છે, તે તમામ લોકો ઘણો મોટો અને ઘેરો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આ પકડાયેલા તત્વો કોઈ સામાન્ય ગુનેગારો નથી, પરંતુ અગાઉ લૂંટ, મર્ડર, હાફ મર્ડર અને ગુજસીટોક (GujCTOC) જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા રહી ચૂક્યા છે. પોલીસની નજરમાં લાંબા સમયથી ખટકતા આ ગુનેગારો ઘાતક શસ્ત્રો સાથે સરેઆમ ફરતા હોવાથી મોટી દુર્ઘટનાઓ સર્જાવાની આશંકા હતી, પરંતુ એસઓજીએ સમયસર ત્રાટકીને આ તમામના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે. કુખ્યાત આસિક તલવાર, અરબાઝ પઠાણ ઝડપાયા
આ ઓપરેશનની સૌથી મોટી સફળતા એ છે કે તેમાં કેટલાક અત્યંત ખતરનાક ગુનેગારો પોલીસના સકંજામાં આવ્યા છે. જેમાં ગુજસીટોક અને ડબલ મર્ડર જેવા અત્યંત ગંભીર ગુનાનો કુખ્યાત આરોપી 'આસિક તલવાર' ઝડપાયો છે. આસિક તલવાર સુરત શહેરની બહાર તડીપાર (જિલ્લા નિકાલ) હોવા છતાં નિયમોનો સરેઆમ ભંગ કરીને શહેરમાં ઘૂસ્યો હતો, જેથી તેની સામે જીપી એક્ટની કલમ 142 મુજબ તડીપાર ભંગનો અલગથી ગુનો નોંધી વધુ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત ડિંડોલી પોલીસ સ્ટેશનના એક ગંભીર ગુનામાં લાંબા સમયથી નાસતો ફરતો પ્રોક્લેઇમ્ડ ઓફેન્ડર આરોપી અરબાઝ આલમ ખાન પઠાણ પણ એસઓજીની પકડમાં આવી ગયો છે. આ બંને માથાભારે ગુનેગારો પકડાતા પોલીસે મોટી આફત ટાળી છે. લિંબાયત, ભેસ્તાન અને સલાબતપુરામાં સર્ચ ઓપરેશન
સુરત એસઓજી દ્વારા કરવામાં આવેલું આ કોમ્બિંગ ઓપરેશન કોઈ એકાદ વિસ્તાર પૂરતું સીમિત નહોતું, પરંતુ સમગ્ર શહેરના તમામ પોલીસ ડિવિઝનની અંદર વ્યાપક સ્તરે હાથ ધરવામાં આવ્યું હતું. જો કે, પોલીસના સત્તાવાર આંકડા મુજબ સૌથી વધુ ગુનાહિત પ્રવૃત્તિઓ અને ઘાતક હથિયારો લિંબાયત, ભેસ્તાન અને સલાબતપુરા પોલીસ સ્ટેશનની હદમાંથી મળી આવ્યા છે. આ વિસ્તારોમાં ગુનેગારો સરેઆમ હથિયારો રાખીને ફરતા હોવાની બાતમીના આધારે પોલીસે તેમના ઘરો અને સંભવિત આશ્રયસ્થાનોની આજુબાજુ ઘેરાબંધી કરી હતી. આ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસે હાથ ધરેલી કડક કાર્યવાહીથી સ્થાનિક શાંતિપ્રિય નાગરિકોએ સુરક્ષાની લાગણી અનુભવી છે અને લુખ્ખા તત્વો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. હથિયારોનું વેચાણ અને ઓનલાઇન ડિલિવરી ચિંતાનો વિષય
પોલીસ તપાસમાં એક ચોંકાવનારી વિગત એ પણ સામે આવી છે કે ગુનેગારો પાસે આટલી મોટી સંખ્યામાં તીક્ષ્ણ હથિયારો ક્યાંથી આવે છે. સામાન્ય રીતે ચપ્પુ, રાઇડિંગ નાઇફ અને રેમ્બો છરી જેવા હથિયારો સ્થાનિક બજારોમાં સહેલાઈથી મળી રહે છે. આ ઉપરાંત આજકાલ ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ અને વિવિધ ઓનલાઇન શોપિંગ વેબસાઇટ્સ પર પણ આવા પ્રતિબંધિત અને ઘાતક તીક્ષ્ણ હથિયારો હોમ ડિલિવરી સાથે ઓનલાઇન પણ ઉપલબ્ધ બની રહ્યા છે, જે કાયદો અને વ્યવસ્થા માટે મોટો પડકાર છે. એસઓજી ડીસીપી રાજદીપસિંહ નકુમએ જણાવ્યું છે કે, આ આરોપીઓ હથિયારો ક્યાંથી લાવ્યા હતા તેની આખી સપ્લાય ચેઈન સ્કેન કરવામાં આવશે અને ગેરકાયદે હથિયાર વેચનારાઓ સામે પણ કાયદાકીય સકંજો કસાશે. DCP રાજદીપસિંહ નકુમની ચેતવણી
આ સફળ ઓપરેશન બાદ એસઓજી ડીસીપી રાજદીપ સિંહ નકુમએ ગુનેગારો અને અસામાજિક તત્વોને અત્યંત કડક શબ્દોમાં ખુલ્લી ચેતવણી અને ધમકી આપી છે. "જો તમે આવા ઘાતક હથિયારો લઈને જાહેર રસ્તાઓ પર ફરશો તો અમે તમને સહેજ પણ છોડીશું નહીં. જો તમે ભવિષ્યમાં અમારી પાસે પકડાશો, તો તમારી આકરી શૈલીમાં પ્રોપર સર્વિસ કરવામાં આવશે અને લોકઅપમાં એવી પ્રોપર સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપવામાં આવશે કે ગુનાખોરી કરવાનું ભૂલી જશો." હાલમાં પકડાયેલા તમામ 72 આરોપીઓની ડિટેઈલ પૂછપરછ અને પ્રોફાઈલ સ્કેનિંગ શરૂ કરાયું છે. જો આ લોકો વિરુદ્ધ અગાઉના કોઈ વણઉકેલાયેલા ગુના હશે તો તે પણ શોધવામાં આવશે, અને જો સામાન્ય જનતામાંથી કોઈની પણ આ લોકો વિરુદ્ધ પ્રોપર ફરિયાદ હશે તો તે તાત્કાલિક નોંધીને કડક કાયદાકીય પગલાં લેવાશે. ભવિષ્યમાં પણ એસઓજીનું આ ઓપરેશન સતત ચાલુ રહેશે.
Read Original Article →