50થી વધુ કારને સળગતા બચાવી લીધી:સીમાડા BRTS રોડ પર રામ કાર મેળામાં આગ લાગતા નાસભાસ, કેબિનમાં ગેસ સિલિન્ડર હોવાથી લોકો દૂર ભાગ્યા
સુરતમાં સીમાડા BRTS રોડ પર સેતુબંધ હાઈટ્સની સામેના રામ કાર મેળાની અંદર ચા-નાસ્તાની કેબિનમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. ફાયર વિભાગના જવાનોએ તાત્કાલિક સ્થળ પર પહોંચીને પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી. કાર મેળાની 50થી વધુ કારને બચાવી લેવામાં આવી હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. કાર વર્લ્ડ મેળામાં શોર્ટ સર્કિટથી આગ
ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ રામ કાર વર્લ્ડ મેળામાં શોર્ટ-સર્કિટથી આગ લાગી હતી. જેના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. નજીકમાં એકથી વધુ કાર મેળા હોવાથી મોટી દુર્ઘટનાની ભીતિ ઉભી થઈ હતી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગના અધિકારી વિનોદ રોજીવાડિયા સહિતનો ફાયર વિભાગના જવાનોનો કાફ્લો તુરંત સ્થળ પર પહોંચી ગયો હતો. કેબિનમાં ગેસ સિલિન્ડર હોવાથી લોકો દૂર ભાગ્યા
આગમાં ચા-નાસ્તાની કેબિન અને ઓફિસમાં એસીને નુકસાન થયું હતું. સદનસીબે આગ આસપાસના કાર મેળાઓ સુધી ફેલાઈ નહીં અને ત્યાં રાખવામાં આવેલી કારો તેમજ ઓફિસ સુરક્ષિત રહી હતી. કાર મેળામાં રહેલી 50થી વધુ કારને બચાવી લેવામાં આવી હતી. કેબિનની અંદર ગેસ સિલિન્ડર હોવાની જાણ થતા આસપાસથી લોકો પણ દૂર ભાગી ગયા હતા. જોકે ગણતરીની મિનિટોમાં જ ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવી લેવામાં આવતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.
Read Original Article →