90 ભાષામાં 75,000 વાર નવકાર મંત્ર લખી ભક્તિની મિસાલ બન્યા:સુરતના 64 વર્ષીય શોભાબેન શાહનું હવે 150 ભાષામાં મંત્ર લખવાનું લક્ષ્ય, ChatGPTની મદદ લેશે
9 એપ્રિલએ સમગ્ર વિશ્વમાં 'વિશ્વ નવકાર મહામંત્ર દિવસ' તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે સુરતમાંથી ભક્તિ અને આસ્થાનો એક અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરતમાં રહેતા 64 વર્ષીય શોભાબેન શાહ લાંબા સમયથી જૈન ધર્મના આદિ મંત્ર એવા નવકાર મંત્રની સાધના કરી રહ્યા છે. શોભાબેને પોતાની ભક્તિને એક નવું જ સ્વરૂપ આપતા અત્યાર સુધીમાં 75,000થી વધુ વખત નવકાર મંત્ર લખવાની અનેરી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આટલી મોટી સંખ્યામાં મંત્ર લખવા પાછળ તેમનો ઉદ્દેશ્ય માત્ર ધર્મ જ નહીં, પરંતુ માનસિક શાંતિ અને પોઝિટિવિટી મેળવવાનો રહ્યો છે. તેમણે માત્ર ગુજરાતી કે હિન્દી જ નહીં, પરંતુ વિશ્વની 90 જેટલી અલગ-અલગ ભાષાઓમાં આ મંત્ર લખીને સૌને આશ્ચર્યચકિત કરી દીધા છે. નવકાર મંત્રના પ્રભાવથી નકારાત્મકતા દૂર થઈ
શોભાબેન શાહ જણાવે છે કે, જીવનમાં જ્યારે પણ કોઈ મુશ્કેલ પરિસ્થિતિ આવે ત્યારે નવકાર મંત્રનો સહારો લેવાથી મોટો ફાયદો થાય છે. 64 વર્ષની ઉંમરે પણ તેમની સ્ફૂર્તિ કોઈ યુવાન જેવી જ છે. તેઓ માને છે કે આ મંત્ર લખવાના પ્રારંભ પછી તેમના જીવનમાં મોટું પરિવર્તન આવ્યું છે. અગાઉ તેઓ જે આર્ત્ય ધ્યાનમાં (દુઃખ અને ચિંતામાં) રહેતા હતા, ત્યાંથી હવે તેઓ ધર્મ ધ્યાન તરફ વળ્યા છે. શોભાબેનના જણાવ્યા મુજબ, નવકાર મંત્રના સતત લેખનથી તેમના મનમાંથી નેગેટિવિટી દૂર થઈ છે અને હવે તેમનું મન એકદમ શાંત રહે છે. ગુરુદેવ દ્વારા મળેલા પુસ્તકોએ તેમને આ માર્ગ પર ચાલવાની પ્રેરણા આપી હતી. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને 4 કલાક લેખન કાર્ય
શોભાબેનની આ સિદ્ધિ પાછળ તેમનું કઠોર શિસ્ત જવાબદાર છે. તેઓ દરરોજ સવારે બ્રહ્મ મુહૂર્તમાં એટલે કે 3:00થી 7:00 વાગ્યા સુધી એકાગ્રતા સાથે નવકાર મંત્ર લખવાનું કાર્ય કરે છે. અત્યાર સુધીમાં તેમણે કુલ 55 જેટલા પુસ્તકો આ મંત્રથી ભરી દીધા છે. શોભાબેન કહે છે કે, સવારનો સમય શાંત હોય છે અને તે સમયે કરેલી સાધના સીધી આત્માને સ્પર્શે છે. શરૂઆતમાં તેમણે એક પછી એક પુસ્તકો લખવાનું શરૂ કર્યું અને જેમ જેમ અનુભૂતિ સારી થતી ગઈ તેમ તેમ તેમણે મંત્ર લેખનની સંખ્યા અને રીત બદલવાનું નક્કી કર્યું. બ્રાહ્મી લિપિથી લઈને અરેબિક સુધી 90 ભાષામાં મંત્ર લેખન
શોભાબેનની વિશેષતા એ છે કે, તેમણે નવકાર મંત્રને માત્ર પોતાની માતૃભાષામાં જ સીમિત રાખ્યો નથી. ભગવાન આદેશ્વરે જે બ્રાહ્મી લિપિ બતાવી હતી, તે લિપિ શીખવા માટે તેમણે મોબાઈલનો સહારો લીધો અને તેમાં પણ મંત્ર લખ્યા. આજે તેઓ ફ્રેન્ચ, ઉર્દુ, જર્મન, અરેબિક, થાઈ, તેલુગુ અને મૈથિલી જેવી કુલ 90 ભાષામાં નવકાર મંત્ર લખી શકે છે. આ સિવાય પ્રાકૃત અને દેવનાગરી લિપિમાં પણ તેમણે અનેક પુસ્તકો તૈયાર કર્યા છે. એક આખું પુસ્તક પૂર્ણ કરતા તેમને આશરે એક મહિના જેટલો સમય લાગે છે. કળા અને ભક્તિનો સંગમ: આકૃતિઓમાં નવકાર
શોભાબેને નવકાર મંત્રને માત્ર લાઈનોમાં નથી લખ્યા, પરંતુ તેને વિવિધ કલાત્મક આકૃતિઓમાં કંડાર્યા છે. તેમણે 550 વર્ષ જૂની હસ્તપ્રતોની પ્રતિકૃતિ, જૈન શાસન ધ્વજ, અષ્ટ મંગલ, કમળ, પતંગિયા અને હૃદય કમળ જેવી સુંદર આકૃતિઓની વચ્ચે અક્ષરો ગોઠવીને નવકાર મંત્ર લખ્યો છે. આ ઉપરાંત, જૈન ધર્મના 24 તીર્થંકરોના લાંછન અને 14 સ્વપ્નોમાં પણ તેમણે મંત્રને એવી રીતે ગોઠવ્યો છે કે તે એક કલાત્મક ચિત્ર જેવું દેખાય. આ ક્રિએટિવિટી પાછળ તેમનો ઉદ્દેશ્ય નવી પેઢીને ધર્મ તરફ આકર્ષવાનો પણ છે. ધાર્મિક કથાઓમાંથી મળી પ્રેરણા
નવકાર મંત્રની શક્તિ વિશે વાત કરતા શોભાબેન કહે છે કે, ઈતિહાસમાં અનેક દાખલા છે જ્યાં નવકારના પ્રભાવથી ચમત્કારો થયા છે. જેમ કે સુદર્શન શેઠ માટે શૂળીનું સિંહાસન થઈ જવું, અમર કુમારની બળતી જ્વાળાઓ શાંત થવી કે શ્રીપાલ-મૈના સુંદરીને રિદ્ધિ-સિદ્ધિની પ્રાપ્તિ થવી. આ બધી કથાઓએ તેમને પ્રેરણા આપી કે જો શ્રદ્ધાપૂર્વક મંત્ર લખવામાં આવે તો આજના સમયમાં પણ માનસિક શાંતિ જેવી સૌથી મોટી સંપત્તિ મેળવી શકાય છે. 64 વર્ષની વયે પણ તેમની આ આસ્થા અડગ છે. હવે ChatGPT દ્વારા નવી ભાષાઓ શીખશે
શોભાબેન સમયની સાથે ચાલનારા સાધક છે. અત્યાર સુધી 75,000 નવકાર મંત્ર લખ્યા પછી હવે તેમનું લક્ષ્ય મોટું છે. તેઓ જણાવે છે કે હવે તેઓ ChatGPT અને અન્ય ટેકનોલોજીના માધ્યમથી નવી ભાષાઓ શોધી રહ્યા છે. વિશ્વમાં અંદાજે 150 જેટલી મુખ્ય ભાષાઓ છે અને શોભાબેનની ઈચ્છા છે કે તેઓ બાકી રહેલી તમામ ભાષાઓમાં પણ નવકાર મંત્ર લખે. જેમ-જેમ નવી ભાષાઓ વિશે માહિતી મળશે તેમ તેમ તેઓ તેને શીખીને પોતાની લેખન સાધનામાં ઉમેરતા જશે. 75,000 મંત્રનો આંકડો કેવી રીતે પૂર્ણ થયો?
શોભાબેને આપેલી વિગતો મુજબ, તેમણે પહેલા તબક્કામાં 50,000 નવકાર મંત્ર લખ્યા હતા. ત્યારબાદ બીજા તબક્કામાં તેમણે વધુ 25,000 મંત્ર પૂર્ણ કર્યા છે. આમ કુલ મળીને 75,000 વખત નવકાર મંત્ર લખીને તેમણે એક ભગીરથ કાર્ય પૂર્ણ કર્યું છે. આ લેખન માટે તેઓ ખાસ પેન અને શાહીનો ઉપયોગ કરે છે, જેથી વર્ષો સુધી આ પુસ્તકો સચવાઈ રહે. આ પુસ્તકો માત્ર કાગળના થોથા નથી, પરંતુ શોભાબેનની વર્ષોની મહેનત અને ભક્તિનું પરિણામ છે. આવનારી પેઢી માટે સંદેશ
આજના ભાગદોડ ભર્યા જીવનમાં જ્યારે લોકો માનસિક તણાવનો શિકાર બની રહ્યા છે, ત્યારે સુરતના આ 64 વર્ષીય શોભાબેન શાહ એક ઉદાહરણ પૂરું પાડે છે. તેઓ કહે છે કે ધર્મ એ માત્ર મંદિરે જવા પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેને તમારા જીવનમાં અને તમારી ક્રિએટિવિટીમાં ઉતારવો જોઈએ. નવકાર મંત્રના અક્ષરે-અક્ષરમાં જે શક્તિ છે તે અનુભવવાની વસ્તુ છે. શોભાબેનની આ મંત્ર સાધના આજે સુરત જ નહીં પરંતુ સમગ્ર જૈન સમાજ માટે ગૌરવનો વિષય બની છે.
Read Original Article →