નવી કાર ખરીદવા જતા જૂની સ્કોર્પિયો આગમાં બળીને ખાક:ચાલકની સમયસૂચકતાથી બાળકો સહિત પરિવારના 6 સભ્યોનો બચાવ, ટાયરો ધડાકાભેર ફાટતા અફરાતફરી
સુરતના ઉધના-મગદલ્લા રોડ પર આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં નવી કાર ખરીદવા નીકળેલા એક સુખી પરિવારની ખુશીઓ પલભરમાં ચિંતામાં ફેરવાઈ ગઈ હતી. જોગણી માતા મંદિર નજીક 20 લાખ રુપિયાની મહિન્દ્રા સ્કોર્પિયો કારમાં અચાનક ભયાનક આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આખી કાર અગનગોળો બની ગઈ હતી અને તેના પાંચેય ટાયરો ધડાકાભેર ફાટતાં સમગ્ર વિસ્તારમાં ગભરાટ જેવો માહોલ સર્જાયો હતો. જોકે, કાર ચાલકની સમયસૂચકતાને કારણે કારમાં સવાર 3 બાળકો અને 2 મહિલાઓ સહિત 6 લોકોનો બચાવ થયો હતો. નવી કારની લેવા જતા જૂની કાર સળગી ઊઠી
મળતી વિગતો અનુસાર, વાપીના રહેવાસી નિલેશભાઈ વર્મા પોતાના પરિવાર સાથે સુરતમાં નવી કાર ખરીદવા માટે આવ્યા હતા. તેઓ ઉધના-મગદલ્લા રોડ પર આવેલા જોગાણી માતા મંદિર પાસેના એક પ્રતિષ્ઠિત કાર શોરૂમ તરફ જઈ રહ્યા હતા. આખો પરિવાર નવી ગાડી ઘરે લાવવાના ઉત્સાહમાં હતો, ત્યાં જ માટલાવાળા સર્કલ નજીક ટર્ન લેતી વખતે અચાનક જ તેમની ચાલતી સ્કોર્પિયો કારના બોનેટમાંથી કાળો ધુમાડો નીકળવા લાગ્યો હતો. ચાલકે કહ્યું 'બધા બહાર નીકળો અને કાર ભડકે બળી
બોનેટમાંથી ધુમાડો નીકળતો જોઈ ચાલક નિલેશ વર્માને તુરંત જ કોઈ મોટી ટેકનિકલ ખામી હોવાની શંકા ગઈ હતી. તેમણે સહેજ પણ સમય બગાડ્યા વિના તાત્કાલિક ગાડીને રસ્તાની એક બાજુએ બ્રેક મારી થોભાવી દીધી હતી અને જોરથી બૂમો પાડી પરિવારના તમામ સભ્યોને તાબડતોબ બહાર ઉતારી લીધા હતા. તેઓ કારમાંથી નીચે ઉતરીને હજુ થોડા જ દૂર ખસ્યા હશે, ત્યાં જ ગણતરીની સેકન્ડોમાં આખી કાર આગની વિકરાળ લપેટમાં આવી ગઈ હતી. જો નિલેશભાઈએ ગાડી ઊભી રાખવામાં એક મિનિટની પણ મોડું કર્યું હોત, તો મોટી જાનહાનિ થઈ શકી હોત. એક પછી એક ટાયરો ફાટતા સ્થાનિકોમાં ગભરાટ
આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં આખી સ્કોર્પિયો કાર માત્ર લોખંડના માળખામાં ફેરવાઈ ગઈ હતી. આગની તીવ્ર ગરમીના કારણે કારના ચાર પૈડા અને પાછળ લગાડેલું સ્પેર વ્હીલ સહિત પાંચેય ટાયરો એક પછી એક પ્રચંડ ધડાકા સાથે ફાટવા લાગ્યા હતા. આ અવાજ સાંભળીને આસપાસના દુકાનદારો અને વાહનચાલકોમાં ભય ફેલાયો હતો અને લોકો જીવ બચાવવા ભાગવા લાગ્યા હતા. ઘટનાને પગલે ઉધના-મગદલ્લા રોડ પર કિલોમીટરો લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા
મજુરા ફાયર સ્ટેશનના ઓફિસર કાંતિ ભગેરિયાએ જણાવ્યું હતું કે, ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. ટાયરો ફાટતા હોવા છતાં ફાયર જવાનોએ ભારે સાવધાનીપૂર્વક પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ અથવા એન્જિનમાં ટેકનિકલ ખામી હોવાનું જણાય છે. સદનસીબે કોઈ ઈજા કે જાનહાનિ થઈ નથી. નવી કારના શોરૂમ નજીક જ જૂની કાર રાખ થઈ ગઈ!
આ અકસ્માત એટલો વિચિત્ર અને આઘાતજનક હતો કે જે શોરૂમમાંથી નિલેશભાઈ નવી ગાડી ખરીદવાના હતા, તેનાથી થોડે જ દૂર તેમની જૂની સ્કોર્પિયો ગાડી સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. ફાયર બ્રિગેડે આગ ઓલવી ત્યાં સુધીમાં માત્ર કારનું લોખંડનું માળખું જ બચ્યું હતું. બાદમાં પોલીસે ક્રેનની મદદથી રોડ પરથી સળગેલી કારને બાજુ પર ખસેડી ટ્રાફિક હળવો કર્યો હતો. નવી કાર આવવાની ખુશી વચ્ચે આ ભયાનક અકસ્માત જોઈ પરિવાર હજુ પણ આઘાતમાં છે, પરંતુ આખા પરિવારનો જીવ બચી જતાં તેમણે ભગવાનનો આભાર માન્યો હતો.
Read Original Article →