Live Updates

સુરતમાં ભાડાની સ્કોર્પિયોથી 3 મહિલાને ઉડાવી, એકનું મોત:કાર બે-ત્રણ વાર પલટી મારી ખાળીયામાં ખાબકી; 19 વર્ષીય ચાલકને લોકોએ ફટકાર્યો, LIVE વીડિયો

Gujarat4/14/2026, 4:46:07 AM
સુરતમાં ભાડાની સ્કોર્પિયોથી 3 મહિલાને ઉડાવી, એકનું મોત:કાર બે-ત્રણ વાર પલટી મારી ખાળીયામાં ખાબકી; 19 વર્ષીય ચાલકને લોકોએ ફટકાર્યો, LIVE વીડિયો
સુરતના મોટા વરાછા વિસ્તારમાં હરિહર કાઠીયાવાડી રેસ્ટોરન્ટ પાસે 13 એપ્રિલની સાંજે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. અબ્રામા ગામના ટાંકી ફળિયામાં રહેતા 47 વર્ષીય ટીનુબેન કિશોરભાઈ રાઠોડ તેમની બહેનપણીઓ હીનાબેન અને સંગીતાબેન સાથે મોટા વરાછા આઉટર રિંગ રોડ પર આવેલા આસ્થા ફાર્મમાં કેટરિંગના કામ માટે ગયા હતા. લગ્ન પ્રસંગમાં કામ દરમિયાન ત્રણેય મહિલાઓ પગપાળા નજીકની દુકાને નાસ્તો લેવા નીકળી હતી. આ દરમિયાન પાછળથી આવતી એક બેફામ સ્કોર્પિયો કારે ત્રણેયને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ટીનુબેન રાઠોડનું સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે બે મહિલાને ગંભીર હાલમાં સારવારમાં ખસેડાઈ છે. અકસ્માત બાદ સ્કોર્પિયો કાર પલટીને રસ્તાની બાજુમાં ઉતરી ગઈ હતી. રોષે ભરાયેલા લોકોએ કારચાલક 19 વર્ષીય યુવકને પકડીને ફટકાર્યો હતો. સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી મૃતક ટીનુબેનના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ઉલ્લેખનીય છે કે, ટીનુબેનના પતિનું અગાઉ અવસાન થઈ ચૂક્યું છે. પરિવારની આર્થિક સ્થિતિ સામાન્ય હોવાથી તેઓ કેટરિંગમાં મજૂરીકામ કરીને ઘર ગુજરાન ચલાવતા હતા. ટીનુબેનને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેમનો પુત્ર ખેત મજૂરી કરીને પરિવારને મદદરૂપ થતો હતો, ત્યારે માતાના અચાનક નિધનથી સંતાનોએ પોતાની છત્રછાયા ગુમાવી છે. 19 વર્ષીય કારચાલકની અટકાયત અકસ્માત સર્જનાર કારચાલકની ઓળખ 19 વર્ષીય રોશન ચંદુભાઈ માલવિયા તરીકે થઈ છે. રોશન સરથાણાની યોગેશ્વર સોસાયટીમાં રહે છે અને કોસ્મેટિકનો ઓનલાઇન વેપાર કરે છે. ગફલતભરી રીતે ગાડી ચલાવી નિર્દોષ મહિલાનો જીવ લેવા બદલ ઉત્રાણ પોલીસે રોશન વિરુદ્ધ ગુનો નોંધી તેની અટકાયત કરી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભાડેથી કાર લાવી મિત્રો રખડવા નીકળ્યાં હતાં રોશન માલવિયા તેના મિત્રો જય જાદવ, વિવેક ગાબાણી, પ્રિત તળાવિયા અને હેત માલવિયાએ એક દિવસના ભાડે સ્કોપિયો કાર લીધી હતી. પાંચેય મિત્રો અખો દિવસ કારમાં ફર્યા હતા. બાદમાં સાંજના સમયે મિત્રો કાર લઇ મોટા વરાછા આઉટર રિંગ રોડ ઉપર ગયા હતા. આ દરમિયાન રોશન કાર ચલાવતો હતો, ત્યારે આઉટર રિંગ રોડ ઉપર પૂરઝડપે કાર ચલાવી પગપાળા જતી ત્રણ મહિલાને ટક્કર મારતાં કાર દૂર સુધી ફંગોળાઈ બે-ત્રણ વાર પલટી મારી ગઈ હતી. આમાં ચાલક રોશનને સામાન્ય ઈજા પહોંચી હતી, જ્યારે અન્ય ચાર મિત્રનો આબાદ બચાવ થયો હતો.
Read Original Article →