મોટા વરાછાની સરકારી સ્કૂલ શિફ્ટ કરાતા ભારે વિરોધ:એડમિશન પ્રક્રિયા પૂરી થયા બાદ શાળા શિફ્ટ કરવાનો તંત્રનો નિર્ણય, ગરમીની સિઝનમાં વિદ્યાર્થીઓ-વાલીઓ હેરાન-પરેશાન

Gujarat6/8/2026, 4:36:48 PM
મોટા વરાછાની સરકારી સ્કૂલ શિફ્ટ કરાતા ભારે વિરોધ:એડમિશન પ્રક્રિયા પૂરી થયા બાદ શાળા શિફ્ટ કરવાનો તંત્રનો નિર્ણય, ગરમીની સિઝનમાં વિદ્યાર્થીઓ-વાલીઓ હેરાન-પરેશાન
સુરતના મોટા વરાછા વિસ્તારમાંથી એક સંવેદનશીલ અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અહીં આવેલી એક સુરત મનપા દ્વારા સંચાલિત અંગ્રેજી માધ્યમની શાળાને તંત્ર દ્વારા કોઈપણ પૂર્વ સૂચના વગર અન્ય સ્થળે ખસેડવાનો નિર્ણય લેવાતા વાલીઓમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. કાળઝાળ ગરમીની આ સિઝનમાં અચાનક લેવાયેલા આ નિર્ણયથી સેંકડો બાળકોનું ભવિષ્ય અધ્ધરતાલ થઈ ગયું છે, જેને પગલે રોષે ભરાયેલા વાલીઓએ શાળા પરિસરમાં એકઠા થઈને વહીવટી તંત્ર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. મનપા સંચાલિત શાળા નંબર 309માં હંગામો મળતી વિગતો અનુસાર, મોટા વરાછા વિસ્તારમાં કાર્યરત સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત શાળા નંબર 309 માં આ હંગામો મચ્યો છે. આ શાળા ખાસ કરીને સ્થાનિક મધ્યમ અને શ્રમિક વર્ગના બાળકોને મફત અને ગુણવત્તાસભર અંગ્રેજી માધ્યમનું શિક્ષણ મળી રહે તેવા ઉમદા હેતુથી સ્થાપવામાં આવી હતી. વાલીઓનો મુખ્ય આક્ષેપ છે કે, શિક્ષણ વિભાગ અથવા સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા શાળાને અન્ય જગ્યાએ શિફ્ટ કરવા અંગે અગાઉથી કોઈ લેખિત કે મૌખિક જાણ કરવામાં આવી નથી. એટલું જ નહીં, આટલો મોટો નિર્ણય લેતા પહેલા વાલી મંડળ કે સ્થાનિક લોકોની કોઈ સંમતિ પણ લેવામાં આવી નથી. તંત્રના આ મનસ્વી વલણથી વાલીઓમાં પ્રચંડ નારાજગી જોવા મળી રહી છે. એડમિશન થયા બાદ શાળા શિફ્ટ કરવાનો તંત્રનો નિર્ણય શાળા પરિસરે એકઠા થયેલા વાલીઓએ પોતાનો બળાપો કાઢતા જણાવ્યું હતું કે, થોડા દિવસો પહેલા જ તેઓ પોતાના બાળકોના જરૂરી ડોક્યુમેન્ટ્સ અને ફોર્મ સબમિટ કરવા માટે શાળાએ આવ્યા હતા. એ સમયે પણ શાળા પ્રશાસન કે આચાર્ય દ્વારા આવી કોઈ હિલચાલ કે બદલીના નિર્ણય અંગે ભણકારા સુદ્ધાં આપવામાં આવ્યા નહોતા. વાલીઓ પોતાના બાળકોના એડમિશન પ્રક્રિયાથી નિશ્ચિંત હતા, ત્યાં જ અચાનક શાળા બદલાઈ જવાની વાત સામે આવતા તેઓ ચોંકી ઉઠ્યા છે. તંત્ર દ્વારા વાલીઓને અંધારામાં રાખીને લેવાયેલો આ નિર્ણય હવે વિવાદનું મુખ્ય કારણ બન્યો છે. ભૂલકાઓ અને વાલીઓને ભારે હાલાકી હાલમાં સમગ્ર સુરત સહિત રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે. તાપમાનનો પારો આસમાને છે ત્યારે આવા અસહ્ય વાતાવરણમાં શાળાનું અંતર વધી જવાથી અથવા લોકેશન બદલાવાથી નાના-નાના ભૂલકાઓ અને તેમના વાલીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. નવા સ્થળે આવવા-જવામાં પડનારી મુશ્કેલીઓ, વાહનની વ્યવસ્થા અને આકરી ગરમીના કારણે બાળકોના સ્વાસ્થ્ય પર પણ જોખમ ઊભું થયું છે. વાલીઓનું કહેવું છે કે, નવું સત્ર શરૂ થવાના આરે છે ત્યારે આવા નિર્ણયો લેવા પાછળ તંત્રની કઈ માનસિકતા કામ કરી રહી છે તે સમજાતું નથી. બાળકોના માનસિક સ્તર પર નકારાત્મક અસર આ સરકારી અંગ્રેજી માધ્યમની શાળા જ્યારે શરૂ થઈ, ત્યારથી જ આ વિસ્તારના બાળકો અહીં અભ્યાસ કરી રહ્યા છે. લાંબા સમયથી એક જ પરિસરમાં ભણતા હોવાથી બાળકોનું આ શાળાના વાતાવરણ, વર્ગખંડો અને પોતાના મિત્રો સાથે એક મજબૂત શૈક્ષણિક અને ભાવનાત્મક જોડાણ થઈ ગયું છે. વાલીઓએ ઉમેર્યું કે, તેઓએ આ શાળાનું ચોક્કસ લોકેશન, ત્યાં ઉપલબ્ધ ઉત્તમ ભૌતિક સુવિધાઓ અને સરકારી સ્તરે મળતું અંગ્રેજી માધ્યમનું શિક્ષણ જોઈને જ પોતાના સંતાનોનું ભવિષ્ય અહીં સુરક્ષિત માન્યું હતું અને એડમિશન અપાવ્યું હતું. હવે અચાનક સ્થળ બદલાવાથી બાળકોના માનસિક સ્તર પર પણ નકારાત્મક અસર પડી શકે છે. આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનશે રોષે ભરાયેલા વાલીઓએ એકસૂરે તંત્ર સમક્ષ માંગણી કરી છે કે, બાળકોનું શિક્ષણ અધવચ્ચે અટકે કે બગડે નહીં તે માટે આ સ્થળાંતરનો નિર્ણય તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે. શાળાને અન્ય કોઈ વિસ્તારમાં ખસેડવાને બદલે હાલના જ પરિસરમાં અને આ જ લોકેશન પર યથાવત્ રાખવામાં આવે. જો વહીવટી તંત્ર દ્વારા વાલીઓની આ ન્યાયિક માંગણી સ્વીકારવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં આ આંદોલન વધુ ઉગ્ર બનશે અને બાળકોના શિક્ષણના હિતમાં તેઓ ઉચ્ચ સ્તરે રજૂઆત કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
Read Original Article →