સુરત SBI લૂંટ કેસમાં માસ્ટરમાઈન્ડ પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા:કુંદનનો પિતરાઈ ભાઈ ચંદન જ મુખ્ય મદદગાર નીકળ્યો, લૂંટનો 'કેપ્ટન' એલેક્સ હોવાનો ખુલાસો

Gujarat6/9/2026, 10:22:31 AM
સુરત SBI લૂંટ કેસમાં માસ્ટરમાઈન્ડ પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા:કુંદનનો પિતરાઈ ભાઈ ચંદન જ મુખ્ય મદદગાર નીકળ્યો, લૂંટનો 'કેપ્ટન' એલેક્સ હોવાનો ખુલાસો
સુરતમાં ગત 27 એપ્રિલ વરાછામાં થયેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખામાંથી રૂ. 50 લાખની સનસનાટીભરી લૂંટના કેસમાં પોલીસ તપાસમાં નવા વળાંકો આવી રહ્યા છે. બિહારની જેલમાં બંધ મુખ્ય સૂત્રધાર કુંદનને સુરત લાવીને આકરી પૂછપરછ દરમિયાન પોલીસને કેટલીક એવી ચોંકાવનારી હકીકતો અને કનેક્શન હાથ લાગ્યા છે, જેનાથી આ સમગ્ર લૂંટનો ગાળિયો વધુ મજબૂત બન્યો છે. પોલીસ તપાસમાં વધુ એક આરોપીનું નામ ખુલતા હવે કુલ આરોપીઓની સંખ્યા 11 પર પહોંચવાની સંભાવના છે. કુંદનનો સગો ફોઈનો દીકરો જ નીકળ્યો માસ્ટરમાઇન્ડ પછીનો મુખ્ય સૂત્રધાર પોલીસના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ લૂંટ કેસમાં જે સાત નામો અગાઉ તપાસમાં બહાર આવ્યા હતા અને આઠમું નામ વિકાસ સિંહનું ખુલ્યું હતું જેણે આરોપીઓને મદદ કરી હતી, ત્યારબાદ જેલમાં બંધ કુંદન નવમો આરોપી હતો. હવે આ કેસમાં 10માં આરોપી તરીકે સુરતમાંથી સ્થાનિક સ્તરે મદદ કરનાર ચંદન ઉર્ફે જેક ઉર્ફે દીપકનું નામ સામે આવ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે, આ ચંદન એ મુખ્ય આરોપી કુંદનનો સગો ફોઈનો દીકરો (પિતરાઈ ભાઈ) થાય છે. આ લૂંટના સમગ્ર પ્લાનિંગમાં અને લોજિસ્ટિક સપોર્ટ પૂરો પાડવામાં ચંદનની ભૂમિકા સૌથી મહત્વની અને મુખ્ય હોવાનું બહાર આવ્યું છે. એલેક્સ હતો લૂંટનો 'કેપ્ટન', ઈશારે નાચતી હતી આખી ગેંગ પોલીસની પ્રાથમિક તપાસમાં માસ્ટરમાઇન્ડ તરીકે મુખ્ય ત્રણ નામો ઉપસી આવ્યા છે જેમાં કુંદન, ચંદન અને એલેક્સનો સમાવેશ થાય છે. આ ત્રણેય જણા જેલમાંથી જ એકબીજાના સંપર્કમાં રહીને આખો પ્લાન ઘડતા હોવાનું મનાઈ રહ્યું છે. જેમાં એલેક્સની ભૂમિકા સૌથી મહત્વની હતી. એલેક્સ માત્ર લૂંટના પ્લાનિંગમાં જ સામેલ નહોતો, પરંતુ તે પોતે ફિલ્ડ પર એટલે કે લૂંટ આચરવા માટે પણ બેંકમાં આવ્યો હતો. ગેંગના અન્ય સભ્યોને આ અંગે કોઈ ખાસ ગતાગમ નહોતી, તેઓ તો માત્ર કાગડા જેવા હતા અને એલેક્સ આ લૂંટનો 'કેપ્ટન' બનીને આખી લાઇન-દોરી સંભાળતો હતો. ગેંગના તમામ સભ્યો એલેક્સના ઇશારે જ કામ કરી રહ્યા હતા. ચંદને જ આરોપીઓને રહેવાની વ્યવસ્થા કરી આપી હોવાની આશંકા પોલીસને શંકા છે કે માસ્ટરમાઇન્ડ ચંદને જ લૂંટના ગુનાને અંજામ આપવા માટે બહારથી આવેલા સાત પૈકીના કેટલાક વ્યક્તિઓને સુરતમાં આશરો આપ્યો હતો અને રહેવાની વ્યવસ્થા કરી આપી હતી. અગાઉ પકડાયેલા આરોપી શુભમે પણ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે, તેને આ કામ માટે મોકલવામાં આવ્યો હતો, પરંતુ તેની પાછળ કોણ હતું તેની તેને વિગતવાર માહિતી નહોતી. હવે ચંદનનું નામ ખુલતા આખું કનેક્શન સ્પષ્ટ થઈ ગયું છે. હજી ચોથું નામ પણ પોલીસ રડારમાં, રિમાન્ડ દરમિયાન થશે સત્તાવાર જાહેરાત પોલીસ આ કેસમાં કાયદાકીય પ્રક્રિયા હેઠળ કોર્ટમાં રિવિઝન ફાઇલ કરી રહી છે અને ટૂંક સમયમાં જ હુકમની કોપી મળ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે. હાલમાં પોલીસ પાસે હજી એક ચોથા માસ્ટરમાઇન્ડનું નામ પણ છે. જોકે, તેની સંપૂર્ણ સચોટતા ન હોવાના કારણે પોલીસ હાલ રેકોર્ડ પર સત્તાવાર જાહેરાત કરવાનું ટાળી રહી છે. આરોપીઓ ફરીથી રિમાન્ડ પર આવશે ત્યારે આ ચોથા નામ અંગે લિંક ક્લિયર કરીને વિધિવત જાહેરાત કરવામાં આવશે. આ 11 આરોપીઓ પકડાતાની સાથે જ સુરત બેંક લૂંટનો આખો કેસ સંપૂર્ણપણે ઉકેલાઈ જશે તેમ પોલીસ માની રહી છે. બિહારની જેલમાંથી બેંક લૂંટનું પ્લાનિંગ ઘડાયું હતું પોલીસના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગત 27 એપ્રિલના રોજ વરાછા રોડ પર આવેલી SBI બેંકમાં પિસ્તોલ સહિતના હથિયારધારી લૂંટારુઓની ટોળકી ત્રાટકી હતી અને સ્ટાફ તેમજ ગ્રાહકોને બંધક બનાવી માત્ર ગણતરીની મિનિટોમાં રૂ. 50 લાખની રોકડ લૂંટીને ફરાર થઈ ગઈ હતી. સુરત પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરીને અગાઉ ત્રણ આરોપીઓ શુભમ ઠાકુર, વિક્રમજીત સિંહ રાજપૂત અને મિથેશકુમાર ઉર્ફે મહેશકુમાર લખેન્દ્ર રાયની ધરપકડ કરી લીધી હતી. પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં આ આખી લૂંટનું પ્લાનિંગ બિહારની જેલમાં બેઠા બેઠા કુંદન ભગતે ઘડ્યું હોવાનો પર્દાફાશ થયો હતો. આરોપીઓ પાસેથી અત્યાર સુધીમાં કુલ રૂપિયા 93,000 ની રકમ પણ રિકવર કરી લેવામાં આવી છે. વરાછા બેંકમાં પણ સોના અને હીરાની મોટી લૂંટ કરવાનો પ્લાન હતો કુંદન ભગત દેશના અલગ-અલગ રાજ્યોમાંથી ગુનેગારોને હાયર કરીને તેઓને કોડ નેમ આપતો હતો અને હથિયાર ચલાવવાની આકરી ટ્રેનિંગ આપી લૂંટને અંજામ આપતો હતો. વરાછા બેંકમાં પણ સોના અને હીરાની મોટી લૂંટ કરવાનો તેનો પ્લાન હતો, પરંતુ તેમાં નિષ્ફળતા મળતા રોકડા 50 લાખની લૂંટ ચલાવી ગેંગ ફરાર થઈ ગઈ હતી.
Read Original Article →