લગ્નની લાલચે એક સંતાનની માતા સાથે 4 વર્ષ સુધી દુષ્કર્મ:કેટરિંગના વ્યવસાયમાં પરિચય થયો ને સમીર પઠાણે કર્યું શારીરિક શોષણ, મહિલાને તરછોડી આરોપી ફરાર

Gujarat6/8/2026, 2:07:27 PM
લગ્નની લાલચે એક સંતાનની માતા સાથે 4 વર્ષ સુધી દુષ્કર્મ:કેટરિંગના વ્યવસાયમાં પરિચય થયો ને સમીર પઠાણે કર્યું શારીરિક શોષણ, મહિલાને તરછોડી આરોપી ફરાર
સુરત શહેરમાં મહિલાઓ સામેના ગુનાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે, ત્યારે સરથાણા વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારો અને શરમજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક સંતાનની માતાને પ્રેમજાળમાં ફસાવી, સમીર પઠાણ નામના યુવકે લગ્નની ખોટી લાલચ આપી છેલ્લા ચાર વર્ષથી સતત શારીરિક શોષણ કર્યું હતું. એટલું જ નહીં, આરોપીએ મહિલાના અંગત પળોના વીડિયો ઉતારી તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપીને તરછોડી દીધી હતી. આ મામલે પીડિતાએ હિંમત દાખવી સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે. કેટરીંગના કામ દરમિયાન પરિચય પ્રેમમાં બદલાયો મળતી માહિતી મુજબ, શહેરના કામરેજ રોડ પર સરથાણા વિસ્તારમાં રહેતી અને કેટરીંગના વ્યવસાય સાથે સંકળાયેલી 33 વર્ષીય મહિલા પોતાના એક સંતાન સાથે જીવન ગુજારે છે. તેનો સંપર્ક સુરતના ઉન પાટીયા વિસ્તારમાં નુરાની મસ્જિદ સામે રહેતા સમીર અમીર પઠાણ સાથે થયો હતો. સમીર પણ તે જ કેટરીંગમાં કામ કરતો હોવાથી બંને વચ્ચે અવારનવાર વાતચીત થતી હતી. સમીરે ફોન પર મીઠી-મીઠી વાતો કરીને મહિલાને પોતાની પ્રેમજાળમાં ફસાવી દીધી હતી અને બંને વચ્ચે મિત્રતા ગાઢ બની હતી. લગ્નની લાલચ આપી 2022થી આચરતો હતો દુષ્કર્મ પીડિતા પરિણીત હોવા છતાં સમીરે તેને લગ્ન કરવાની ખાતરી આપી હતી અને વિશ્વાસમાં લીધી હતી. વર્ષ 2022થી આરોપી સમીર પઠાણે મહિલાને લગ્નની લાલચ આપીને અવારનવાર તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધો બાંધ્યા હતા. મહિલા પણ સમીરના પ્રેમમાં અંધ બની તેના પર વિશ્વાસ કરતી રહી અને સમીર છેલ્લા ચાર વર્ષથી સતત તેનું શારીરિક શોષણ કરતો રહ્યો. વીડિયો વાયરલ કરવાની ધમકી આપી આરોપી ફરાર સમય વીતતા જ્યારે મહિલાએ સમીર પર લગ્ન કરવા માટે દબાણ કરવાનું શરૂ કર્યું, ત્યારે સમીરનો અસલી ચહેરો સામે આવ્યો હતો. તે લગ્ન ન કરવા માટે અલગ-અલગ બહાના બનાવવા લાગ્યો હતો. અંતે તેણે લગ્ન કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. પીડિતાએ જ્યારે વિરોધ કર્યો ત્યારે સમીરે તેની પાસે રહેલા મહિલાના અંગત પળોના અશ્લીલ વીડિયો બતાવીને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની અને બદનામ કરવાની ધમકી આપી હતી. આ ધમકી આપ્યા બાદ આરોપી પીડિતાને લાચાર હાલતમાં તરછોડીને નાસી છૂટ્યો હતો. સરથાણા પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા આખરે આ માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળીને અને સમીરના ચુંગાલમાંથી મુક્ત થવા માટે પીડિતાએ ગતરોજ સરથાણા પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો. પીડિતાની આપવીતી સાંભળીને પોલીસે આરોપી સમીર અમીર પઠાણ સામે દુષ્કર્મ અને ધમકી આપવા સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસે પીડિતાનું તબીબી પરીક્ષણ કરાવીને ફરાર આરોપી સમીર પઠાણને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
Read Original Article →