સુરતમાં દારૂના નશામાં કારચાલકે પાંચને ઉડાવ્યા:સરથાણા જકાતનાકા પાસે બે બાઈક અને કારનો કચ્ચરઘાણ, લોકોએ ચાલકને પકડી લાતે-લાતે ધોઈ નાખ્યો
સુરતમાં ફરી એકવાર નશાખોર વાહનચાલકનો આતંક સામે આવ્યો છે. સુરતના સરથાણા જકાતનાકા વિસ્તારમાં દારૂના નશામાં ધૂત એક કારચાલકે બેફામ ગતિએ કાર હંકારીને ત્રણ વાહનોને અડફેટે લીધા હતા. આ ભયાનક અકસ્માતમાં પાંચ જેટલા વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે હાજર લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. લોકોએ અકસ્માત સર્જનાર નશાખોર કારચાલકને પકડીને મેથીપાક આપ્યો હતો અને તેની કારના તમામ કાચ તોડી નાખ્યા હતા. ઘટનાની જાણ થતાં જ સરથાણા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. એક પછી એક ત્રણ વાહનોને જોરદાર ટક્કર મારી
મળતી માહિતી મુજબ, સરથાણા જકાતનાકા પાસેથી એક ઇલેક્ટ્રિક કાર (GJ 05 RU 2251) પુરપાટ ઝડપે પસાર થઈ રહી હતી. કારનો ચાલક વિજય દારૂના નશામાં એટલો ધૂત હતો કે તે કાર પરથી કાબૂ ગુમાવી બેઠો હતો. તેણે રસ્તા પરથી પસાર થઈ રહેલા બે બાઈક સવારોને જોરદાર ટક્કર મારી હતી. આટલેથી જ ન અટકતા, નશાખોર ચાલકે આગળ જઈને એક કારને પણ જોરદાર ટક્કર મારી દીધી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બન્ને બાઇક અને કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. લોકોએ ચાલકને ફટકાર્યો, કાર તોડી નાખી
અકસ્માત સર્જાતા જ આજુબાજુના લોકો અને રાહદારીઓ તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. લોકોએ જોયું કે કાર ચાલક વિજય દારૂના નશામાં ચૂર હતો, જેને પગલે લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો. રોષે ભરાયેલા ટોળાએ ચાલક વિજયને કારમાંથી બહાર ખેંચી કાઢીને બરાબરનો મેથીપાક આપ્યો હતો. એટલું જ નહીં, લોકોએ રોષમાં આવીને અકસ્માત સર્જનાર ઇલેક્ટ્રિક કારના તમામ કાચ તોડીને પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. ઇજાગ્રસ્તો અને આરોપી ચાલક હોસ્પિટલ ભેગા
આ ગમખ્વાર અકસ્માતમાં રોડ પરથી પસાર થઈ રહેલા પાંચ જેટલા નિર્દોષ લોકોને નાની-મોટી અને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ, લોકોના મારને કારણે અકસ્માત સર્જનાર આરોપી કાર ચાલક વિજયને પણ ઇજાઓ થઈ હોવાથી તેને પણ પોલીસ બંદોબસ્ત હેઠળ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો છે. સરથાણા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો
ઘટના અંગેની જાણ થતાં જ સરથાણા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ટોળાને શાંત પાડીને મામલો થાળે પાડ્યો હતો. પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને રોડ પરથી હટાવી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. હાલ પોલીસે આરોપી ચાલક સામે ગુનો નોંધી, તે ખરેખર નશામાં હતો કે કેમ તેની તબીબી તપાસ કરાવવા સહિતની આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read Original Article →