સારોલીમાં કાપડના વેપારી સાથે 11.34 લાખની છેતરપિંડી:વેપારી-દલાલે વિશ્વાસ જીતીને સાડીનો ઓર્ડર કરી પેમેન્ટ ન ચૂકવ્યું, તેલંગાણા અને રાજસ્થાનના 3 શખસ સામે ગુનો દાખલ

Gujarat5/22/2026, 2:37:47 PM
સારોલીમાં કાપડના વેપારી સાથે 11.34 લાખની છેતરપિંડી:વેપારી-દલાલે વિશ્વાસ જીતીને સાડીનો ઓર્ડર કરી પેમેન્ટ ન ચૂકવ્યું, તેલંગાણા અને રાજસ્થાનના 3 શખસ સામે ગુનો દાખલ
સુરત શહેરના ટેક્સટાઇલ્સ હબ ગણાતા સારોલી વિસ્તારમાં બહારના રાજ્યના વેપારીઓ અને દલાલે ભેગા મળીને સ્થાનિક કાપડના વેપારી સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. તેલંગાણાના બે કાપડ વેપારી અને રાજસ્થાનના એક દલાલે સુરતના વેપારી પાસેથી લાખો રૂપિયાની સાડીઓનો માલ ખરીદ્યા બાદ પેમેન્ટ ચૂકવ્યા વગર રાતોરાત દુકાન બંધ કરી ફરાર થઈ ગયા છે. આ અંગે સારોલી પોલીસે ત્રણ શખ્સો વિરૂદ્ધ ગુનાહિત વિશ્વાસઘાતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. દલાલ-વેપારીએ પહેલા વિશ્વાસ જીત્યો બાદમાં છેતરપિંડી પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મૂળ રાજસ્થાનના બાડમેર જિલ્લાના વતની અને હાલ સુરતના અલથાણ વિસ્તારમાં 'શિખર હાઇટ્સ' માં રહેતા 34 વર્ષીય અંકિત રમેશજી કોઠારી સારોલીમાં કુબેરજી વર્લ્ડની પાછળ આવેલા વિકાસ લોજિસ્ટિક્સ પાર્કમાં રિધમ ક્રિએશન નામે સાડીઓનો હોલસેલ વેપાર કરે છે. વર્ષ 2023માં તેલંગાણાના કરીમનગરમાં સૌભાગ્ય લક્ષ્મી ગાર્મેન્ટ નામે પેઢી ચલાવતી પ્રોપ્રાઇટર બસભાથીની અખિલા અને ત્યાંના જ વહીવટકર્તા બસભાથીની અશોકકુમારે દલાલ કિરણ પ્રજાપતિ (મૂળ રહે. શિરોહી, રાજસ્થાન) મારફતે અંકિતભાઈનો સંપર્ક કર્યો હતો. દલાલ અને આ વેપારીઓએ શરૂઆતમાં મોટી-મોટી અને મીઠી વાતો કરીને સુરતના વેપારીનો વિશ્વાસ જીતી લીધો હતો અને તેમની સાથે વેપારની શરૂઆત કરી હતી. 11 લાખની સાડી મંગાવી પેમેન્ટ ન કર્યું 13 એપ્રિલ 2023 થી 24 સપ્ટેમ્બર 2024 દરમિયાન આ ત્રણેય શખ્સોએ એકબીજાની મદદગારીથી ફરિયાદી અંકિતભાઈ પાસેથી અલગ-અલગ બિલો બનાવીને ટુકડે-ટુકડે કુલ 11,34,435 ની કિંમતનો ફેન્સી સાડીઓનો માલ મંગાવી લીધો હતો. માલની ડિલિવરી મળી ગયા બાદ જ્યારે અંકિતભાઈએ પેમેન્ટની ઉઘરાણી શરૂ કરી, ત્યારે આરોપીઓ સતત વાયદાઓ કરતા રહ્યા હતા અને સમય પસાર કરતા હતા. લાંબો સમય વીતવા છતાં પેમેન્ટ ન મળતા જ્યારે સુરતના વેપારીએ તેલંગાણા ખાતે તપાસ કરાવી તો જાણવા મળ્યું કે, આરોપીઓ કરીમનગર સ્થિત પોતાની સૌભાગ્ય લક્ષ્મી ગાર્મેન્ટ નામની દુકાન રાતોરાત બંધ કરીને ભાગી ગયા છે. પોતાની સાથે આર્થિક છેતરપિંડી થઈ હોવાનું જણાતા અંતે અંકિતભાઈ કોઠારીએ સારોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.સારોલી પોલીસે આ મામલે ફરિયાદીની હકીકતના આધારે ત્રણેય આરોપીઓ બસભાથીની અખિલા, બસભાથીની અશોકકુમાર અને દલાલ કિરણ પ્રજાપતિ વિરૂદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read Original Article →