સારોલીની મોડર્ન ટાઉન રેસીડેન્સીમાં ભીષણ આગ:ટુ-વ્હીલર અને કેટલીક મોંઘીદાટ 18 વાહનો બળીને ખાખ, બિલ્ડિંગમા નાસભાગ મચી ગઈ'તી

Gujarat4/12/2026, 6:58:59 AM
સારોલીની મોડર્ન ટાઉન રેસીડેન્સીમાં ભીષણ આગ:ટુ-વ્હીલર અને કેટલીક મોંઘીદાટ 18 વાહનો બળીને ખાખ, બિલ્ડિંગમા નાસભાગ મચી ગઈ'તી
સુરતમાં હચમચાવી દેનારી ઘટના ગત મોડી રાત્રે સુરતના સારોલી વિસ્તારમાં બની હતી. સારોલીમાં આવેલી મોડર્ન ટાઉન રેસીડેન્સીના પાર્કિંગમાં લાગેલી ભીષણ આગે જોત જોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેમાં મધ્યમ વર્ગના પરિવારોના 18 જેટલા વાહનો બળીને રાખ થઈ ગયા છે. આગની જ્વાળાએ પાર્કિંગમાં લાઈનબદ્ધ વાહનોને લપેટમાં લીધા શનિવાર અને રવિવારની મધ્યરાત્રિએ જ્યારે સમગ્ર શહેર અને મોડર્ન ટાઉન રેસીડેન્સીના રહીશો ગાઢ નિદ્રામાં હતાં, ત્યારે અંદાજે 01:23 વાગ્યે રેસીડેન્સીના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા પાર્કિંગ વિસ્તારમાંથી અચાનક ધુમાડાના ગોટા નીકળવા લાગ્યા હતાં. જોતજોતામાં આગની જ્વાળાઓએ પાર્કિંગમાં લાઈનબદ્ધ રીતે ઉભેલા ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનોને પોતાની લપેટમાં લઈ લીધા હતા. બિલ્ડિંગમા ભારે નાસભાગ મચી ગઈ હતી વાહનોમાં રહેલા પેટ્રોલ અને ટાયરના કારણે આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે રહીશોને કંઈ પણ સમજાય તે પહેલાં આખું પાર્કિંગ આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું. આગને કારણે વાહનોના ટાયર ફાટવાના અવાજો આવતા રહીશો જાગી ગયા હતા અને બિલ્ડિંગમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. નાના બાળકો અને વૃદ્ધો સાથે લોકો જીવ બચાવવા ટેરેસ પર અથવા બિલ્ડિંગની બહાર ખુલ્લી જગ્યામાં દોડી આવ્યા હતા. ત્રણ ફાયર સ્ટેશનની ટીમે આગ પર કાબુ મેળવ્યો બનાવની ગંભીરતાને જોતા સ્થાનિકોએ તાત્કાલિક સુરત ફાયર કંટ્રોલ રૂમને જાણ કરી હતી. ઘટનાસ્થળની સ્થિતિ અને રહેણાંક વિસ્તાર હોવાથી ફાયર વિભાગે તરત જ એક્શન મોડમાં આવીને ત્રણ અલગ-અલગ ફાયર સ્ટેશનો ડુંબાલ, ડિંડોલી અને પૂર્ણાથી ફાયર ફાઈટરોનો કાફલો રવાના કર્યો હતો. ફાયરના જવાનો જ્યારે સ્થળ પર પહોંચ્યા ત્યારે દ્રશ્ય ભયાનક હતું. આસપાસ રહેણાંક ફ્લેટ્સ હોવાથી આગ ઉપરના માળ સુધી ન પહોંચે તે જોવું સૌથી મોટો પડકાર હતો. ફાયર ઓફિસરોના માર્ગદર્શન હેઠળ જવાનોએ ચારેબાજુથી પાણીનો મારો ચલાવવાનું શરૂ કર્યું હતું. અંદાજે પોણા કલાકની ભારે જહેમત અને સતત પાણીના મારો ચલાવ્યા બાદ આગ પર કાબૂ મેળવી શકાયો હતો. જોકે, ત્યાં સુધીમાં નુકસાન થઈ ચૂક્યું હતું. 18 વાહનો સંપૂર્ણપણે બળીને ખાખ આ ભીષણ આગમાં કુલ 17થી 18 વાહનો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા છે. જેમાં મોટાભાગના ટુ-વ્હીલર અને કેટલીક મોંઘીદાટ ગાડીઓનો સમાવેશ થાય છે. આ વાહનોમાં ઘણા એવા પણ હતા જે લોકોએ હજુ હમણાં જ હપ્તેથી ખરીદ્યા હતા. સવારે જ્યારે આગ ઓલવાઈ અને રહીશોએ પાર્કિંગની મુલાકાત લીધી ત્યારે માત્ર લોખંડના હાડપિંજર જ બાકી રહ્યા હતા. આગ રહેણાંક હિસ્સા સુધી પહોંચી શકી નહોતી સદનસીબે, ફાયર વિભાગની ત્વરિત કામગીરીને કારણે આગ બિલ્ડિંગના ઉપરના રહેણાંક હિસ્સા સુધી પહોંચી શકી ન હતી, જેના કારણે કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ કરોડોની મિલકત અને લોકોના વાહનોને લાખોનું નુકસાન થયું છે.
Read Original Article →