સચીનમાં આતંક મચાવનારી ગેંગ જેલભેગી:પાનનો ગલ્લો ચલાવતા ભાઈઓ પર છરો-પાવડાથી હુમલો કરી લૂંટ્યા, 4 વખત પાસાનો જેલવાસી રાકિયા સહિત ચાર લૂંટારુઓની ધરપકડ
સુરત સચિન વિસ્તારમાં આવેલા જૂના સ્લમ બોર્ડમાં ગત 16 મે 2026ના રોજ પાનનો ગલ્લો ચલાવતા વેપારી અને તેના ભાઈ પર તીક્ષ્ણ હથિયારોથી જીવલેણ હુમલો કરી લૂંટ ચલાવવામાં આવી હતી. જોકે, સચીન પોલીસે આ લૂંટ અને જીવલેણ હુમલાને અંજામ આપનારા 4 વખત પાસા હેઠળ જેલ પ્રવાસ ખેડી ચૂકેલા રાકેશ ઉર્ફે રાકિયા સહિત ચાર લૂંટારુઓની ધરપકડ કરી છે. તીક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો અને હજારોની લૂંટ કરી હતી
ગત તારીખ 16 મે, 2026ના રોજ બપોરે આશરે 3:00 વાગ્યાના અરસામાં સચીન વિસ્તારના જૂના સ્લમ બોર્ડમાં આવેલા હનુમાનજી મંદિરની પાછળ જાહેર રોડ પર આ હિંસક ઘટના બની હતી. ત્યાં પાનનો ગલ્લો ચલાવતા વેપારી અને તેમના ભાઈ પર અચાનક તીક્ષ્ણ હથિયારો સાથે ધસી આવેલા શખ્સોએ હુમલો કર્યો હતો. આરોપીઓએ છરો, ચપ્પુ અને પાવડા જેવા ઘાતક હથિયારો વડે બંને ભાઈઓ પર તૂટી પડ્યા હતા. આ હિચકારા હુમલામાં ફરિયાદી અને તેના ભાઈને માથા તેમજ કમરના ભાગે ગંભીર અને જીવલેણ ઈજાઓ પહોંચી હતી. હુમલો કર્યા બાદ લૂંટારુઓ વેપારી પાસેથી આશરે રૂ. 7000થી 8000ની રોકડ રકમ લૂંટીને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હતા. લોહીલુહાણ હાલતમાં બંને ભાઈઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ગેંગનો મુખ્ય સાગરીત રાકેશ ઉર્ફે રાકિયો, 4 વખત 'પાસા' હેઠળ કાર્યવાહી
આ ગુનામાં પકડાયેલા આરોપીઓ કોઈ સામાન્ય ગુનેગાર નથી, પરંતુ પોલીસ ચોપડે ચડી ચૂકેલા રીઢા બદમાશો છે. આ ગેંગનો મુખ્ય સાગરીત રાકેશ ઉર્ફે રાકિયો પ્રકાશભાઈ વાઘ અત્યંત ખતરનાક અને માથાભારે ગુનેગાર છે. એસીપી સુનિલ સી. તરડેના જણાવ્યા અનુસાર, આરોપી રાકેશ ઉર્ફે રાકિયાનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેની વિરૂદ્ધ અગાઉ શરીર સંબંધી (મારામારી, હુમલો) અને મિલકત સંબંધી (ચોરી, લૂંટ) જેવા અનેક ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. એટલું જ નહીં, તેની ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે અગાઉ 4 વખત તેની સામે 'પાસા' હેઠળ કાર્યવાહી કરીને તેને જેલ ભેગો કરવામાં આવ્યો હતો. છતાં જેલમાંથી બહાર આવીને તેણે ફરીથી લૂંટ અને હત્યાના પ્રયાસ જેવા ગંભીર ગુનાને અંજામ આપ્યો છે. ગેંગના 4 રીઢા ગુનેગારો જેલના સળિયા પાછળ
ભરબપોરે જાહેર રોડ પર બનેલી આ ઘટનાને કારણે સ્થાનિક રહિશો અને વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ સચીન પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ગુનાની ગંભીરતાને જોતાં સચીન પોલીસે અલગ-અલગ ટીમો બનાવી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. . પોલીસે ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ, બાતમીદારોનું નેટવર્ક અને સર્વેલન્સ સહીત ટેકનિકલ તપાસનો સહારો લીધો હતો. આ સઘન ઓપરેશન દરમિયાન પોલીસે ગણતરીના કલાકોમાં જ લૂંટ અને હુમલામાં સામેલ 4 મુખ્ય આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં (1) રોશન સંજયભાઈ બરકસ, (2) આનંદ સુરેશભાઈ પાટીલ, (3) પ્રિન્સ રાજેશભાઈ પટેલ અને (4) રાકેશ ઉર્ફે રાકિયો પ્રકાશભાઈ વાઘ (રહે. તમામ સચીન, સુરત) નો સમાવેશ થાય છે. 'નવી વિગતો ખુલશે તેમ હજુ પણ વધુ કલમો ઉમેરાશે'
આ સમગ્ર મામલે સુરતના એસીપી સુનિલ સી. તરડેએ જણાવ્યું હતું કે, 16 મેના રોજ સચીન જૂના સ્લમ બોર્ડમાં હનુમાનજી મંદિર પાછળ ભારતીય ન્યાય સંહિતાની કલમ 307 (હત્યાનો પ્રયાસ) અને લૂંટનો ગંભીર બનાવ બન્યો હતો. આ ગુનામાં રીઢા ગુનેગારો સંડોવાયેલા હોવાની વિગત મળતાં જ સચીન પોલીસ તુરંત એક્ટિવ થઈ હતી અને 4 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પકડાયેલા આરોપીઓ પૈકી રાકેશ વિરુદ્ધ અગાઉ 4 વખત પાસા થયેલી છે. આ લૂંટનો મુખ્ય ઉદ્દેશ્ય પાનના ગલ્લાની લૂંટ અને પૈસાનો વિવાદ હતો, જેમાં પ્રાથમિક તબક્કે 7000 થી 8000 રૂપિયાની લૂંટ થઈ હોવાનું સામે આવ્યું છે. હાલ આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ ચાલુ છે અને તપાસ દરમિયાન જેમ નવી વિગતો ખુલશે તેમ કાયદેસરની વધુ કલમોનો ઉમેરો કરવામાં આવશે." લૂંટ પાછળ ગલ્લાનો વિવાદ: અન્ય ફરાર આરોપીઓની શોધખોળ
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, આ લૂંટ અને જીવલેણ હુમલા પાછળ પાનનો ગલ્લો અને લૂંટનો જૂનો વિવાદ મુખ્ય કારણ હતો. આરોપીઓ વેપારી પર રોફ જમાવવા અને લૂંટના ઈરાદે જ આવ્યા હતા. પોલીસ તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે આ ગુનામાં માત્ર આ 4 જ નહીં, પરંતુ હજુ પણ અન્ય કેટલાક આરોપીઓ સંડોવાયેલા છે જેઓ ઘટના બાદથી ફરાર છે. એસીપી તરડેએ સ્પષ્ટ કર્યું છે કે ફરાર આરોપીઓ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતા રીઢા ગુનેગારો જ છે, જેમને પકડવા માટે પોલીસની ટીમો સંભવિત આશ્રયસ્થાનો પર દરોડા પાડી રહી છે અને ખૂબ જ ટૂંક સમયમાં તેઓને પણ લોકઅપ ભેગા કરી દેવામાં આવશે.
Read Original Article →