4 મિત્રોની ટોળકીએ ઘરેબેઠા ડ્રાઇવિંગ લાયસન્સનું કૌભાંડ રચ્યું:10 હજારમાં નકલી લાયસન્સ આપી 50થી વધુ લોકોને લૂંટ્યા, બે RTO એજન્ટ પણ ઝડપાયા

Gujarat4/13/2026, 2:16:32 PM
4 મિત્રોની ટોળકીએ ઘરેબેઠા ડ્રાઇવિંગ લાયસન્સનું કૌભાંડ રચ્યું:10 હજારમાં નકલી લાયસન્સ આપી 50થી વધુ લોકોને લૂંટ્યા, બે RTO એજન્ટ પણ ઝડપાયા
સુરતમાં એક શાતિર ગેંગે ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવાની લાલચ આપીને લોકોને છેતરવાનો ધંધો ચલાવ્યો હતો. માત્ર 7થી 10 હજાર રૂપિયામાં ઘરેબેઠા લાયસન્સ અપાવી આપવાનું વચન આપીને આ ટોળકીએ 50થી વધુ લોકોને લૂંટ્યા છે. સુરત SOGની ટીમે કાપોદ્રા વિસ્તારમાંથી આ ચાર મિત્રોના રેકેટનો પર્દાફાશ કર્યો છે, જેમાં બે આરટીઓ એજન્ટ પણ સામેલ છે. 13 નકલી લર્નિંગ લાઈસન્સ અને 4 મોબાઈલ જપ્ત પોલીસે પ્રજેશ ઉર્ફે રઘુ માણીયા, ધર્મેન્દ્ર ઉર્ફે ધર્મેશ શેખડીયા, પ્રફુલ ઉર્ફે વિપુલ પટેલ અને રવિ જેઠાભાઈ ગાંગડીયાને ઝડપી પાડ્યા છે. આ તમામ આરોપીઓ વરાછા, મોટા વરાછા અને કામરેજ વિસ્તારના રહેવાસી છે. તેમની પાસેથી 13 નકલી લર્નિંગ લાયસન્સ અને 4 મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. m-parivahan એપમાં ફોર્મ ભર્યાનો દેખાડો કરી વિશ્વાસ અપાવતો આરોપીઓ વોટ્સએપ ગ્રુપ અને ફોન કોલ દ્વારા લોકોનો સંપર્ક કરતા હતા. તેઓ પોતાને આરટીઓના મોટા એજન્ટ તરીકે ઓળખાવતા અને કહેતા કે, તેમની RTOમાં મોટી વગ છે. વિશ્વાસ જીતવા માટે તેઓ m-parivahan એપ્લિકેશનમાં અધૂરું ફોર્મ ભરીને ગ્રાહકના મોબાઈલ પર OTP મંગાવતા. OTP મળતાં જ લોકોને લાગતું કે કામ સરકારી રીતે આગળ વધી રહ્યું છે. ગેંગે 30 જેટલા ડુપ્લિકેટ લાયસન્સ બનાવી લોકોને છેતર્યા આ પછી મુખ્ય આરોપી પ્રજેશ માણીયા WPS એપ્લિકેશનનો ઉપયોગ કરીને લાયસન્સની સોફ્ટ કોપી એડિટ કરીને ગ્રાહકને મોકલી આપતો. આ રીતે કોઈ પરીક્ષા અપાવ્યા વગર અને સરકારી ફી ભર્યા વગર જ નકલી લર્નિંગ લાયસન્સ તૈયાર કરી આપવામાં આવતા હતા. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, આ ગેંગે અત્યાર સુધીમાં 30 જેટલા ડુપ્લિકેટ લાયસન્સ બનાવીને લોકોને છેતર્યા છે. પ્રફુલ પટેલ અને રવિ ગાંગડીયા RTO એજન્ટ તરીકે ઓળખાવીને લોકોને ફસાવતા હતા, જ્યારે ધર્મેન્દ્ર OTP મેળવવાનું કામ કરતો હતો. મુખ્ય સૂત્રધાર પ્રજેશ અગાઉ 7 ગુનાઓમાં સામેલ હોવાનો પોલીસ રેકોર્ડ છે. અજાણ્યા એજન્ટોને ડોક્યુમેન્ટ કે OTP આપવાનું ટાળો સુરત SOGના DCP રાજદીપસિંહ નકુમે જણાવ્યું કે, આ કેસમાં BNS કલમ 316(5) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાં આજીવન કેદ સુધીની સજાની જોગવાઈ છે. પોલીસ હાલ આ રેકેટમાં વધુ આરોપીઓ અને અન્ય શહેરોમાં ચાલતા આવા કૌભાંડોની તપાસ કરી રહી છે. લોકોને અપીલ કરવામાં આવી છે કે, લાયસન્સ અથવા અન્ય કોઈ સરકારી કામ માટે માત્ર સત્તાવાર વેબસાઈટ અથવા કચેરીનો જ ઉપયોગ કરે અને અજાણ્યા એજન્ટોને OTP કે ડોક્યુમેન્ટ આપવાનું ટાળે.
Read Original Article →