બ્રેઈનડેડ રત્નકલાકારના અંગદાનથી સાતને નવજીવન:બીમાર પત્નીને અમદાવાદ ખાતે ડોક્ટરને બતાવીને ઘરે આવીને બેસેલા રત્નકલાકાર ઢળી પડ્યા, ફેફસા-કિડની સહિત 7 અંગોનું દાન

Gujarat4/13/2026, 4:18:07 PM
બ્રેઈનડેડ રત્નકલાકારના અંગદાનથી સાતને નવજીવન:બીમાર પત્નીને અમદાવાદ ખાતે ડોક્ટરને બતાવીને ઘરે આવીને બેસેલા રત્નકલાકાર ઢળી પડ્યા, ફેફસા-કિડની સહિત 7 અંગોનું દાન
ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી તરીકે જાણીતું સુરત શહેર હવે ઓર્ગન ડોનર સીટી તરીકે ખ્યાતિ પામી રહ્યું છે. સુરતમાં મોટા વરાછા વિસ્તારમાં આવેલ આવકાર રેસિડેન્સીનાં રહેવાસી 55 વર્ષીય અશોકભાઈ નાનુભાઈ ડોંડા (મૂળ વતન. નારી, તા/જિ. ભાવનગર) એ પોતાના જીવનના અંતિમ ક્ષણોમાં માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમના અંગદાનના મહાન નિર્ણયથી કુલ સાત લોકોને નવજીવન પ્રાપ્ત થયું છે. મળતી માહિતી પ્રમાણે, મૂળ ભાવનગર જિલ્લાના વતની અશોકભાઈ નાનુભાઈ ડોંડા (55 વર્ષ) હાલ મોટા વરાછા વિસ્તારમાં આવેલ આવકાર રેસીડેન્સીમાં પરિવાર સાથે રહેતા હતા અને રત્નકલાકાર તરીકે નોકરી કરતા હતા. એપ્રિલ, 2026ના રોજ સવારે તેઓ પોતાની પત્ની રેખાબેનની સારવાર અર્થે અમદાવાદથી સારવાર પૂર્ણ કરી વહેલી સવારે સુરત ઘરે પરત ફર્યા હતા. તબિયત ઠીક નહી જાણતા બપોરે જમવાનું ટાળીને આરામ કરવા ગયા હતા. આશરે 2.30 વાગ્યે અચાનક તેમની તબિયત બગડતા તેઓ સોફા ઉપર બેઠા હતા ને ત્યાં જ ઢળી પડ્યા હતા. તરત જ તેમને સારવાર અર્થે પી.પી. સવાણી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સઘન સારવાર આપ્યા બાદ ડૉ. મૌલિક પટેલ (ન્યુરોસર્જન), ડો. નિરવ સુતરીયા (ન્યુરો ફીઝીશ્યન), ડૉ. જીગ્નેશ ગેંગડીયા (એમ.ડી.) અને ડૉ. અનિલ તંતી (એડમિન) દ્વારા તેમને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. અંગદાન માટે સંમતિ આપી મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો આ મુશ્કેલ સમયમાં જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના પી.એમ. ગોંડલીયા અને વિપુલ તળાવીયા દ્વારા પરિવારને યોગ્ય માર્ગદર્શન અને સમજણ આપવામાં આવી હતી. ડોંડા પરિવારના સભ્યો પત્ની રેખાબેન ડોંડા, પુત્ર મૌલિકભાઈ ડોંડા,પુત્રવધુ હિનલબેન ડોંડા, લલ્લુભાઈ ડોંડા, તેમજ મિલનભાઈ કાનાણી, મહેશભાઈ કાનાણી, ભૌતિકભાઈ સાચપરા, ઉત્સવભાઈ ઘોરી સહિત અન્ય હાજર સ્નેહીજનો દ્વારા માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ આપતાં અંગદાન માટે સંમતિ આપી મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. અંગદાન થકી કુલ 7 દર્દીઓને નવજીવન મળ્યું અંગદાનની સંમતી મળતાની સાથે સોટોનાં ડાયરેક્ટર ડો.પ્રાંજલભાઈ મોદી, સોટોના પ્રિયાબેન અને હાર્દિકભાઈનો સંપર્ક કરીને રજીસ્ટ્રેશન પ્રોસેસ શરુ કરવામાં આવી હતી. હૃદય યુ.એન. મહેતા હોસ્પિટલ, અમદાવાદ, ફેફસા KD હોસ્પિટલ, અમદાવાદ, લીવર અને બંને કિડની IKDRC હોસ્પિટલ, અમદાવાદ તેમજ બંને આંખોનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુ બેંક દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું, આ દર્દીના અંગદાન થકી કુલ 7 દર્દીઓને નવજીવન મળ્યું છે. પરિવારના મોભીનું આ 32મું સફળ અંગદાન સંપન્ન થયું પી.પી. સવાણી હોસ્પિટલથી અંગોને વિવિધ હોસ્પિટલ સુધી સમયસર પહોંચાડવા માટે ગુજરાત પોલીસ દ્વારા ત્રણ ગ્રીન કોરિડોરનું ઉત્તમ આયોજન કરવામાં આવ્યું હતું, જેના કારણે સુરતથી અમદાવાદ સુધી અંગો ઝડપથી અને સલામત રીતે પહોંચાડવામાં સફળતા મળી. આ સમગ્ર પ્રક્રિયામાં સુરત અને અમદાવાદ એરપોર્ટ ઓથોરિટીએ પણ મહત્વપૂર્ણ સહકાર આપ્યો હતો. જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન અને પી.પી. સવાણી હોસ્પિટલના સંયુક્ત પ્રયાસોથી ડોંડા પરિવારના મોભીનું આ 32મું સફળ અંગદાન સંપન્ન થયું છે, જે સમાજ માટે પ્રેરણાદાયક ઉદાહરણ બની રહેશે.
Read Original Article →