ગર્ભપાતના કાળા કારોબારમાં એજન્ટ જગદીશ પાટિલ ડિંડોલીથી ઝડપાયો:રામગોપાલની હોસ્પિટલમાં એક પેશન્ટ લાવવા બદલ રૂ. 2000નું કમિશન મેળવતો

Gujarat5/28/2026, 8:20:19 AM
ગર્ભપાતના કાળા કારોબારમાં એજન્ટ જગદીશ પાટિલ ડિંડોલીથી ઝડપાયો:રામગોપાલની હોસ્પિટલમાં એક પેશન્ટ લાવવા બદલ રૂ. 2000નું કમિશન મેળવતો
સુરતમાં ગેરકાયદે ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાતના ગંભીર ગુનામાં અગાઉ જેલની હવા ખાઈ ચૂકેલા ફાર્માસિસ્ટ રામગોપાલ ખંડેલવાલે વરાછા વિસ્તારમાં ફરી એ જ જગ્યાએ હોસ્પિટલનું નામ બદલીને ગર્ભપાતની હાટડી શરૂ કરી દીધી હતી. આ કાળા કારોબારમાં તેને પેશન્ટ સપ્લાય કરનારા ડિંડોલીના મુખ્ય કમિશન એજન્ટ જગદીશ પાટિલની પોલીસે ધરપકડ કરી લીધી છે. તપાસમાં સામે આવ્યું છે કે, જગદીશ વરાછાની મમતા હોસ્પિટલમાં ગર્ભપાત માટે એક પેશન્ટ લાવવા બદલ રૂપિયા 2000નું કમિશન મેળવતો હતો. કચરા-પોતાવાળી મહિલાએ ગર્ભપાતની પોલ ખોલી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અનિલ બાપુ પટેલની ટીમને બાતમી મળી હતી કે વરાછા, લાભેશ્વર ચાર રસ્તા પાસે આવેલી ‘મમતા મલ્ટિ-સ્પેશિયાલિટી હોસ્પિટલ’માં ગેરકાયદે ગર્ભપાતનું નેટવર્ક ચાલી રહ્યું છે. આ માહિતીના આધારે ગત 4 મેને સોમવારે સાંજે આરોગ્ય વિભાગની ટીમે હોસ્પિટલમાં દરોડા પાડ્યા હતા. રેડ દરમિયાન હોસ્પિટલમાંથી ગર્ભપાત કરાવવા આવેલી ત્રણ ગર્ભવતી મહિલાઓ મળી આવી હતી, જેમાંથી એક વ્યારાની અને બીજી શિરપુરની હતી. હોસ્પિટલમાં કચરા-પોતું કરતી મહિલા કર્મચારીની પૂછપરછ કરાતા તેણે કબૂલાત કરી હતી કે ફાર્માસિસ્ટ રામગોપાલ ખંડેલવાલ પોતે જ ડૉક્ટર બનીને આ દર્દીઓના ઓપરેશન (ગર્ભપાત) કરતો હતો. સિવિલ લઈ જતી વખતે વ્યારાની 24 વર્ષીય સગર્ભા ભાગી છૂટી આરોગ્ય વિભાગની ટીમે રેડ દરમિયાન મળી આવેલી ત્રણેય ગર્ભવતી મહિલાઓને સારવાર અને તપાસ માટે 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. જોકે, આ દરમિયાન વ્યારાની 24 વર્ષીય સગર્ભા મહિલા તક જોઈને એમ્બ્યુલન્સમાંથી ભાગી છૂટી હતી, જ્યારે બાકીની બે મહિલાઓને સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી હતી. બીજી તરફ વરાછા પોલીસે મુખ્ય સૂત્રધાર રામગોપાલ ખંડેલવાલની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પેશન્ટ દીઠ 2000નું કમિશન, પોલીસે એજન્ટ જગદીશ પાટિલને દબોચ્યો પોલીસે ફાર્માસિસ્ટ રામગોપાલ અને હોસ્પિટલમાં દાખલ દર્દીઓની કડક પૂછપરછ શરૂ કરતા આ રેકેટના કમિશન એજન્ટનો ભાંડો ફૂટ્યો હતો. હોસ્પિટલમાંથી મળી આવેલી એક મહિલા દર્દીને નવાગામ ડિંડોલી, કેશવ નગર ખાતે રહેતા જગદીશ રાવણ પાટિલે કમિશન લઈને અહીં દાખલ કરાવી હોવાની ચોંકાવનારી વિગત સામે આવી હતી. આ માહિતી મળતા જ ઇન્સ્પેક્ટર એમ.જી. કરડાણીની ટીમે તાત્કાલિક એક્શનમાં આવીને ડિંડોલીથી જગદીશ પાટિલને દબોચી લીધો હતો. પોલીસ તપાસમાં મોટો ખુલાસો ઇન્સ્પેક્ટર એમ.જી. કરડાણીના જણાવ્યા અનુસાર, પકડાયેલો આરોપી જગદીશ પાટિલ ગર્ભપાત કરાવવા ઈચ્છતી મહિલાઓને શોધીને રામગોપાલની હોસ્પિટલ સુધી લાવતો હતો અને તેના બદલામાં તેને ફિક્સ 2000 રૂપિયા કમિશન મળતું હતું. હાલ હોસ્પિટલમાંથી ઝડપાયેલા અન્ય બે પેશન્ટ કોના મારફતે અહીં આવ્યા હતા, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
Read Original Article →