દરરોજ 1 લાખ વાહનો અને 50 હજાર મુસાફરોને રાહત મળશે:સુરત રેલવે સ્ટેશનના પશ્ચિમ ભાગમાં દબાણ હટાવી રસ્તાને રી-કાર્પેટ કરાશે, ટ્રાફિક ઘટાડવા મનપા-પોલીસનો સંયુક્ત પ્લાન
સુરત રેલવે સ્ટેશન વિસ્તારમાં વર્ષોથી વણઉકેલાયેલી ટ્રાફિક સમસ્યાને દૂર કરવા માટે સુરત મહાનગરપાલિકા અને પોલીસ વિભાગ દ્વારા એક સંયુક્ત માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. તાજેતરમાં પોલીસ કમિશનર કચેરી ખાતે પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર, SITCO અને SVNITના તજજ્ઞોની ઉપસ્થિતિમાં એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય સ્ટેશન વિસ્તારમાં સર્જાતી ટ્રાફિકની જટિલતાઓને ઘટાડીને મુસાફરોને ઝડપી અને સુરક્ષિત પરિવહન પૂરું પાડવાનો છે. આ પ્લાન અંતર્ગત લેનિંગ અને સ્ટેન્ડ શિફ્ટિંગ દ્વારા આખા વિસ્તારનો નકશો બદલી નાખવાની યોજના છે. સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિકનું ભારણ ઘટાડવા કવાયત
સુરત રેલવે સ્ટેશન એ શહેરનું હૃદય સમાન છે. આંકડાઓ મુજબ, સ્ટેશન વિસ્તારમાંથી રોજના આશરે 1 લાખ વાહનો પસાર થાય છે. આ ઉપરાંત, દરરોજ 50 હજારથી વધુ મુસાફરો અહીંથી મુસાફરી કરે છે. આટલી વિશાળ સંખ્યામાં લોકો અને વાહનોની અવરજવરને કારણે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ જાય છે. આ ભારણને ઓછું કરવા માટે SVNIT (સરદાર વલ્લભભાઈ નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજી) ના નિષ્ણાતોની મદદ લેવામાં આવી છે, જેમણે વૈજ્ઞાનિક રીતે આ વિસ્તારની બ્લૂ-પ્રિન્ટ તૈયાર કરી છે. મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજનએ જણાવ્યું હતું કે, "સુરત મનપા અને પોલીસ વિભાગ વર્ષોથી સંયુક્ત રીતે ટ્રાફિક પર કામ કરી રહ્યા છે. સ્ટેશન વિસ્તારમાં દબાણ અને ટ્રાફિકના કારણે લોકોને ભારે અગવડતા પડતી હતી. હવે પોલીસ, કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત અને વેસ્ટર્ન રેલવે સાથે મળીને લેનિંગ ડિઝાઈન અને સર્ક્યુલર પેટર્ન મુજબ આયોજન કરવામાં આવ્યું છે. આનાથી પેટ્રોલ-ડીઝલની બચત થશે અને પોલ્યુશન પણ ઘટશે." SVNIT દ્વારા સૂચવાયેલી 'સર્ક્યુલર પેટર્ન' ડિઝાઈન
ટ્રાફિકના સ્મૂધ ફ્લો માટે SVNITના તજજ્ઞોએ એક વિશેષ ડિઝાઈન તૈયાર કરી છે. જેમાં રેલવે સ્ટેશનના પશ્ચિમ ભાગને સંપૂર્ણપણે રી-ડિઝાઈન કરવામાં આવશે. આ ડિઝાઈનમાં વાહનોના પ્રવેશ અને નિકાસ માટે અલગ-અલગ માર્ગો નક્કી કરાયા છે. આ નવી ફ્લો પેટર્નથી વાહનો એકબીજા સાથે અથડાશે નહીં અને ટ્રાફિક સતત ગતિમાન રહેશે, જેનાથી મુસાફરોનો સમય બચશે. મુસાફરો માટે પિક-અપ અને ડ્રોપની અલાયદી સુવિધા
સ્ટેશન પર સૌથી મોટી સમસ્યા ઓટો રિક્ષા અને ખાનગી કારના પિક-અપ અને ડ્રોપની છે. નવા પ્લાન મુજબ, પેસેન્જરોને ઉતારવા અને લેવા માટે અલગ જગ્યાઓ ફાળવવામાં આવી છે. આયોજન વગર ઊભી રહેતી રિક્ષાઓ અને ગાડીઓ પર નિયંત્રણ લાવવા માટે સ્ટેન્ડ શિફ્ટિંગની કામગીરી પણ હાથ ધરવામાં આવશે. આ સુવિધાથી પદયાત્રીઓ અને વાહનચાલકો વચ્ચે કોઈ ઘર્ષણ થશે નહીં. SITCO દ્વારા ચાલતી ડેવલપમેન્ટની કામગીરી અને તેની અસર
સુરત ઈન્ટીગ્રેટેડ ટ્રાન્સપોટેશન ડેવલપમેન્ટ કોર્પોરેશન લીમીટેડ (SITCO) દ્વારા હાલમાં સુરત રેલવે સ્ટેશનને અત્યાધુનિક બનાવવાનું કામ ચાલી રહ્યું છે. આ મોટા પ્રોજેક્ટને કારણે ટ્રાફિકની મુવમેન્ટ પર અસર પડી છે. જોકે, આ પ્રોજેક્ટ ચાલુ હોવા છતાં મુસાફરોને તકલીફ ન પડે તે માટે SITCO અને મનપા સંયુક્ત રીતે રોડ રીકાર્પેટીંગ અને નવા સિગ્નલિંગની કામગીરી તાકીદના ધોરણે પૂર્ણ કરશે. વાહનો માટે અલગ-અલગ લેન વ્યવસ્થા
નવી બ્લૂ-પ્રિન્ટની મુખ્ય વિશેષતા એ છે કે બસ, કાર, ઓટો રિક્ષા અને રાહદારીઓ માટે અલગ-અલગ ટ્રાફિક લેન તૈયાર કરવામાં આવશે.
• બસ લેન: એસ.ટી. અને સિટી બસો માટે સીધો રસ્તો.
• રીક્ષા/કાર લેન: પિક-અપ અને ડ્રોપ માટે સુરક્ષિત ઝોન.
• રાહદારી ઝોન: પેસેન્જરો સુરક્ષિત રીતે ચાલી શકે તેવી ફૂટપાથ અને ક્રોસિંગ. દબાણો હટાવવા અને અનઅધિકૃત પાર્કિંગ પર લગામ
સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિક જામનું એક મુખ્ય કારણ અનઅધિકૃત દબાણો અને ગમે ત્યાં પાર્ક થતા વાહનો છે. પોલીસ અને મનપાના સંયુક્ત અભિયાન હેઠળ આ દબાણો દૂર કરવામાં આવશે. ટ્રાફિક પોલીસ દ્વારા નિયમોનું કડક પાલન કરાવવામાં આવશે જેથી રસ્તાઓ ખુલ્લા રહે અને ઈમરજન્સી સમયે પણ વાહનો સહેલાઈથી પસાર થઈ શકે.
Read Original Article →