સુપ્રીમ કોર્ટના CJIની કથિત ટિપ્પણી 'કોકરોજ'નો સુરતમાં વિરોધ:AAPના કાર્યકર્તાએ કલેક્ટર કચેરીએ વિરોધ નોંધાવ્યો, કહ્યું- તંત્ર સુધરવું જોઈએ, લોકોના પ્રશ્નોનું નિરાકરણ આવવું જોઈએ
સુરત શહેરમાં આજે સામાજિક અને વહીવટી સ્તરે એક મહત્વની ઘટના સામે આવી છે. દેશના બેરોજગાર યુવાનો અને આરટીઆઈ (RTI) એક્ટિવિસ્ટો માટે સુપ્રીમ કોર્ટની એક સુનાવણી દરમિયાન કથિત રીતે વાપરવામાં આવેલા એક શબ્દ સામે સુરતમાં ઉગ્ર નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. આ મામલે આજે સુરત કલેક્ટર કચેરી ખાતે એક આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા કોકરોચના પોસ્ટર વાળી ટીશર્ટ પહેરીને આવ્યો હતો અને તેણે CIJના આ નિવેદનનો વિરોધ કર્યો હતો. કથિત ટિપ્પણી સામે સુરતમાં વિરોધ
મળતી વિગતો અનુસાર, સુપ્રીમ કોર્ટની તાજેતરની એક સુનાવણી દરમિયાન કથિત રૂપે 'કોકરોચ' (વંદો) શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે સોશિયલ મીડિયા પર વ્યાપક ચર્ચા શરૂ થઈ છે.
આ કથિત ટિપ્પણી સામે સુરતના સ્થાનિક નાગરિક અને સામાજિક કાર્યકર્તા પરેશકુમાર મહાલેએ સખત વાંધો ઉઠાવ્યો છે. બંધારણીય પદ પરથી સામાન્ય નાગરિકો કે પોતાના હક્ક માટે અવાજ ઉઠાવતા લોકો માટે આવા શબ્દોનો પ્રયોગ અયોગ્ય હોવાનું વિરોધકર્તાનું માનવું છે. વિરોધકર્તા દ્વારા સિસ્ટમ સામે ગંભીર આક્ષેપો
આ કથિત બાબતથી નારાજ થઈને પરેશકુમાર મહાલે આજે સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. ત્યાં તેમણે પોતાનો સખત વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધ પ્રદર્શન દરમિયાન વિરોધકર્તા દ્વારા સિસ્ટમ સામે ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. દેશ અને રાજ્યમાં બેરોજગારીનું પ્રમાણ તથા ભ્રષ્ટાચાર સતત વધી રહ્યા હોવાનો આક્ષેપ કરાયો છે, જેનાથી સામાન્ય નાગરિકો ત્રસ્ત છે. જ્યારે પણ સામાન્ય જનતા કે યુવાનો વહીવટી તંત્ર સામે સવાલ પૂછે છે, ત્યારે તેમની પાછળ પોલીસ લગાવી દઈને જેલમાં નાખી દેવાની ધમકીઓ આપવામાં આવતી હોવાનો દાવો કરાયો છે. રાષ્ટ્રીય સ્તરે ડિજિટલ સ્પેસમાં 'કોકરોચ જનતા પાર્ટી'નો ટ્રેન્ડ
ડિજિટલ પ્લેટફોર્મ્સ પર પણ આ વિષયને લઈને એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ઇન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 'કોકરોચ જનતા પાર્ટી' નામનું એક પેજ ભારે વાઇરલ થયું છે. આ કોઈ વાસ્તવિક કે ચૂંટણી પંચમાં નોંધાયેલી રાજકીય પાર્ટી નથી, પરંતુ યુવાનો દ્વારા સિસ્ટમ અને કથિત ટિપ્પણી સામે વિરોધ નોંધાવવા માટે શરૂ કરાયેલું એક ઓનલાઈન કટાક્ષ આંદોલન છે. આ પેજે લોકપ્રિયતાના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે અને ખૂબ જ ટૂંકા સમયમાં મિલિયન્સ (લાખો-કરોડો)ની સંખ્યામાં ફોલોઅર્સ મેળવી લીધા છે. આ પેજ દ્વારા બેરોજગારી અને યુવાનોની સ્થિતિ પર કટાક્ષ કરતી રમુજી શરતો સાથે ઓનલાઈન ફોર્મ બહાર પાડવામાં આવ્યા છે, જેમાં દેશભરના લાખો ડિજિટલ યુઝર્સ જોડાઈ રહ્યા છે. વહીવટી તંત્ર અને ન્યાયપાલિકા સામેનો આક્રોશ વ્યક્ત કરવા માટે સોશિયલ મીડિયા યુઝર્સ આ કટાક્ષ પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યા છે. સી.જે.આઈ. સાહેબનો વિરોધ કરીએ છીએ: પરેશકુમાર મહાલે
પરેશકુમાર મધુકર મહાલે જણાવ્યું હતું કે, આજ રોજ અમે કલેક્ટર ઓફિસ આવ્યા છીએ, સુપ્રીમ કોર્ટના જે ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા સામે બેરોજગાર યુવાનો સોશિયલ મીડિયા પર આવીને પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે, જે બેરોજગાર યુવાનો આર.ટી.આઈ. એક્ટિવિસ્ટ (RTI activists) બની રહ્યા છે, જે બેરોજગાર યુવાનો પત્રકાર બની રહ્યા છે, અને સી.જે.આઈ. દ્વારા આ તમામ બેરોજગાર યુવાનોને અને આર.ટી.આઈ. એક્ટિવિસ્ટોને જે ‘કોકરોચ’ તરીકે સંબોધન કરવામાં આવ્યું છે. સી.જે.આઈ.ના એ શબ્દનો અને સી.જે.આઈ. સાહેબનો વિરોધ કરીએ છીએ. લોકોના પ્રશ્નોનું નિરાકરણ આવવું જોઈએ
પરેશ કુમારે વધુમાં જણાવ્યું હતું કે, તંત્રમાં ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર ચાલુ છે, તંત્ર જવાબ નથી આપી રહ્યું, તંત્રને સવાલ પૂછીએ છીએ તો તંત્ર અમને, અમારી પાછળ પોલીસ લગાવી દે છે, પોલીસોની ધમકીઓ આપવામાં આવે છે, અમને જેલમાં નાખી દેવાની ધમકીઓ આપવામાં આવે છે, ભ્રષ્ટાચાર વધી ગયો છે, બેરોજગારીનું પ્રમાણ વધી ગયું છે, એ બાબતે આજ રોજ અમે કલેક્ટર ઓફિસ આવ્યા છીએ. અમારી માંગણી એ જ છે તંત્ર સુધરવું જોઈએ, લોકોના પ્રશ્નોનું નિરાકરણ આવવું જોઈએ, ગેરકાયદેસર દારૂના ધંધા બંધ થવા જોઈએ, અનાજ માફિયાઓ ખુલ્લેઆમ અનાજ ચોરી કરી રહ્યા છે એ બધી અનાજ માફિયાઓની ચોરીઓ બંધ થવી જોઈએ.
Read Original Article →