વરાછામાં પ્રી-મોન્સૂન કામગીરી અંતર્ગત 57000થી વધુ ઘરોમાં તપાસ:307 સ્થળો પર મચ્છરના પોરા મળ્યા'તા, સુરત મનપાએ કન્સ્ટ્રક્શન સાઇટ્સ પાસેથી દંડ વસૂલ્યો

Gujarat4/10/2026, 2:11:49 PM
વરાછામાં પ્રી-મોન્સૂન કામગીરી અંતર્ગત 57000થી વધુ ઘરોમાં તપાસ:307 સ્થળો પર મચ્છરના પોરા મળ્યા'તા, સુરત મનપાએ કન્સ્ટ્રક્શન સાઇટ્સ પાસેથી દંડ વસૂલ્યો
રોગચાળાને નાથવા માટે સુરત મહાનગરપાલિકાએ અત્યારથી જ કમર કસી છે. સુરતના પૂર્વ ઝોન-એ (વરાછા) વિસ્તારમાં વેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ વિભાગ દ્વારા પ્રી-મોન્સૂન સર્વેક્ષણ અને સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. છેલ્લા એક મહિનાના સમયગાળા દરમિયાન મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમોએ રહેણાંક વિસ્તારોથી લઈને મેટ્રો પ્રોજેક્ટ જેવી મોટી બાંધકામ સાઇટ્સ સુધી તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. વરસાદ પહેલા મચ્છરોની ઉત્પત્તિના સ્થાનો શોધવા મનપાની ઝુંબેશ સુરત મ્યુનિસિપલ કમિશનરની સીધી સૂચના હેઠળ, વરાછા ઝોનના V.B.D.C. વિભાગ દ્વારા તારીખ 6 માર્ચ, 2026થી 10 એપ્રિલ, 2026 સુધીના સમયગાળામાં એક સર્વગ્રાહી સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય વરસાદ પહેલા મચ્છરોની ઉત્પત્તિના સ્થાનો શોધી તેનો નાશ કરવાનો છે, જેથી ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા રોગો ફેલાતા અટકાવી શકાય. 57000થી વધુ ઘરોમાં ટાંકા, ફૂલદાની, ભંગાર વગેરેની તપાસ આ કામગીરી દરમિયાન પાલિકાની ટીમોએ મોહન કાકાની ચાલ, રેલ્વે કોલોની, પટેલ નગર, ડાહ્યા પાર્ક, સીતારામ સોસાયટી, કલ્યાણ નગર અને વલ્લભ નગર જેવા ગીચ અને રહેણાંક વિસ્તારોને આવરી લીધા હતા. કુલ 57,229 ઘરોનો પ્રત્યક્ષ સર્વે કરવામાં આવ્યોઆ ઘરોમાં રહેલા કુલ 1,52,230 કન્ટેનરો પાણીના ટાંકા, ફૂલદાની, ભંગાર વગેરેની ઝીણવટભરી તપાસ કરવામાં આવી. 57 મકાનમાલિકોને નોટિસ ફટકારી તપાસ દરમિયાન કુલ 307 સ્થળો પર મચ્છરના લાર્વા (પોરા) મળી આવ્યા હતા, જેમાં સૌથી વધુ એડીસ (233) અને એનોફિલીસ (42) ના સ્થાનો હતા.પાલિકાએ માત્ર તપાસ જ નથી કરી, પરંતુ તુરંત જ મચ્છરના ઉત્પત્તિ સ્થાનોનો નાશ કરી, જવાબદાર 57 મકાનમાલિકોને કાયદેસરની નોટિસ ફટકારી છે. 84 બાંધકામ સાઇટ્સ પર મનપાની તપાસ શહેરમાં ચાલી રહેલા મોટા બાંધકામો હંમેશા મચ્છર ઉત્પત્તિ માટેના સંવેદનશીલ કેન્દ્રો રહ્યા છે. વરાછા ઝોન-એ દ્વારા આ બાબતે સખત વલણ અપનાવવામાં આવ્યું છે. લક્ષ્મીપાર્ક ઇન્ડસ્ટ્રી, કર્મ બિઝનેસ હબ, આરાધના ટેક્ષટાઈલ માર્કેટ અને ખાસ કરીને મેટ્રો પ્રોજેક્ટ જેવી કુલ 84 બાંધકામ સાઇટ્સ પર તપાસ કરવામાં આવી હતી. 50 હજારનો દંડ ફટકાર્યો બાંધકામ સાઇટ્સ પર સ્થિતિ વધુ ગંભીર જોવા મળી હતી 5,944 કન્ટેનરોની તપાસમાં 106 પોઝિટિવ સ્પોટ્સ મળી આવ્યા હતા. ઈડન ટેક્ષપા, કબીરવાડી, ભક્તિ નગર સોસાયટી અને પ્રમુખ પાર્ક જેવા બાંધકામ એકમોમાં બેદરકારી સામે આવતા પાલિકાએ લાલ આંખ કરી છે. ગંભીર બેદરકારી બદલ બિલ્ડરો અને ઈજારદારો પાસેથી કુલ રૂ. 49,400નો વહીવટી ખર્ચ વસૂલવામાં આવ્યો છે. લોકજાગૃતિ માટે કાર્યક્રમોનું આયોજન પાલિકા વહીવટી તંત્રનું માનવું છે કે માત્ર દંડથી રોગચાળો અટકાવી શકાય નહીં, લોકજાગૃતિ પણ એટલી જ જરૂરી છે. આથી, ઝોનના અલગ-અલગ વિસ્તારોમાં ‘માહિતી, શિક્ષણ અને સંદેશાવ્યવહાર’ (IEC) કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂના ટાયર, ખુલ્લા ડબ્બા, ફૂટેલા માટલા જપ્ત કરીને સ્થળ પરથી હટાવાયા ભરત કેન્સર હોસ્પિટલની આસપાસ, રુસ્તમ બાગ સ્વામીનારાયણ મંદિર, કર્મનાથ મહાદેવ મંદિર અને કાપોદ્રા ટાંકલી ફળીયા જેવા વિસ્તારોમાં સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. અહીં આરોગ્ય વિભાગની ટીમોએ સ્થાનિક લોકોને મચ્છરથી બચવાના ઉપાયો અને ઘરની આસપાસ પાણી ભરાઈ ન રહે તે માટે સમજણ આપી હતી. ખાસ કરીને મચ્છર ઉત્પત્તિ થઈ શકે તેવો 216 નંગ પડતર સામાન જેમ કે જૂના ટાયર, ખુલ્લા ડબ્બા, ફૂટેલા માટલા જપ્ત કરીને સ્થળ પરથી હટાવવામાં આવ્યા હતા. પીવાના કે વાપરવાના પાણીની ટાંકીઓ બંધ રાખો પાલિકા દ્વારા પૂર્વ ઝોન-એ (વરાછા)ના રહીશો અને વેપારીઓને સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે, આગામી દિવસોમાં સર્વેની કામગીરી વધુ તેજ બનશે. પાલિકાએ જાહેર જનતાને અપીલ કરી છે કે, ઘર કે ધાબા પર પડેલા નકામા સાધનો કે જેમાં પાણી ભરાઈ શકે તેમ હોય તેનો તાત્કાલિક નિકાલ કરવો. પીવાના કે વાપરવાના પાણીની ટાંકીઓ હંમેશા હવાચુસ્ત ઢાંકણથી બંધ રાખવી. પક્ષીકુંડા, કુલર અને કુંડાના નીચેની પ્લેટો સપ્તાહમાં એકવાર સાફ કરી સૂકવી નાખવી.
Read Original Article →