ખાડી પૂરની કાયમી સમસ્યા નિવારવા સુરત મનપા સજ્જ:પ્રફુલ પાનશેરીયાએ પુણાના નીચાણવાળા વિસ્તારોમાં 'એમ્ફિબિયસ મશીન'થી ચાલતી સફાઈનું જાત નિરીક્ષણ કર્યું

Gujarat6/7/2026, 6:53:26 AM
ખાડી પૂરની કાયમી સમસ્યા નિવારવા સુરત મનપા સજ્જ:પ્રફુલ પાનશેરીયાએ પુણાના નીચાણવાળા વિસ્તારોમાં 'એમ્ફિબિયસ મશીન'થી ચાલતી સફાઈનું જાત નિરીક્ષણ કર્યું
આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પ્રિ-મોન્સૂન અને ખાડી સફાઈની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. દર વર્ષે ચોમાસા દરમિયાન સુરતના નીચાણવાળા વિસ્તારોમાં ખાડી પૂર અને પાણી ભરાવાની ગંભીર સમસ્યા સર્જાતી હોય છે, જેના કાયમી નિવારણ માટે વહીવટી તંત્ર દ્વારા વિવિધ આગોતરા પગલાં લેવામાં આવી રહ્યા છે. આ કામગીરીની વાસ્તવિક સ્થિતિ જાણવા માટે આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ સુરતના જુદા જુદા વિસ્તારોની ગ્રાઉન્ડ વિઝિટ કરીને ચાલી રહેલા કાર્યોની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. મંત્રી અને મેયરે ભગવતી સોસાયટી ખાતે અધિકારીઓ સાથે સમીક્ષા કરી મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સ્થાનિક પદાધિકારીઓ અને સુરત મહાનગરપાલિકાના ઉચ્ચ વહીવટી અધિકારીઓના કાફલા સાથે પુણા વિસ્તારમાં આવેલી ભગવતી સોસાયટીની મુલાકાત લીધી હતી. આ વિસ્તારમાં હાલમાં ખાડી સફાઈનું કામ પ્રગતિ હેઠળ છે, જેનું મંત્રી અને મેયર માયાબેન માવાણી સહિતના કોર્પોરેટરોએ જાત નિરીક્ષણ કર્યું હતું. મુલાકાત દરમિયાન સ્થાનિક સંગઠનના હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા અને વિસ્તારની ભૌગોલિક સ્થિતિ તેમજ ચોમાસા દરમિયાન નડતી મુખ્ય મુશ્કેલીઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. કચરો અને ઝાડી-ઝાંખરા સાફ કરવા 'એમ્ફિબિયસ એક્સકેવેટર' તૈનાત સુરત મહાનગરપાલિકા દ્વારા આ વર્ષે ખાડીઓની સફાઈ કામગીરીને વધુ ઝડપી અને વ્યાપક બનાવવા માટે આધુનિક ટેક્નોલોજીનો આશરો લેવામાં આવ્યો છે. ભગવતી સોસાયટી પાસે ચાલી રહેલી કામગીરીમાં 'એમ્ફિબિયસ એક્સકેવેટર મશીન' તૈનાત કરવામાં આવ્યા છે. આ પાણી અને જમીન બંને પર ચાલી શકતા મશીનો દ્વારા ખાડીના તળિયે જમા થયેલો કચરો, પ્લાસ્ટિક અને ઝાડી-ઝાંખરા દૂર કરવામાં આવી રહ્યા છે, જેથી ચોમાસામાં વરસાદી પાણીના નિકાલની પ્રક્રિયા અવરોધાય નહીં અને ખાડીની જળવહન ક્ષમતા જળવાઈ રહે. સ્થળ પર હાજર મહાનગરપાલિકાના ઉચ્ચ ટેકનિકલ અને ઝોનલ અધિકારીઓ સાથેની વાતચીતમાં મંત્રીએ કામગીરીની પ્રગતિનો ચિતાર મેળવ્યો હતો. તેમણે અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી કે, નીચાણવાળા વિસ્તારોમાં વસતા નાગરિકોને ચોમાસા દરમિયાન ગંદકી, દુર્ગંધ કે ખાડીના પાણી ઘરોમાં ભરાઈ જવાની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે અત્યારથી જ નક્કર આયોજન સુનિશ્ચિત કરવામાં આવે. ચોમાસું બેસે તે પહેલાં કામગીરી પૂર્ણ કરવા કડક આદેશ નિરીક્ષણ દરમિયાન મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સુરત મનપાના તંત્રને કામની ગુણવત્તા બાબતે કડક તાકીદ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, પ્રિ-મોન્સૂન કામગીરી એ સીધી રીતે નાગરિકોની સુવિધા અને આરોગ્ય સાથે જોડાયેલી બાબત હોવાથી તેમાં કોઈપણ પ્રકારની શિથિલતા કે બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં. ચોમાસું વિધિવત રીતે સક્રિય થાય તે પહેલાં, નિર્ધારિત સમયમર્યાદાની અંદર જ ખાડી સફાઈ અને ડ્રેનેજ લાઈનોના ક્લિનિંગ સહિતના તમામ કામો પુરા કરવા માટે વહીવટી તંત્રને આદેશો આપવામાં આવ્યા છે. હોટસ્પોટ્સ પર વિશેષ ધ્યાન, ઈમરજન્સી ટીમો સ્ટેન્ડબાય સુરતમાં દર વર્ષે વરાછા, પુણા, લિંબાયત અને ઉધના જેવા વિસ્તારોમાં ખાડી પૂર એક મોટી આપત્તિ સાબિત થાય છે. ભૂતકાળના અનુભવો પરથી પાઠ લઈને આ વર્ષે તંત્ર વહેલાસર સક્રિય થયું હોવાનું દેખાઈ રહ્યું છે. ચોમાસાના આગમનને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા આઇડેન્ટિફાય કરાયેલા હોટસ્પોટ્સ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. વહીવટીતંત્ર દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે પ્રિ-મોન્સૂન એક્શન પ્લાન અંતર્ગત ફ્લડ કંટ્રોલ રૂમ, ડીવોટરિંગ પમ્પિંગ સ્ટેશનો અને ઇમરજન્સી ટીમોને પણ સ્ટેન્ડબાય રાખવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે, જેથી ભારે વરસાદની સ્થિતિમાં પણ નાગરિકોને ઓછામાં ઓછી હાલાકી ભોગવવી પડે.
Read Original Article →